Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પોલાર્ડ બોલિંગ-ચેન્જમાં થાપ ખાઈ ગયો

પોલાર્ડ બોલિંગ-ચેન્જમાં થાપ ખાઈ ગયો

21 September, 2021 08:34 AM IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ક્રિકેટરો કેવિન પીટરસન અને ઇરફાન પઠાણને લાગે છે કે ચેન્નઈએ ૨૪ રનમાં પાંચ બૅટ્સમેનોને ગુમાવી દીધા બાદ મુંબઈનો કૅપ્ટન બુમરાહ ઍન્ડ કંપનીનો બરાબર ઉપયોગ ન કરી શકતાં ધોનીસેના ૨૦ રને રોમાંચક જીત મેળવી ગઈ

ચેન્નઈ સ્ટાર્સનો સેલ્ફી : ચેન્નઈની જીતના બે સ્ટાર ઋતુરાજ ગાયકવાડ અને દીપક ચાહરે મૅચ બાદ સેલ્ફી લીધો હતો. ઋતુરાજ મૅચવિનિંગ અણનમ ૮૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે દીપક ચાહરે મુંબઈના બન્ને ઓપનરોને આઉટ કરવા ઉપરાંત ચાર ઓવરમાં ફક્ત ૧૯ રન જ આપ્યા હતા.

ચેન્નઈ સ્ટાર્સનો સેલ્ફી : ચેન્નઈની જીતના બે સ્ટાર ઋતુરાજ ગાયકવાડ અને દીપક ચાહરે મૅચ બાદ સેલ્ફી લીધો હતો. ઋતુરાજ મૅચવિનિંગ અણનમ ૮૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે દીપક ચાહરે મુંબઈના બન્ને ઓપનરોને આઉટ કરવા ઉપરાંત ચાર ઓવરમાં ફક્ત ૧૯ રન જ આપ્યા હતા.


ભારતમાં અધૂરી રહી ગયેલી આઇપીએલની ૧૪મી સીઝનના બીજા હાફની રવિવારે દુબઈમાં શરૂઆત થઈ હતી. બે ચૅમ્પિયન ટીમ વચ્ચે જામેલા બીજા હાફના પ્રથમ જંગમાં ચેન્નઈએ કમાલના કમબૅક સાથે મુંબઈ ઇન્ડિયન્સને ૨૦ રનથી હરાવીને પૉઇન્ટ-ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ચેન્નઈએ એક સમયે ૬ ઓવરમાં માત્ર ૨૪ રનમાં ફૅફ ડુ પ્લેસી (૦), મોઇન અલી (૦), સુરેશ રૈના (૪) અને મહેન્દ્ર સિંહ ધોની (૩)ની વિકેટ તથા અંબાતી રાયુડુ (૦) ઇન્જર્ડ થતાં કુલ પાંચ ધુરંધરો ગુમાવી દીધા હતા. મુકાબલો વન-સાઇડેડ રહેશે એવું લાગતું હતું ત્યારે ચેન્નઈના યુવા ઓપનર અને મૅન ઑફ ધ મૅચ ઋતુરાજ ગાયકવાડ ૫૮ બૉલમાં ચાર સિક્સર અને ૯ ફોર સાથે અણનમ ૮૮ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને તારણહાર બન્યો હતો. તેને રવીન્દ્ર જાડેજા (૩૩ બૉલમાં ૨૬ રન) અને ડ્વેઇન બ્રાવો (૮ બૉલમાં ૨૩ રન)નો ઉપયોગી સાથ મળતાં ચેન્નઈ ૬ ઓવરમાં પાંચ વિકેટે ૨૪ રનથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૬ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. ત્યાર બાદ દીપક ચાહર (૧૯ રનમાં બે) અને ડ્વેઇન બ્રાવો (૨૫ રનમાં ૩) સામે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિનાની મુંબઈસેના ઝૂકી ગઈ હતી અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૬ રન જ બનાવી શકી હતી અને એણે ૨૦ રનથી હાર જોવી પડી હતી.



હીરોમાંથી વિલન બન્યો પોલાર્ડ


ચેન્નઈની આ જીત માટે ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેઇન બ્રાવોનાં જેટલાં વખાણ થઈ રહ્યાં છે એટલી જ ટીકા રોહિતની ગેરહાજરીમાં મુંબઈની કૅપ્ટન્સી સંભાળી રહેલા કિરોન પોલાર્ડની થઈ રહી છે. ચાહકો ઉપરાંત કેવિન પીટરસન અને ઇરફાન પઠાણ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓને લાગે છે કે પોલાર્ડની નબળી કૅપ્ટન્સી અને

યોજના વગરના બોલિંગ-ચેન્જિસને લીધે જ ચેન્નઈ કમબૅક કરી શક્યું હતું. સ્ટાર


સ્પોર્ટ્સની કૉમેન્ટરી-પૅનલમાં સામેલ પીટરસન અને ઇરફાનને લાગે છે કે ચેન્નઈ જ્યારે પ્રેશરમાં હતું ત્યારે પોલાર્ડે જસપ્રીત બુમરાહને અટૅકમાં લાવીને ગેમ ખતમ કરી નાખવાને બદલે સ્પિનરોને અજમાવીને ચેન્નઈને કમબૅક કરવાનો મોકો આપી દીધો હતો. કૃણાલ પંડ્યાને બે ઓવરમાં ૨૭ રન ફટકારીને ચેન્નઈના બૅટ્સમેનો જોશમાં આવી ગયા હતા. છેલ્લી પાંચ ઓવરમાં ચેન્નઈએ ૬૯ રન બનાવીને હારેલી બાજીને જીતમાં ફેરવી નાખી હતી. અન્ડરપ્રેશર ઋતુરાજના અણનમ ૮૮ રન ઉપરાંત બ્રાવોના માત્ર ૮ બૉલમાં થયેલા ૨૩ રન મુંબઈને ભારે પડ્યા હતા અને એણે ૨૦ રનથી હાર જોવી પડી હતી.

આ સીઝનમાં ચેન્નઈ સામે દિલ્હીમાં રમાયેલા પ્રથમ મુકાબલામાં ૩૪ બૉલમાં ૮  સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૮૭ રન બનાવીને એકલા હાથે મુંબઈને જીત અપાવીને પોલાર્ડ હીરો બની ગયો હતો, પણ રવિવારે એ જ પોલાર્ડ વિલન બની ગયો હતો અને મુંબઈની હાર માટે તેને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

ઋતુરાજની સીઝનની ત્રીજી હાફ સેન્ચુરી

ચેન્નઈનો મહારાષ્ટ્રિયન ઓપનર ઋતુરાજ ગાયકવાડ ટીમ મૅનેજમેન્ટનો વિશ્વાસ સાર્થક કરી રહ્યો છે. રવિવારે મુંબઈ સામેની અણનમ ૮૮ રનની ઇનિંગ્સ તેની આ સીઝનની આઠમી મૅચમાં ત્રીજી હાફ સેન્ચુરી હતી. આ પહેલાં તે હૈદરાબાદ

સામે ૭૫ અન કલકત્તા સામે ૬૪ રનની ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તે હવે ૨૮૪ રન સાથે આ સીઝનમાં ટૉપ ફાઇવ બૅટ્સમેનોમાં સામેલ થયો છે.

બુમરાહ-બ્રાવોની સેન્ચુરી

રવિવારની મૅચ જસપ્રીત બુમરાહની આઇપીએલની અને મુંબઈ વતી ૧૦૦મી મૅચ હતી, જ્યારે કેરિબિયન ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોની ચેન્નઈ વતી પણ ૧૦૦મી મૅચ હતી. બુમરાહને આ લૅન્ડમાર્ક મૅચની યાદગીરીરૂપે મુંબઈની ટીમે એક સ્પેશ્યલ ટીશર્ટની ભેટ આપી હતી. મુંબઈ વતી ૧૦૦ કે એથી વધુ મૅચ રમનાર બુમરાહ છઠ્ઠો ખેલાડી બન્યો હતો.

સૂર્યા જીત્યો દિલ

મુંબઈનો સૂર્યકુમાર યાદવ બૅટિંગમાં કોઈ કમાલ નહોતો કરી શક્યો છતાં સોશ્યલ મીડિયામાં તેની ભારે પ્રશંસા થઈ

રહી હતી. જોકે તેની આ પ્રશંસા તેણે ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડને અણનમ ૮૮ રનની ઇનિંગ્સ રમ્યા બાદ પૅવિલિયન પાછો જઈ રહ્યો હતો ત્યારે તેની પાસે જઈને તેને શાબાશી આપવા બદલ થઈ રહી છે.  સૂર્યા અને ઋતુરાજની એ તસવીરો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ હતી અને લોકોએ સૂર્યકુમારના વખાણ કર્યાં હતાં.

ધોની રિવ્યુ સિસ્ટમ

ચેન્નઈના કૅપ્ટન ધોનીના પર્ફેક્ટ અનુમાનને લીધે મજાકમાં લોકો ડીઆરએસને ‘ધોની રિવ્યુ સિસ્ટમ’ કહે છે. રવિવારે ફરી ધોનીએ એ બાબતને સાર્થક કરતાં મુંબઈના ઓપનર ક્વિન્ટન ડિકૉકની વિકેટ અપાવી હતી. દીપક ચાહરનો બૉલ ડિકૉક (૧૭) ચૂકી ગયો હતો અને પગને વાગ્યો હતો. અપીલ કયા છતાં અમ્પાયરે નૉટઆઉટ આપ્યો હતો. ધોનીએ તરત રિવ્યુ લીધો હતો અને અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

રોહિત, હાર્દિક, રાયુડુ ઓકે

મુંબઈ ઇન્ડિયન્સ રવિવારે ચેન્નઈ જેવી ટીમ સામે કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઑલરાઉન્ડ હાર્દિક પંડ્યા વગર મેદાનમાં ઊતરી હતી, આથી ચાહકોને ચિંતા થવા લાગી હતી. જોકે મુંબઈના હેડ કોચ માહેલા જયવર્દનેએ ગઈ કાલે ખુલાસો કર્યો હતો કે બન્નેને મામૂલી સમસ્યા હોવાથી સાવચેતી માટે એક મૅચમાં આરામ આપ્યો હતો અને બન્ને નેક્સ્ટ મૅચમાં રમવા ફિટ થઈ જશે. બીજી તરફ મૅચ દરમ્યાન અંબાતી રાયુડુ ઍડમ મિલ્નેના બૉલમાં થાપ ખાઈ જતાં ઇન્જર્ડ થઈને મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. જોકે મેડિકલ ચેકઅપમાં તેને કોઈ ફ્રૅક્ચર ન જણાતાં ચેન્નઈની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે.

મુંબઈ ટફ, દરેક મૅચ ફાઇનલ જેવી : બ્રાવો

૮ બૉલમાં ૨૩ રન અને ૩ વિકેટ લેવા સાથેના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે ચેન્નઈની જીતમાં મહત્ત્વનો રોલ ભજવનાર ડ્વેઇન બ્રાવોએ મૅચ બાદ કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટની સૌથી ટફ ટીમ મુંબઈ સામે જીત મળ્યા બાદ સ્વાભાવિક રીતે ખૂબ સારું લાગી રહ્યું છે. મુંબઈ સામેની દરેક મૅચ ફાઇનલ જેવી હોય છે એટલે દરેક વખતે તેની સામે જીત એક આહ્‍લાદક આનંદનો અનુભવ કરાવતો હોય છે. કૅરિબિયન પ્રીમિયર લીગમાં છેલ્લી મૅચમાં હું ઇન્જર્ડ ન થઈ જાઉં એટલે ખૂબ સાવચેતીપૂર્વક રમ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 08:34 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK