વર્લ્ડ કપ વિજેતા ટીમ-મેમ્બરોની સાથે હેડ કોચને પણ પાંચ કરોડ રૂપિયા મળવાના હતા, પણ...
રાહુલ દ્રવિડ
વર્લ્ડ ચૅમ્પિયન હેડ કોચ રાહુલ દ્રવિડે વધુ એક બોલ્ડ નિર્ણય કરીને ક્રિકેટ ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. ભારતીય ક્રિકેટ બોર્ડે વર્લ્ડ ચૅમ્પિયન ટીમ માટે જાહેર કરેલા ૧૨૫ કરોડ રૂપિયાના ઇનામમાંથી સ્ક્વૉડના ૧૫ ખેલાડીઓની જેમ હેડ કોચ રાહુલ દ્રવિડને પણ પાંચ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપવામાં આવવાની હતી, પણ અહેવાલો અનુસાર તેમણે અન્ય કોચિંગ સ્ટાફની જેમ માત્ર ૨.૫ કરોડ રૂપિયા લેવાનો જ આગ્રહ રાખ્યો હતો.
૫૧ વર્ષના રાહુલ દ્રવિડની પ્રશંસા કરતાં કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે સુગંધ તમારા કૅરેક્ટરમાં આવે છે, પરફ્યુમમાંથી નહીં. કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ લખ્યું હતું કે એવી દુનિયામાં જ્યાં ‘કમ-લુક-ઍટ-મી’ એ એક રોગ છે અને પેઇડ પબ્લિક રિલેશન્સ એ સ્વીકાર્ય લાઇફસ્ટાઇલ બની ગઈ છે ત્યાં રાહુલ દ્રવિડની આ નમ્રતા તેને મહાન બનાવે છે, હું આપણા ક્રિકેટના વ્યવસાયમાં આની જ અપેક્ષા રાખું છું.

