Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કલકત્તા ટકી ગયું, બૅન્ગલોર આઉટ

કલકત્તા ટકી ગયું, બૅન્ગલોર આઉટ

12 October, 2021 04:36 PM IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑલરાઉન્ડર નારાયણની કમાલથી મૉર્ગનની ટીમ જીતીને પહોંચી ક્વૉલિફાયર-ટૂમાં : કોહલીની આઇપીએલની કૅપ્ટન્સીનો નિરાશાજનક અંત

સુનીલ નારાયણ

સુનીલ નારાયણ


બે વાર ચૅમ્પિયન બની ચૂકેલી કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ગઈ કાલે આઇપીએલમાં પ્લે-ઑફની બીજી મૅચ (એલિમિનેટર)માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને બે બૉલ બાકી રાખીને ૪ વિકેટે હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પહોંચી ગઈ હતી, જેમાં આવતી કાલે એની દિલ્હી કૅપિટલ્સ સાથે ટક્કર થશે અને એમાં જીતનારી ટીમ શુક્રવારે ચેન્નઈ સામે ફાઇનલમાં રમશે.

કલકત્તાએ ૧૩૯ રનનો લક્ષ્યાંક ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટે મેળવી લીધો હતો. શાકિબ-અલ-હસને ૨૦૧૨ની ફાઇનલ જેવો શૉટ મારીને કલકત્તાને જિતાડ્યું હતું. જોકે, મૅન ઑફ ધ મૅચ સુનીલ નારાયણ (૨૧ રનમાં ૪ વિકેટ, ૧૫ બૉલમાં ૨૬ રન)નો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બૅન્ગલોરને નડ્યો હતો. ૧૨મી ઓવર ડૅન ક્રિસ્ટિયને કરી હતી જેમાં નારાયણે ત્રણ છગ્ગા ફટકારી દીધા હતા. એ ઓવરમાં બનેલા બાવીસ રન ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયા હતા.



વિરાટ કોહલીની બૅન્ગલોરના કૅપ્ટન તરીકે આ છેલ્લી ટુર્નામેન્ટ હતી અને એમાં તેની ટીમ પ્લે-ઑફમાંથી આઉટ થઈ જતાં ટાઇટલ જીતવાની તેની ઇચ્છા અધૂરી રહી ગઈ.


૧૮મી ઓવરના ત્રણ બૉલમાં સિરાજે લીધેલી બે વિકેટ (નારાયણ, કાર્તિક)થી કલકત્તાનો જીવ અધ્ધર થઈ ગયો હતો. કલકત્તાએ આસાન મનાતી જીતને કઠિન બનાવી દીધી હતી. છેલ્લા ૧૨ બૉલમાં કલકત્તાએ ૧૨ રન અને પછી ૬ બૉલમાં ૭ રન બનાવવાના હતા. જોકે બે અનુભવી પ્લેયરો મૉર્ગન (અણનમ ૫) અને શાકિબે (અણનમ ૯) કલકત્તાની ફેવરમાં ખેલ ખતમ કરી આપ્યો હતો. ગિલ (૨૯), વેન્કટેશ ઐયર (૨૬), નીતિશ રાણા (૨૩)નાં પણ મહત્ત્વનાં યોગદાન હતાં. બૅન્ગલોર વતી સિરાજ, હર્ષલ, ચહલે બે-બે વિકેટ લીધી હતી.

1


સુનીલ નારાયણ આઇપીએલની ઇનિંગ્સમાં પોતાના પહેલા ત્રણ બૉલમાં ત્રણ સિક્સર ફટકારનારો આટલામો ખેલાડી છે.

કોહલીએ બૅટિંગ લીધી, મૉર્ગનને ફીલ્ડિંગ જ પસંદ હતી

- બન્ને ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો. કોહલીએ ટૉસ જીત્યા પછી કહ્યું, ‘કોઈ યુવા પ્લેયર અચાનક ઊભરીને જિતાડે એ જ આઇપીએલની ખાસિયત છે. હું શ્રીકાર ભરતની દિલ્હી સામેની ઇનિંગ્સથી ખૂબ ખુશ છું.’ કલકત્તાના કૅપ્ટન મૉર્ગને કહ્યું હતું કે ‘હું ટૉસ જીત્યો હોત તો ફીલ્ડિંગ જ પસંદ કરવાનો હતો અને એ જ અમને મળી. અમારો જુસ્સો બુલંદ છે.’

- બૅન્ગલોરના દાવમાં કોહલી-પડિક્કલે આક્રમક શરૂઆત સાથે જમાવટ કરી, પણ ૪૯ રને પડિક્કલ ૨૧ રનના પોતાના સ્કોર પર ફર્ગ્યુસનના બૉલમાં ક્લીન બોલ્ડ થયા પછી વધુ સાવચેત થયેલો કોહલી આગલી મૅચના સુપરસ્ટાર શ્રીકાર ભરત સાથે મોટી ભાગીદારી બનાવે એ પહેલાં તો નારાયણે શ્રીકારનો તેના ૯ રન પર શ્રેયસના હાથમાં શિકાર કરાવી લીધો હતો અને પછી પંદરેક બૉલ બાદ નારાયણના સ્લો બૉલમાં ખુદ કોહલી સ્લૉગ સ્વીપ મારવા જતાં ૩૯ રનના પોતાના સ્કોર પર બોલ્ડ થયો હતો.

- નારાયણે પોતાની ત્રીજી ઓવરમાં બીજી મોટી માછલીનો શિકાર કર્યો હતો. ૧૧ રન બનાવનાર ડિવિલિયર્સ નારાયણના સ્લો બૉલમાં ડિફેન્સિવ થયો, પણ બૅટ-પૅડ વચ્ચે નજીવો ગૅપ રહ્યો અને તેની બેલ્સ ઊડી ગઈ.

- મૅક્સવેલ સામા છેડે વિકેટોનો સિલસિલો જોતો રહી ગયો હતો. જોકે ખુદ તે ૧૫ રને નારાયણના બૉલમાં સ્લૉગ સ્વીપ મારવા જતાં ફર્ગ્યુસનને કૅચ આપી બેઠો હતો.

- બૅન્ગલોરના બૅટિંગ-પાવરનો કલકત્તા પાસે ધારદાર બોલિંગથી જવાબ હતો એ આ તબક્કે અમુક અંશે સાબિત થયું હતું. નારાયણે પોતાની ચારેય ઓવરમાં એક-એક શિકાર કર્યો હતો. પહેલી પાંચમાંથી ચાર વિકેટ નારાયણે (૪-૦-૨૧-૪) લીધી હતી.

- કલકત્તાના બોલરોએ વિકેટો લેવાની સાથે બૅન્ગલોરના રનમશીનને પણ કાબૂમાં રાખ્યું હતું. ફર્ગ્યુસનના નામે બે વિકેટ લેવા ઉપરાંત એક કૅચ અને એક રનઆઉટ પણ લખાયા હતા. ડેન ક્રિન્ચિન ૯ રને રહ્યા બાદ હર્ષલ પટેલ ૮ રને અણનમ રહ્યો હતો. બૅન્ગલોર ૧૬૦-૧૭૦ રન બનાવશે એવી ધારણા વચ્ચે એનો દાવ બહુ જ સસ્તામાં (૧૩૮/૭) સમેટાઈ ગયો હતો. કોહલી (૩૩ બૉલમાં ૩૯ રન)ને બાદ કરતાં બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન સુધી નહોતો પહોંચી શક્યો.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2021 04:36 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK