Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCB vs SRH : બૅન્ગલોર પ્લે-ઑફના દ્વાર પર, હૈદરાબાદની સતત ચોથી હાર

RCB vs SRH : બૅન્ગલોર પ્લે-ઑફના દ્વાર પર, હૈદરાબાદની સતત ચોથી હાર

09 May, 2022 11:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૭ રનથી રૉયલ જીત સાથે ટૉપ ફોરમાંઃ વિરાટ કોહલીનો સીઝનનો ત્રીજો ગોલ્ડન ડક

વનિન્દુ હસરંગા

IPL 2022

વનિન્દુ હસરંગા


આઇપીએલની ૧૫મી સીઝનની ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી ૫૪મી લીગ મૅચમાં બૅન્ગલોરે હૈદરાબાદ સામે ૬૭ રનથી રૉયલ જીત મેળવીને પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે પહોંચીને પ્લે-ઑફની દાવેદારી મજબૂત કરી લીધી છે. બૅન્ગલોરે આપેલા ૧૯૩ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદ ૧૯.૨ ઓવરમાં ફક્ત ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૮ રનમાં પાંચ વિકેટ સાથે તરખાટ મચાવનાર શ્રીલંકન સ્પિનર વનિન્દુ હસરંગા મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

વિરાટ ફ્લૉપ, બાકી બધા હિટ
બૅન્ગલોરે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો સાહસી નિર્ણય લીધો હતો. જોકે પહેલા જ બૉલમાં ટીમનો ભૂ્તપૂર્વ કૅપ્ટન કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ચાકહો અને બૅન્ગલોર-કૅમ્પ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્પિનર સુચિથના બૉલમાં વિરાટ વિલિયમસનને કૅચ આપી બેઠો હતો. વિરાટની વિદાય બાદ કૅપ્ટન પ્લેસિસ (અણનમ ૭૩ રન, ૫૦ બૉલ બે સિક્સર, આઠ ફોર) અને રજત પાટીદારે (૪૮ રન, ૩૮ બૉલ, બે સિક્સર, ચાર ફોર) બીજી વિકેટ માટે ૧૦૫ રનની પાર્ટનરશિપ સાથે બાજી સંભાળી લીધી હતી. ત્યાર બાદ મૅક્સવેલે ૨૩ બૉલમાં ૩૩ અને છેલ્લે મૅન ઇન ફૉર્મ દિનેશ કાર્તિકે ૮ બૉલમાં ૪ સિક્સર અને એક ફોરની તડાફડી કરીને અણનમ ૩૦ રન ફટકારી દઈ ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૨ રન પર પહોંચાડી દીધો હતો.



ઉમરાન મલિક ફરી ઝુડાઈ ગયો
પેસ સેન્સેશનલ ઉમરાન મલિકે ગઈ કાલે પહેલી ઓવરમાં ૨૦ રન આપી દીધા હતા. જોકે બીજી ઓવરમાં પાંચ રન સાથે થોડુંક કમબૅક કર્યું હતું. આ પહેલાંની દિલ્હી સામેની મૅચમાં પણ તે ચાર ઓવરમાં બાવન રન ઝુડાઈ ગયો હતો. આમ હવે તેણે પેસ સાથે લેંગ્થ ઍન્ડ લાઇન પર મહેનત કરવી પડશે એવી ક્રિકેટપંડિતો સલાહ આપવા માંડ્યા છે.


હેઝલવુડ-હસરંગાનો હાહાકાર
૧૯૩ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદે પણ પહેલા જ બૉલમાં કૅપ્ટન કેન વિલિયમસનને રનઆઉટમાં ગુમાવી દીધો હતો. તે એક પણ બૉલ નહોતો રમ્યો. આટલું ઓછું હોય એમ પાંચમા બૉલમાં યુવા બૅટર અભિષેક શર્મા ગોલ્ડન ડક આઉટ થઈ જતાં સોપો પડી ગયો હતો. જોકે ત્યાર બાદ રાહુલ ત્રિપાઠી (૫૮) અને માર્કરમે (૨૧) ૫૦ રનની પાર્ટનરશિપ સાથે સંઘર્ષ કર્યો હતો, પણ હેઝલવુડ (૧૭ રનમાં બે) અને હસરંગા (૧૮ રનમાં પાંચ)ના તરખાટ સામે ૧૯.૨ ઓવરમાં ઑલઆઉટ થઈ ગયા હતા.

જીતના પંચ બાદ હારનો ચોક્કો
હૈદરાબાદે સતત બે હાર સાથે સીઝનની શરૂઆત કર્યા બાદ સતત પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ-ટૂમાં પહોંચી ગયું હતું અને પ્લે-ઑફની દાવેદારી મજબૂત લાગતી હતી, ત્યાર બાદ તેઓ ફસડાઈ પડ્યા અને કાલની તેમની સતત ચોથી હાર હતી. આ સાથે તેઓ છઠ્ઠા નંબરે પછડાયા અને હવે રાહ મુશ્કેલ લાગવા માંડી છે. 


ગ્રીન જીત, ફાઇનલ પાક્કી

બૅન્ગલોર ટીમ પર્યાવરણની રક્ષા માટે ગો ગ્રીન ઇનેસિએટિવ હેઠળ ૨૦૧૧થી દર વર્ષે એક મૅચમાં ગ્રીન જર્સી પહેરીને મેદાનમાં ઊતરે છે. ગયા વર્ષે તેઓ વાદળી કલરની જર્સી પહેરીને એક મૅચ રમ્યા હતા. અત્યાર સુધી તેઓ ગઈ કાલ સુધી ૧૧ મૅચમાં ગ્રીન જર્સી પહેરીને રમ્યા છે જેમાં આ તેમની ત્રીજી જીત હતી. તેઓ સાત મૅચ હારી ગયા છે અને એક મૅચ વરસાદે ધોઈ નાખી હતી. નવાઈની વાત એ છે કે તેઓ ૨૦૧૧ અને ૨૦૧૬ જ્યારે ગ્રીન જર્સી પહેરીને જીત્યા છે એ વખતે તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે આ બન્ને વખત તેમણે રનર-અપથી સંતોષ માનવો પડ્યો છે. આમ બૅન્ગલોર ફરી ગ્રીન જર્સીમાં જીત્યું હોવાથી ચાહકોને આશા છે કે ટીમ ફરી એક વાર ફાઇનલમાં પ્રવેશશે.

વિરાટનો આઇપીએલનો છઠ્ઠો ગોલ્ડન ડક

વિરાટ કોહલીની પનોતી જવાનું નામ જ નથી લેતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ બાદ આઇપીએલમાં પણ તેનું બૅટ શાંત રહ્યું છે. ફરી ફૉર્મ મેળવવા વિરાટે ટીમની કૅપ્ટન્સી પણ છોડી દીધી હતી, પરંતુ એની પણ કોઈ અસર નથી જોવા મળતી. ગઈ કાલે તે ફરી પહેલા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. સીઝનનમાં તે ત્રીજી વાર આમ ગોલ્ડન ડક થયો છે. આ પહેલાં હૈદરાબાદ અને લખનઉ સામે તે ગોલ્ડન ડક આઉટ થયો હતો. આમ તે હૈદરાબાદ સામે બન્ને મૅચમાં પહેલા બૉલમાં જ આઉટ થયો હતો. આઇપીએલ ઇતિહાસની વાત કરીએ તો તે છઠ્ઠી વાર પહેલા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછો ફર્યો છે.  આ સાથે વિરાટે આ સીઝનના સૌથી વધુ ત્રણ ગોલ્ડન ડકના રેકૉર્ડ બરોબરી કરી લીધી હતી. એક જ સીઝનમાં ત્રણ વાર ગોલ્ડન ડક થનાર વિરાટ ૧૩મો ખેલાડી બન્યો છે. ટૉપ ફાઇવમાં બૅટિંગ કરતા ખેલાડીઓની વાત કરીએ તો ત્રણ વાર ગોલ્ડન ડક થનાર વિરાટ ચોથો ખેલાડી બન્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2022 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK