ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ પડદા પાછળ બનેલી સંભવિત ઘટનાને સાંકળીને સનસનાટી મચાવતી કમેન્ટ કરી છે

રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા વિશે બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે તેને પાંસળીમાં ઈજા થઈ છે જેને કારણે તે આઇપીએલની આ સીઝનની બાકીની મૅચો નહીં રમે. જોકે ખુદ જાડેજાએ સત્તાવાર નિવેદન ન આપ્યું હોવાથી એ સ્થિતિમાં કેટલીક અટકળો વહેતી થઈ છે. સૌથી મોટી અટકળ એ છે કે જાડેજાની ટીમના મૅનેજમેન્ટ સાથે કોઈક ખટપટ થઈ છે જેને કારણે તે ટીમના બાયો-બબલમાંથી નીકળીને રાજકોટ પહોંચી ગયો છે.
જોકે ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ પડદા પાછળ બનેલી સંભવિત ઘટનાને સાંકળીને સનસનાટી મચાવતી કમેન્ટ કરી છે. તેણે તેની યુટ્યુબ ચૅનલ પર કહ્યું છે કે ‘ગઈ કાલની મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની મૅચના પ્રિવ્યુ વખતે મને એવો સંકેત મળ્યો હતો કે જાડેજા કદાચ આવતા વર્ષે ચેન્નઈની ટીમમાં નહીં જોવા મળે.’
સુરેશ રૈનાનું ઉદાહરણ
આકાશ ચોપડાએ સુરેશ રૈનાનું ઉદાહરણ આપતાં કહ્યું કે ‘આ ફ્રૅન્ચાઇઝી ખેલાડીઓ સાથે તત્કાળ સંબંધો તોડી નાખે છે,. તેમની સંભવિત ઈજા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરાતી અને અચાનક જે-તે ખેલાડી ચેન્નઈ વતી રમતો નથી જોવા મળતો. ભૂતકાળમાં એવું બની ચૂક્યું છે. જડ્ડુની ગેરહાજરી ચેન્નઈને મુશ્કેલીમાં મૂકી શકે છે.’
જાડેજાને અનફૉલો કર્યો
મીડિયામાં એવો અહેવાલ પણ વહેતો થયો છે કે સીએસકેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલે રવીન્દ્ર જાડેજાને અનફૉલો કર્યું છે, જેને કારણે જાડેજા અને સીએસકે વચ્ચેના તંગ સંબંધ વિશેની અટકળને બળ મળ્યું છે.
ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે ધોનીના કૅપ્ટનપદેથી રાજીનામાને પગલે જાડેજાને કૅપ્ટન્સી સોંપી હતી, પરંતુ જાડેજા સુકાની તરીકે નિષ્ફળ ગયો અને ધોનીને ફરી નેતૃત્વની જવાબદારી સોંપાઈ છે.
16
ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે જાડેજાને આટલા કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ-મની સાથે રિટેન કર્યો છે. ટીમનો તે સૌથી મોંઘો ખેલાડી છે.