ન્યુ યૉર્કની ટીમે ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ફક્ત ૯૧ રન બનાવ્યા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ટી૧૦માં પૂરનની ટીમ પોલાર્ડની ટીમને હરાવીને ફરી ચૅમ્પિયન
અબુ ધાબીમાં રવિવારે અબુ ધાબી ટી૧૦ની ફાઇનલ રમાઈ હતી, જેમાં વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરનના સુકાનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડેક્કન ગ્લૅડિયેટર્સે કીરોન પોલાર્ડની ન્યુ યૉર્ક સ્ટ્રાઇકર્સને ૩૭ રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. બૅટિંગ મળ્યા બાદ ડેક્કને ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૨૮ રન બનાવ્યા હતા, જેમાં ડેવિડ વિસ (અણનમ ૪૩, ૧૮ બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને પૂરન (૪૦ રન, ૨૩ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. ઓપનિંગમાં સુરેશ રૈના ૭ અને આન્ડ્રે રસેલ ૯ રન બનાવી શક્યા હતા. ન્યુ યૉર્કની ટીમે ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ફક્ત ૯૧ રન બનાવ્યા હતા, જેમાં ૨૩ રનનું યોગદાન આપનાર પોલાર્ડ રિટાયર હર્ટ થયો હતો. ડેક્કનના જૉશ લિટલ અને મોહમ્મદ હસનૈને બે-બે વિકેટ લીધી હતી. પૂરનને ૧૦ મૅચમાં હાઇએસ્ટ ૩૪૫ રન બદલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો. સ્પર્ધામાં પોલાર્ડના ૯ મૅચમાં માત્ર ૧૦૧ રન અને ડેવિડ મિલરના ૧૦ મૅચમાં ફક્ત ૧૦૯ રન હતા. રૈના ૭ મૅચમાં ફક્ત ૩૫ રન બનાવી શક્યો હતો. ડ્વેઇન પ્રિટોરિયસ અને જૉર્ડન થૉમ્પસનની ૧૨-૧૨ વિકેટ હાઇએસ્ટ હતી.
ઉન્નતિ એશિયન બૅડ્મિન્ટનમાં પ્રથમ ભારતીય મેડલ વિજેતા
હરિયાણાના રોહતકની ૧૫ વર્ષની બૅડ્મિન્ટન ખેલાડી ઉન્નતિ હૂડા એશિયન જુનિયર બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપના અન્ડર-17 વર્ગમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. રવિવારે તે સિંગલ્સમાં થાઇલૅન્ડની સારુનરક વિતિદસાર્ન સામેની ફાઇનલમાં ૧૮-૨૧, ૨૧-૯, ૧૪-૨૧થી હારી ગઈ હતી, પરંતુ ઉન્નતિએ સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે. તે આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય પણ બની હતી. મેન્સ જુનિયરમાં પણ અર્શ મોહમ્મદ તથા સંસ્કાર સારસ્વતની જોડી ડબલ્સમાં તેમ જ અનીશ થોપ્પાની સિંગલ્સમાં ફાઇનલમાં હારી જતાં સિલ્વર મેડલ જીત્યા હતા.