થોડી ક્ષણોમાં રમત ફરી શરૂ થઈ હતી અને હર્ષલ પટેલની ઓવર પૂરી થતાં જ બૅન્ગલોરની જીત થઈ હતી. સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના પર ઘણી રમૂજ થઈ હતી.

પોલીસ યુવાનને WWEના કુસ્તીબાજની જેમ ખભે ઊંચકીને લઈ જતાં જ કોહલી છક થઈ ગયો
બુધવારે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં એક વિચિત્ર, પરંતુ રમૂજી ઘટના બની હતી. લખનઉ સામેની મૅચ દરમ્યાન બૅન્ગલોરનો વિરાટ કોહલી બાઉન્ડરી લાઇન પાસે (લૉન્ગ-ઑન પર) ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો એક ચાહક મેદાન પર દોડી આવ્યો હતો. સામાન્ય રીતે સલામતી રક્ષકો આવા કોઈ ‘ઘૂસણખોર ક્રિકેટ ક્રેઝી’ને સમજાવીને અને ન માને તો દમદાટીથી મેદાનની બહાર લઈ જતા હોય છે, પરંતુ ઈડનમાં મૅચની છેલ્લી અને હર્ષલ પટેલની એ નિર્ણાયક ઓવરમાં તો સાવ વિચિત્ર કિસ્સો બન્યો હતો. યુવાન ગ્રાઉન્ડ પર ઊતરીને કોહલી તરફ આવી રહ્યો હતો ત્યારે પળવારમાં સફેદ ડ્રેસમાં પહેરો ભરતા એક પોલીસ તેની પાસે પહોંચીને તેને ડબ્લ્યુડબ્લ્યુઈના રેસલરની જેમ પોતાના ખભા પર ઊંચકીને મેદાનની બહાર લઈ ગયો હતો.
એ વખતે કોહલી તો જોતો જ રહી ગયો હતો. પછીથી તે પ્રેક્ષકો તરફ વળ્યો હતો અને આ ઘટનામાં પોતાને જે હસવું આવ્યું એને રોકી નહોતો શક્યો. થોડી ક્ષણોમાં રમત ફરી શરૂ થઈ હતી અને હર્ષલ પટેલની ઓવર પૂરી થતાં જ બૅન્ગલોરની જીત થઈ હતી. સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના પર ઘણી રમૂજ થઈ હતી. એક જણે ટ્વીટમાં લખ્યું હતું, ‘કલકત્તાની પોલીસ બની ગઈ જૉન સીના.’
સટ્ટો રમવા બદલ ઈડનમાંથી પાંચની ધરપકડ
ગુરુવારે લખનઉ-બૅન્ગલોરની મૅચમાં સટ્ટો લેતા પાંચ જણ ઈડનમાં પકડાયા હતા. આ ધરપકડ કલકત્તા પોલીસના ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટ હેઠળના ઍન્ટિ-રૉવડી સ્ક્વૉડ (એઆરએસ)ના તપાસકારો દ્વારા કરવામાં આવી હતી. પાંચમાંથી ત્રણ જણ મૅચ જોવાને બદલે પોતાના ફોન પર સર્ફિંગ અને ચૅટિંગ કરવામાં બિઝી હતા એટલે તપાસકારોને તેમના પર શંકા ગઈ હતી એટલે તેમને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ પરથી બે જણને નજીકના ગેસ્ટહાઉસમાંથી પકડવામાં આવ્યા હતા. પકડાયેલા પાંચેપાંચ જણ બિહારના હતા અને તેમનાં નામ આ મુજબ હતાં ઃ સુનીલ કુમાર, અજય કુમાર, અમર કુમાર, ઓબેડા ખલીલ અને અનિકેત કુમાર.