કટ્ટર હરીફોની મૅચનો રોમાંચ જોવા ભારતીય ફૅન્સે કરવો પડશે ઉજાગરો
પ્રતીકાત્મક તસવીર
આજથી ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝનો જંગ શરૂ થશે. આજે અગિયારમી સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર મોડી રાતે અગિયાર વાગ્યાથી પહેલી T20 મૅચનો રોમાંચ શરૂ થશે. ઑસ્ટ્રેલિયાની ટીમ સ્કૉટલૅન્ડ સામે ૩-૦થી T20 સિરીઝ ક્લીન સ્વીપ કરીને ઇંગ્લૅન્ડની ધરતી પર પહોંચી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે મળેલી સેમી ફાઇનલની હાર બાદ પહેલી વાર T20 મૅચ રમવા ઊતરશે.
T20 ઇન્ટરનૅશનલમાં બન્ને ટીમ વચ્ચે રસાકસી જોવા મળી છે. બન્ને ટીમ એકબીજા સામે ૧૧-૧૧ મૅચ જીતી છે. આ સિરીઝમાં બન્ને ટીમની નજર હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં લીડ મેળવવા પર રહેશે. T20 સિરીઝની ત્રણેય મૅચ ભારતીય સમય અનુસાર મોડી રાતે અગિયાર વાગ્યે શરૂ થશે, જ્યારે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થતી પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ત્રણ મૅચ બપોરે ૩.૩૦ વાગ્યાથી અને બે મૅચ સાંજે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે.
ADVERTISEMENT