છેલ્લી ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ડબલ સેન્ચુરી ચૂકી જતાં પાકિસ્તાનના ક્રિકેટર અને ટીકાકારોથી લઈને ચાહકવર્ગ ખૂબ જ નારાજ

ફખર ઝમાન
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની બીજી વન-ડેમાં ઓપનર ફખર ઝમાન ૧૫૫ બૉલમાં ૧૮ ચોગ્ગા અને ૧૦ સિક્સર ફટકારી ધમાકેદાર ૧૯૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો, જેને લીધે એક સમયે પાકિસ્તાન બીજી વન-ડે જીતીને સિરીઝ ૨-૦થી કબજે કરી લેશે એવી ગણતરી કરવામાં આવી રહી હતી, પણ સાઉથ આફ્રિકાએ સમજદારીથી બોલિંગ કરતાં ૧૭ રને આ મૅચ જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી હતી.
ફખર ઝમાન ડબલ સેન્ચુરી કરે એવી સૌકોઈને આશા હતી, પણ ક્વિન્ટન ડિકૉક દ્વારા ૧૯૩ રનના સ્કોરે તે રનઆઉટ થતાં ક્રિકેટપ્રેમીઓનાં દિલ તૂટી ગયાં હતાં. ત્યાર બાદ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓથી માંડીને ટીકાકારોએ પણ ડિકૉકને જવાબદાર ગણાવ્યો હતો.
વાસ્તવમાં મૅચની છેલ્લી ઓવરમાં ઝમાન આઉટ થયો હતો અને દરેકને એમ લાગતું હતું કે ડિકૉકની અવળચંડાઈને લીધે ઝમાન રનઆઉટ થયો છે. પણ રિપ્લેમાં જોયા બાદ ખબર પડી હતી કે ઝમાન જ્યારે બીજો રન લેવા દોડતો હોય છે ત્યારે ડિકૉકે હાથનો ઇશારો કરીને ઝમાનને એવો ભરોસો અપાવડાવ્યો કે બૉલ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર જઈ રહ્યો છે. ખરા અર્થમાં ડિકૉકે ઍન્ગિડી સામે આંગળી કરી હતી અને ઍડન માર્કરમ દ્વારા બૉલ ડાયરેક્ટ હિટ કરવામાં આવ્યો હતો. ઝમાને પણ રન લેવાની પોતાની ગતિ ધીમી કરી દીધી હતી જેને લીધે સમયસર ક્રીઝમાં ન પહોંચતાં તે રનઆઉટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઘણા પાકિસ્તાનના ક્રિકેટરોને આ વાત ગમી નહોતી અને ટીકાકારો, ક્રિકેટપ્રેમીઓએ ડિકૉક પર જાણીજોઈને બૅટ્સમૅનને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.
ફખર કહે છે, મારી જ ભૂલ હતી
વન-ડેમાં ડબલ સેન્ચુરી કરવાની તક ચૂકી ગયેલા ફખર ઝમાનના રનઆઉટ પર ઘણો વિવાદ ચાલ્યો હતો અને તે રનઆઉટ થતાં અનેક જણે સાઉથ આફ્રિકન વિકેટકીપર ક્વિન્ટન ડિકૉકને જવાબદાર ગણાવ્યો હતો. જોકે ડિકૉકનો બચાવ કરતાં ઝમાને કહ્યું કે ‘ભૂલ મારી હતી. હું બીજી બાજુ હરીસ રૌફને જોવામાં વ્યસ્ત હતો, કેમ કે મને એમ લાગતું હતું કે તે પોતાની ક્રીઝમાંથી થોડો મોડો નીકળ્યો હતો અને મને એમ લાગતું હતું કે તે મુશ્કેલીમાં મુકાઈ જશે. આગળનો નિર્ણય મૅચ-રેફરીના હાથમાં હોય, પણ મને નથી લાગતું કે ક્વિન્ટનની એમાં કંઈ ભૂલ હોય. હા, હું સારું રમ્યો, પણ જો અમે મૅચ જીત્યા હોત તો વધારે સારું ગણાયું હોત.’
અંતિમ નિર્ણય અમ્પાયર લેશે : એમસીસી
ફખર ઝમાન વિવાદિત રીતે રનઆઉટ થયા બાદ ગઈ કાલે સાંજે મૅરિલબૉન ક્રિકેટ ક્લબે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આ પ્રકારની ઘટનામાં અંતિમ નિર્ણય અમ્પાયરે લેવાનો હોય છે. મૅરિલબૉને કહ્યું કે આ સંદર્ભના નિયમ ઘણા સ્પષ્ટ છે. જો કોઈ ખેલાડી અન્ય ખેલાડીને ભ્રમિત કરે અથવા ખેલાડી પોતે ભ્રમિત થાય તો એવા કિસ્સામાં અમ્પાયર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવે છે. જો અમ્પાયર ફીલ્ડરને દોષી ગણે તો બૅટ્સમૅન નૉટઆઉટ રહેશે અને ટીમના ખાતામાં ભાગીને લીધેલા બે રન સાથે પાંચ પેનલ્ટી રન પણ જોડવામાં આવશે. આ ઉપરાંત કયો બૅટ્સમૅન પછીનો બૉલ રમશે એ બૅટ્સમમૅન પોતે નક્કી કરી શકે છે.