ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમની સાથે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહે ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ટીમમાં વાપસી કરી છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટૂર માટે તેમને આરામ આપવામાં આવ્યો છે
શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ
નવેમ્બર મહિનામાં આયોજિત ઑસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે ગઈ કાલે પાકિસ્તાન બોર્ડ સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમની સાથે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહે ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ટીમમાં વાપસી કરી છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટૂર માટે તેમને આરામ આપવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટ હાર્યા બાદ આ ત્રણેય ક્રિકેટર્સને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા ટૂરમાં ૪થી ૧૦ નવેમ્બર વચ્ચે વન-ડે સિરીઝ, જ્યારે ૧૪થી ૧૮ નવેમ્બર દરમ્યાન T20 સિરીઝની ત્રણ-ત્રણ મૅચ રમાશે. ઝિમ્બાબ્વે ટૂરમાં ૨૪થી ૨૮ નવેમ્બર વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝ અને એકથી પાંચ ડિસેમ્બર દરમ્યાન ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ઘણા નવા ચહેરાઓને ટીમમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
બાબરનો ઓપનિંગ જોડીદાર બન્યો પાકિસ્તાનનો નવો કૅપ્ટન
ઇન્ટરનૅશનલ મૅચમાં ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ સાથે ઓપનિંગ કરનાર મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનના લિમિટેડ ઓવર્સના ફૉર્મેટ માટેનો નવો કૅપ્ટન બન્યો છે. ઑસ્ટ્રેલિયાની ટૂર પર તે પહેલી વાર વન-ડે અને T20 સિરીઝની કૅપ્ટન્સી કરશે. વાઇસ-કૅપ્ટન તરીકે ઑલરાઉન્ડર સલમાન અલી આગાની પસંદગી કરવામાં આવી છે. તે ઝિમ્બાબ્વેની ટૂરમાં કૅપ્ટનની જવાબદારી સંભાળશે, કારણ કે રિઝવાનને વર્કલોડ મૅનેજમેન્ટ પ્લાન હેઠળ આરામ આપવામાં આવશે.