PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ભવિષ્યની ભારત-ટૂરને લઈને મોટું નિવેદન આપ્યું છે
PCBના અધ્યક્ષ મોહસિન નકવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ભવિષ્યની ભારત-ટૂરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એવું શક્ય નથી કે પાકિસ્તાન ભારતમાં જઈને રમતું રહે અને તમામ ટુર્નામેન્ટ રમે અને ભારતીય સત્તાવાળાઓ તેમની ટીમને પાકિસ્તાનમાં રમવા માટે મોકલવા તૈયાર ન હોય. અમે આવી અસમાન સ્થિતિની મંજૂરી આપી શકીએ નહીં.’
ટૂંકમાં તેમણે સંકેત આપ્યો હતો કે જો ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવાની ના પાડતી રહેશે તો ભવિષ્યમાં પાકિસ્તાન કોઈ પણ ટુર્નામેન્ટ માટે ભારત જાય એવી કોઈ શક્યતા નથી.
આજે ચૅમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મૉડલ વિશેની ચર્ચા માટે ICCએ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોની વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી છે. આ મીટિંગ માટે મોહસિન નકવીએ કહ્યું હતું કે ‘હું માત્ર ખાતરી આપી શકું છું કે મીટિંગમાં જે પણ થશે, અમે સારા સમાચાર અને નિર્ણયો લઈને આવીશું જે અમારા લોકો સ્વીકારશે.’