ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટ્વીટ કરીને આ માહિતી આપી છે

તસવીર સૌજન્ય: બીસીસીઆઈનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) 27 નવેમ્બર (રવિવારે) જણાવ્યું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 2022 IPL ફાઈનલ દરમિયાન દર્શકોની મહત્તમ હાજરી માટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. હવે આ વિશ્વનું એકમાત્ર ક્રિકેટ મેદાન છે જ્યાં T20 મેચ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં દર્શકો હાજર હતા. ગયા વર્ષે 29 મેના રોજ અમદાવાદના આ મેદાન પર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે IPLની ફાઇનલ રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ટીમ પહેલીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બોર્ડે તેના સત્તાવાર ટ્વીટમાં કહ્યું કે, “આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે કે ભારતે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અમારા ચાહકોના અતૂટ સમર્થન માટે છે.” બીસીસીઆઈએ આ ટ્વીટમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન મોટેરા અને આઈપીએલને ટેગ કર્યું છે. BCCI સેક્રેટરી જય શાહે આને રીટ્વીટ કરીને લખ્યું છે કે, “ખરેખર અમે 29 મેના રોજ IPL ફાઈનલ માટે 1,01,566 લોકોની હાજરી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવીએ છીએ. આ શક્ય બનાવવા માટે ચાહકોનો ખૂબ ખૂબ આભાર.”
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. મોટેરા સ્થિત આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા છે. અહીં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી વધુ 10,000 લોકો બેસીને મેચની મજા માણી શકે છે. MCGની ક્ષમતા 1 લાખ 24 લોકોની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે.
આ પણ વાંચો: સિરીઝ બચાવવા માટે ભારતે બદલવો પડશે પાવર-પ્લેમાં રમવાનો અભિગમ