Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ સતત નવમા વર્ષે પ્રથમ મૅચ હાર્યું

મુંબઈ સતત નવમા વર્ષે પ્રથમ મૅચ હાર્યું

10 April, 2021 04:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરની છેલ્લા બૉલે બે વિકેટે રોમાંચક જીત સાથે શરૂઆતઃ પાંચ વિકેટ સાથે હર્ષલ પટેલ મૅન ઑફ ધ મૅચ

મુંબઈ સતત નવમા વર્ષે પ્રથમ મૅચ હાર્યું

મુંબઈ સતત નવમા વર્ષે પ્રથમ મૅચ હાર્યું


આઇપીએલની ૧૪મી સીઝનની પ્રથમ મૅચમાં ગઈ કાલે ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન સામે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે છેલ્લા બૉલમાં બે વિકેટથી જીત મેળવીને શુભ શરૂઆત કરી હતી. મુંબઈએ આપેલા ૧૬૦ રનના ટાર્ગેટને બૅન્ગલોરે ૨૦મી ઓવરના છેલ્લા બૉલમાં ૮ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પાંચ વિકેટ લઈને મુંબઈની કમર તોડી નાખનાર પેસ બોલર હર્ષલ પટેલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 
ડિવિલિયર્સમાં છે હજી દમ
મુંબઈએ આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોરે રમેલું જૂગટું પહેલાં સફળ નહોતું થયું. ઓપનિંગમાં આવેલા વૉશિંગ્ટન સુંદર ૧૬ બૉલમાં ૧૦ રન તથા વન-ડાઉન રજત પાટીદાર ૮ બૉલમાં ૮ રન જ બનાવી શક્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી (૨૯ બૉલમાં ચાર ફોર સાથે ૩૩) અને બૅન્ગલોર વતી પ્રથમ મૅચ રમી રહેલા ગ્લેન મૅક્સવેલ (૨૮ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૯ રન) વચ્ચે બાવન રનની પાર્ટનરશિપે બૅન્ગલોરને જીતની રાહ પર મૂકી દીધું હતું. જોકે ત્યાર બાદ સતત ૩ વિકેટ પડી જતાં બૅન્ગલોરનો સ્કોર ૧૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૬ રન થઈ ગયો હતો. હવે જીતવા માટે ૩૦ બૉલમાં ૫૪ રન કરવાના હતાં. મુંબઈ મૅચમાં કમબૅક કરે એવું લાગી રહ્યું ત્યારે ફરી મુંબઈને એ. બી. ડિવિલિયર્સ નડી ગયો હતો. ૨૭ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૮ રનની ઇનિંગ્સ સાથે ડિવિલિયર્સે બૅન્ગલોરની જીત પાક્કી કરી નાખી હતી. એ છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો ત્યારે મૅચ ટાઇ થાય એવું લાગતું હતું, પણ બોલિંગમાં કમાલ કરનાર હર્ષલ પટેલે શાંતચિત્તે રમીને બૅન્ગલોરને જીત સાથે શરૂઆત કરાવી આપી હતી. 
 મુંબઈ વતી જસપ્રીત બુમરાહ અને નવા બોલ જેનસને બે-બે તથા બોલ્ટ અને કૃણાલે એક-એક વિકેટ લીધી હતી. 
મુંબઈ ફરી આરંભે અધૂરા
આ સાથે મુંબઈ સતત નવમા વર્ષે એની સીઝનની પ્રથમ મૅચ હાર્યું હતું. આમ પાંચ-પાંચ વારની ચૅમ્પિયન ફરી એક વાર આરંભે અધૂરી પુરવાર થઈ હતી. મુંબઈ સીઝનની પ્રથમ જીત તેમણે છેલ્લે ૨૦૧૨માં ચેન્નઈ મેળવી હતી. ત્યાર બાદ ૨૦૧૩માં એટલે કે છઠ્ઠી સીઝનમાં બૅન્ગલોર સામે હારથી ચાલી આવેલો સિલ‌સિલો ૧૪મી સીઝનમાં જળવાઈ રહ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે મુંબઈ આ દરમ્યાન પાંચ-પાંચ વાર ચૅમ્પિયન બન્યું છે. 
ક્રિસ લીન ચમક્યો
બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ ક્લિન્ટન ડિકૉકની ગેરહાજરીમાં અપેક્ષા પ્રમાણે ક્રિસ લીનને મોકો આપ્યો હતો. મુંબઈ વતી લીનની આ પ્રથમ મૅચ હતી. ગઈ સીઝનનાં તેને એક પણ મૅચ રમવા નહોતી મળી. લીન ઉપરાંત મુંબઈ સાઉથ આફ્રિકન પેસર માર્કો જેનસનને પણ તક આપી હતી. બૅન્ગલોરે રજત પાટીદાર, ગ્લેન મૅક્સવેલ, ડૅનિયલ ક્રિસ્ટિયન અને કાયલ જેમિસનનો સમાવેશ કર્યો હતો. 
કૅપ્ટન રોહિત શર્મા ૧૫ બૉલમાં એક ફોર અને એક સિક્સર સાથે ફક્ત ૧૯ રન બનાવીને ચોથી ઓવરમાં છેલ્લા બૉલમાં રનઆઉટ થયો હતો. ત્યાર બાદ મુંબઈ વતી પ્રથમ મૅચ રમી રહેલો ક્રિસ લીન (૩૫ બૉલમાં ૩ સિક્સર અને ચાર ફોર સાથે ૪૯ રન), સૂર્યકુમાર યાદવ (૨૩ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૧) અને ઈશાન કિશને (૧૯ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૮ રન) મુંબઈએ ૧૨ ઓવરમાં ૧૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. 
૩૧ રનમાં ગુમાવી ૬ વિકેટ
મુંબઈ ઇન્ડિયન્સે ૧૫મી ઓવરના અંતે ૩ વિકેટે ૧૨૮ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને ઈશાન કિશનના સથવારે મુંબઈ છેલ્લા ૩૦ બૉલમાં ૬૦થી ૭૦ રન બનાવશે એવી અપેક્ષા હતી; પણ કાયલ જેમિસન, ‌મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ સામે મુંબઈ ઝૂકી ગયું હતું અને માત્ર ૩૧ રનમાં એણે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈનો સ્કોર ૯ વિકેટે ૧૫૯ રન સુધી સીમિત રહ્યો હતો. 
મુંબઈએ પોલાર્ડ અને હાર્દિકની હાજરીમાં રમવાની શરૂ કરેલી છેલ્લી ઓવરમાં માત્ર એક બનાવ્યો હતો અને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. 
હર્ષલ તોડ્યો રોહિતનો રેકૉર્ડ
હર્ષલ પટેલનો ગઈ કાલનો ૨૭ રનમાં પાંચ વિકેટનો પર્ફોર્મન્સ મુંબઈ ઇન્ડિયન્સ સામેનો બેસ્ટ બોલિંગ-પર્ફોર્મન્સ હતો. આ પહેલાં કોઈ બોલર મુંબઈ સામે પાંચ વિકેટ નહોતો લઈ શક્યો. નવાઈની વાત એ છે કે મુંબઈ સામે આ પહેલાંનો બેસ્ટ પર્ફોર્મન્સ બીજા કોઈનો નહીં, પણ રોહિત શર્માનો હતો. હા, રોહિત શર્માનો. ૨૦૦૯માં ડેક્કન ચાર્જર વતી રમતાં રોહિત શર્માએ બે ઓવરમાં ૬ રન આપીને હૅટ-‌ટ્રિક સાથે ૪ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. 
હેલિકૉપ્ટર શૉટના ચક્કરમાં બૅટ તોડ્યું
ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં ત્રીજા બૉલમાં કાયલ જેમિસનના બૉલમાં ધોની સ્ટાઇલમાં હેલિકૉપ્ટર શૉટ મારવા જતાં કૃણાલ પંડ્યાનું બૅટ તૂટી ગયું હતું. 
  બીસીસીઆઇ / આઇપીએલ


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK