સેમી ફાઇનલમાં પાકિસ્તાન-શ્રીલંકા અને ભારત-અફઘાનિસ્તાનની મૅચ નક્કી થઈ
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ભારત અને ઓમાનની મૅચ સાથે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024માં ગ્રુપ-સ્ટેજની મૅચો સમાપ્ત થઈ હતી. અંતિમ મૅચમાં ભારતની ઓમાન સામે ૬ વિકેટે જીત થતાં જ પચીસમી ઑક્ટોબરે આયોજિત બે સેમી ફાઇનલ મૅચનું શેડ્યુલ નક્કી થયું હતું. ગ્રુપ Bમાં ભારત (૬ પૉઇન્ટ) પહેલા અને પાકિસ્તાન (૪ પૉઇન્ટ) બીજા ક્રમે રહ્યું, જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન ગ્રુપ Aમાં અનુક્રમે પહેલા અને બીજા સ્થાને રહ્યાં. ગઈ કાલે બપોરે UAEને ૧૧૪ રને હરાવીને પાકિસ્તાનની ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની હતી.
મસ્કતમાં પચીસમી ઑક્ટોબરે પહેલી સેમી ફાઇનલ મૅચ બપોરે ૨.૩૦ વાગ્યાથી શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમી ફાઇનલ સાંજે ૭ વાગ્યાથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાશે જેને કારણે ૨૭ ઑક્ટોબરે ફાઇનલમાં સતત બીજી વાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની સંભાવના છે.
ADVERTISEMENT
આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ચાર અને ભારતને બે વાર ફાઇનલ રમવાની તક મળી છે. ટુર્નામેન્ટની પહેલી સીઝન ભારતે પાકિસ્તાન સામે ૯ વિકેટે જીતી હતી, જ્યારે ૨૦૨૩માં ભારત સામે ૧૨૮ રને જીત મેળવી પાકિસ્તાને છેલ્લી સીઝન જીતી હતી.