Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કર્ટઝન મને ઠપકો આપતાં કહેતાં, ‘થોડું સમજીને રમ, મારે તારી બૅટિંગ જોવી છે’ : વીરેન્દર સેહવાગ

કર્ટઝન મને ઠપકો આપતાં કહેતાં, ‘થોડું સમજીને રમ, મારે તારી બૅટિંગ જોવી છે’ : વીરેન્દર સેહવાગ

11 August, 2022 03:17 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ટઝન ફીલ્ડિંગ ટીમમાંથી બૅટર વિરુદ્ધ અપીલ થતી ત્યારે આઉટ આપતી વખતે આંગળી ધીમે-ધીમે ઊંચી કરતા હતા

રુડી કર્ટઝન અને વીરેન્દર સેહવાગ

રુડી કર્ટઝન અને વીરેન્દર સેહવાગ


મંગળવારે કાર-અકસ્માતમાં મૃત્યુ પામેલા સાઉથ આફ્રિકાના જાણીતા અમ્પાયર રુડી કર્ટઝનને ગઈ કાલે આઇસીસીએ અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ તેમ જ અનેક ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા પર અંજલિ આપી હતી. તેઓ ૭૩ વર્ષના હતા. અમ્પાયર તરીકે તેઓ ૨૦૧૦માં નિવૃત્ત થયા ત્યારે ૩૩૧ ઇન્ટરનૅશનલ મૅચમાં અમ્પાયરિંગ કરવાનો રેકૉર્ડ તેમના નામે હતો. ૧૯૯૨માં તેમણે ૪૩ વર્ષની ઉંમરે જે પ્રથમ ઇન્ટરનૅશનલ સિરીઝમાં અમ્પાયરિંગ કર્યું હતું એ શ્રેણી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની હતી.

તેમના પુત્ર કર્ટઝન જુનિયરે પત્રકારોને કહ્યું, ‘મારા પિતા કૅપ ટાઉન નજીક રિવર્સડેલ ખાતે મિત્રો સાથે ગૉલ્ફ રમવા ગયા હતા. તેઓ સોમવારે પાછા આવવાના હતા, પણ તેમણે ગૉલ્ફનો વધુ એક રાઉન્ડ રમવાનું નક્કી કર્યું હતું અને મંગળવારે આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.



કર્ટઝન ફીલ્ડિંગ ટીમમાંથી બૅટર વિરુદ્ધ અપીલ થતી ત્યારે આઉટ આપતી વખતે આંગળી ધીમે-ધીમે ઊંચી કરતા હતા. આ સ્ટાઇલ માટે તેઓ ક્રિકેટપ્રેમીઓમાં જાણીતા હતા અને તેમની એ સ્ટાઇલને ‘સ્લો ડેથ’ નામ અપાયું હતું.


એક સમયના નંબર-વન અમ્પાયર માટે અંજલિમાં કોણે શું કહ્યું?

(૧) સચિન તેન્ડુલકર : હું પહેલી વાર ૧૯૯૨માં રુડી કર્ટઝનને મળેલો ત્યારથી જ અમે મિત્રો બની ગયા હતા અને ત્યાર પછીનાં વર્ષોમાં અમારી મિત્રતા વધુ મજબૂત થઈ હતી. લાગણીશીલ કર્ટઝનનો મેદાનની બહાર ખેલાડીઓ વચ્ચે હંમેશાં હસતો ચહેરો જોવા મળતો હતો. તેમના પરિવારજનોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
(૨) વીરેન્દર સેહવાગ : ઈશ્વર રુડી કર્ટઝનના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. રુડી સાથે મારી બહુ સારી મિત્રતા હતી અને અમે ઘણી વાર મજાકમસ્તી કરી લેતા હતા. હું જ્યારે પણ ઉતાવળે અને સાહસ ખેડીને શૉટ મારી દેતો ત્યારે તેઓ મને ઠપકો આપતાં કહેતાં, ‘સમજદારીથી રમ, મારે તારી વધુ બૅટિંગ જોવી છે.’ કર્ટઝન એક વાર પોતાના દીકરા માટે પૅડ ખરીદવા માગતા હતા અને એ વિશે મારી પાસે થોડી જાણકારી માગી હતી. થોડા દિવસ પછી મેં તેમને ગિફ્ટમાં પૅડ મોકલ્યા ત્યારે તેમણે મારી સમક્ષ ભારપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ જેન્ટલમૅન અને બહુ જ સારા સ્વભાવના હતા. વિલ મિસ યુ રુડી.’
(૩) ઍડમ ગિલક્રિસ્ટ : મારી શાનદાર કરીઅરમાં ખાસ બે બનાવ વિશે મને ઘણી વાર પૂછવામાં આવતું હોય છે. એક, પર્થમાં ઇંગ્લૅન્ડ સામેની મારી ઝડપી સદી અને બીજું, વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની સેમી ફાઇનલમાં હું અપીલ થતાં જ વૉક કરી ગયો. આ બન્ને બનાવ વખતે અમ્પાયર તરીકે રુડી કર્ટઝન હતા. અ ગ્રેટ અમ્પાયર ઍન્ડ ગ્રેટ ફ્રેન્ડ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 03:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK