Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: મેન્ટર માહીનું મફત માર્ગદર્શન

News In Short: મેન્ટર માહીનું મફત માર્ગદર્શન

13 October, 2021 05:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન આઇપીએલમાં પોતાની ટીમને રવિવારે ફાઇનલમાં પહોંચાડનાર ધોની ભારતના શ્રેષ્ઠ કૅપ્ટનોમાં ગણાય છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન અને ગયા વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની ૧૭ ઑક્ટોબરે યુએઈ તથા ઓમાનમાં શરૂ થઈ રહેલા ૧૬ દેશો વચ્ચેના ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે નિયુક્ત થયો છે, પરંતુ બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ધોની આ મેન્ટરિંગ બદલ કોઈ જ ફી નથી લેવાનો. ટીમ ઇન્ડિયાના માર્ગદર્શક તરીકે ધોનીની નિયુક્તિ ગયા મહિને કરવામાં આવી હતી. વર્તમાન આઇપીએલમાં પોતાની ટીમને રવિવારે ફાઇનલમાં પહોંચાડનાર ધોની ભારતના શ્રેષ્ઠ કૅપ્ટનોમાં ગણાય છે. તેના સુકાનમાં ૨૦૦૭માં ભારત પ્રથમ ટી૨૦નો વર્લ્ડ કપ જીત્યું હતું અને પછી ૨૦૧૧માં વન-ડે વિશ્વકપમાં ભારતે ટ્રોફી મેળવી હતી. ધોનીએ કુલ ૫૩૮ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૧૭,૨૬૬ રન બનાવ્યા હતા.

ટી૨૦ ક્રિકેટને કૉમનવેલ્થમાં મળ્યો મુખ્ય રમતનો દરજ્જો



૨૦૨૬ની સાલથી કૉમનવેલ્થ ગેમ્સમાં ઍથ્લેટિક્સ અને સ્વિમિંગ માત્ર એવી બે રમતો હશે જેની હરીફાઈ ફરજિયાત રાખવી પડશે. એ ઉપરાંત નવી વ્યૂહાત્મક રૂપરેખા મુજબ મુખ્ય રમતોની યાદીમાં ટી૨૦ ફૉર્મેટના ક્રિકેટનો ખાસ સમાવેશ થયો છે. આવો મુખ્ય રમત તરીકેનો દરજ્જો ૩X૩ બાસ્કેટબૉલની રમતને પણ અપાયો છે. ૨૦૨૬થી યજમાન દેશને મુખ્ય રમતોની યાદીમાંથી પોતાની પસંદગીની રમતની હરીફાઈ રાખવાની છૂટ મળશે. ટી૨૦ ક્રિકેટ જે અગાઉ કૉમનવેલ્થની વૈકલ્પિક યાદીમાં હતું એ હવે મુખ્ય લિસ્ટમાં આવી ગયું છે. હવે ઘણા દેશોમાં રમાય છે એટલે કૉમનવેલ્થમાં ટી૨૦ ક્રિકેટને અચૂક સ્થાન મળશે. આયોજકો કૉમનવેલ્થ હેઠળ ગણાતા દેશો વચ્ચેની આ સ્પર્ધાને ખર્ચની દૃષ્ટિએ વધુ કરકસરયુક્ત બનાવવા પણ યોજના ઘડી રહ્યા છે. મુખ્ય રમતોની યાદીમાં ટી૨૦ ક્રિકેટ ઉપરાંત બીચ વૉલીબૉલ, બૅડ્મિન્ટન, શૂટિંગ, ટેબલ ટેનિસ, રેસલિંગ (ફ્રીસ્ટાઇલ) અને હૉકી સામેલ છે. ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સ ઇંગ્લૅન્ડમાં યોજાશે, જેમાં ટી૨૦ ક્રિકેટ (મહિલા) ટુર્નામેન્ટને સમાવાઈ છે.


ભારતની મહિલા બૅડ્મિન્ટન પ્લેયર્સ ક્વૉર્ટર ફાઇનલમાં

ડેન્માર્કના આર્હસમાં ચાલતી ઉબેર કપ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ભારતની મહિલા ખેલાડીઓ સ્કૉટલૅન્ડ સામે ૪-૧થી જીતીને ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ હતી. અદિતિ ભટ્ટ અને તસનીમ મીરે સિંગલ્સમાં વિજય મેળવ્યા હતા, જ્યારે ડબલ્સમાં જાણીતા કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રી ગોપીચંદ તથા ટ્રીસા જૉલીએ જીત મેળવી હતી. એ પહેલાંની ડબલ્સ તનીશા ક્રાસ્ટો અને રુતંપર્ણા પાન્ડાની જોડી જીતી હતી, પરંતુ મુકાબલાની એકમાત્ર હાર માલ્વિકા બંસોડની હતી જે સ્કૉટિશ હરીફ સામે સળંગ ગેમમાં પરાજિત થઈ હતી.
હવે આજે ભારતનો મુકાબલો થાઇલૅન્ડની મજબૂત ટીમ સામે છે.


‘સાફ’ ફુટબૉલમાં ભારતે આજે જીતવું જ પડશે

માલેમાં ચાલી રહેલી સાઉથ એશિયાના દેશો વચ્ચેની ‘સાફ’ (એસએએફએફ - સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન) ફુટબૉલ સ્પર્ધામાં કૅપ્ટન સુનીલ છેત્રીએ ૭૭મા ઇન્ટરનૅશનલ ગોલ સાથે મહાન ખેલાડી પેલેની બરાબરી કરી એનાથી ભારતીય ટીમનું ગૌરવ ઘણું વધી ગયું છે, પરંતુ બે મૅચ ડ્રૉ રહેવાને કારણે અને નેપાલ સામે માત્ર ૧-૦ની જીતને કારણે સ્થિતિ એ છે કે આજે ભારતે યજમાન મૉલદીવ્ઝને હરાવવું જ પડશે. નહીં તો ભારત આ ટુર્નામેન્ટની બહાર થઈ જશે. ભારત અત્યારે આ ગ્રુપમાં નેપાલ અને મૉલદીવ્ઝથી પણ નીચેના ક્રમે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2021 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK