Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ કે બૅન્ગલોર, કોણ કરશે પૉઝિટિવ શરૂઆત

મુંબઈ કે બૅન્ગલોર, કોણ કરશે પૉઝિટિવ શરૂઆત

09 April, 2021 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજથી શરૂ થઈ રહેલી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં ભારતના બે બાજીગરો કોહલી અને રોહિત જીત સાથે આરંભ કરવા તત્પર; મેચનો સમય સાંજે 7.30 વાગ્યાથી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કોરોનાકાળમાં ગયા સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ક્રિકેટ-વૅક્સિનેશનો પહેલો ડોઝ યુએઈમાં લીધા બાદ માત્ર ૬ મહિનામાં બીજો ડોઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને એ આજથી દોઢ મહિના સુધી દરરોજ ક્રિકેટપ્રેમીઓને મળતો રહેશે.

આજથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન પણ છેલ્લી ૧૩મી સીઝનની જેમ પ્રેક્ષકો અને ચિયરલીડર્સની ગેરહાજરીમાં ખાલીખમ સ્ટેડિયમમાં રમાશે.



ગયા વર્ષે યુએઈમાં સફળ આયોજન બાદ ત્યાં જ ૧૪મી સીઝન રમાડાશે એવી વાતો થવા લાગી હતી, પણ ક્રિકેટ બોર્ડે ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ક્રિકેટજગતને પૉઝિટિવ મેસેજ આપવા ઘરઆંગણે આ સીઝન યોજવા મન મક્કમ કરી લીધું હતું. અનેક પડકારો છતાં ક્યારેય અન્ય વિકલ્પ વિશે વિચાર નહોતો કર્યો, કેમ કે જો આઇપીએલ દેશની બહાર યોજવી પડે તો ટી૨૦ વર્લ્ડ કપ પણ હાથમાંથી જતો રહેવાની શક્યતા વધી જાય. ઉપરાંત આઇપીએલ દરમ્યાન કોઈ મોટી ઘટના બને તો પણ બદનામી ઉપરાંત ટી૨૦ વર્લ્ડ કપ પર એની અસરનો ખતરો હોવા છતાં સૌરવ ગાંગુલી ઍન્ડ કંપની ખતરોં કે ખિલાડી બનીને મંડી પડ્યા હતા. બીજી બાજુ કોરોના પણ થોડો આરામ કર્યા બાદ ફરી ફૉર્મમાં આવી ગયો છે અને દેશભરમાં રોજના એક લાખથી વધુનો સ્કોર કરી રહ્યો છે. આ સીઝન માટે તૈયાર થઈ રહેલા ખેલાડીઓ, ગ્રાઉન્ડસમૅન કે અન્ય સ્ટાફ મળીને પચ્ચીસેક લોકો સુધી કોરાના પહોંચી ગયો છે અને ડરાવી રહ્યો છે. દેશમાં કોરોનાને નાથવા બધું બંધ કરાવાઈ રહ્યું છે ત્યારે આઇપીએલ રમાડવા સામે પણ વિરોધ થઈ રહ્યો છે. આવા અનેક પડકાર વચ્ચે આજથી ૧૪મી સીઝન શરૂ થઈ રહી છે અને પહેલા જંગમાં ભારતીય ક્રિકેટના બે સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે.


કોણ છે વધુ બૅલૅન્સ?

સૌથી વધુ પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે હૉટ ફેવરિટ મનાઈ રહી છે, જ્યારે બૅન્ગલોર આ વખતે થોડું વધુ બૅલૅન્સ લાગી રહ્યું છે અને ૧૩મી સીઝનથી હાથતાળી આપી રહેલી આઇપીએલ ટ્રોફી મેળવવા વધુ તત્પર લાગી રહ્યું છે. દેવદત્ત પડિક્કલના રૂપમાં યુવા ઓપનર મળી ગયા બાદ ગઈ સીઝનમાં ટીમનો ટૉપઑઓર્ડર મજબૂત બની ગયો હતો અને એના જોરે જ પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. ગ્લેન મૅક્સવેલ આવી જતાં મિડલ-ૉર્ડર પણ સૉલિડ થઈ જતાં બૅન્ગલોર વધુ મજબૂત બની ગયું છે. ભારતીય ધરતી પર રમવાનું હોવાથી તેના બે સ્ટાર સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને વૉશિંગ્ટન સુંદર પાછા છવાઈ જશે અને પેસ બોલર મોહમ્મદ સિરાજ ઇન્ટરનૅશનલ લેવલે સફળતા ચાખ્યા બાદ વધુ કૉન્ફિડન્સ સાથે મેદાનમાં ઊતરશે. મુંબઈ દર વખતની જેમ જ મજબૂત લાગી રહ્યું છે. ક્વિન્ટન ડિકૉક ક્વૉરન્ટીન હોવાથી આજે તે રમવાનો ન હોવાથી મુંબઈની ટીમમાં ક્રિસ લીન આજે ડેબ્યુ કરી શકે છે. રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ વિશે હવે કોઈએ કશું કહેવાની જરૂર નથી. કોઈ પણ એકલે હાથે બાજી પલટી શકે છે. કિશન અને સૂર્યકુમારે ઇંગ્લૅન્ડ સિરીઝમાં તેમનું ફૉર્મ બતાવી દીધું હતું. ચેન્નઈની પિચ પર મુંબઈનો સ્પિન ડિપાર્ટમેન્ટ થોડો નબળો લાગી રહ્યો છે, પણ પીયૂષ ચાવલા કદાચ ટીમને તારી શકે છે. રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. લગ્ન બાદ જસપ્રીત બુમરાહ પણ તરખાટ મચાવવા તૈયાર જ બેઠો હશે અને ટ્રેન્ટ બોલ્ટ ગઈ સીઝનનું ફૉર્મ જાળવી રાખવા મહેનત કરી રહ્યો છે.


આમને-સામને

મુંબઈ અને બૅન્ગલોર વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધી ૨૭ ટક્કર જામી છે. મુંબઈ ૧૭ જીત સાથે દબદબો ધરાવે છે, જ્યારે બૅન્ગલોરે પણ ૧૦ જીત સાથે વળતો પ્રહાર કર્યો છે. જો બન્ને ટીમ વચ્ચેના છેલ્લા પાંચ જંગની વાત કરીએ તો મુંબઈ ચાર જીત્યું છે અને બૅન્ગલોર એક જીત્યું છે.

છેલ્લી ટક્કરમાં શું થયું હતું

દુબઈમાં રમાયેલા એ જંગમાં બૅન્ગલોરે દેવદત્ત પડિક્કલ, ઍરોન ફિન્ચ અને એ. બી. ડિવિલિયર્સની હાફ-સેન્ચુરીની મદદથી ૨૦૧ રન બનાવ્યા હતા. મુંબઈએ ખરાબ શરૂઆત બાદ ઈશાન કિશન (૯૯) અને કિરોન પોલાર્ડ (અણનમ ૬૦)ની અફલાતૂન ઇનિંગ્સના જોરે કમબૅક કર્યું હતું અને મુકાબલો આખરે ટાઇ થયો હતો. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૯ રન કરવાના હતા, પણ ૧૮ રન જ કરી શક્યું હતું. સુપર ઓવરમાં મુંબઈ ફક્ત ૭ રન બનાવી શક્યું હતું અને બૅન્ગલોરે છેલ્લા બૉલમાં બાઉન્ડરી ફટકારીને રોમાંચક જીત મેળવી હતી.

 

વિરાટ-ડિવિલિયર્સના સંગાથે ખીલશે મૅક્સવેલ

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ભૂતપૂર્વ કોચ ડૅનિયલ વેટોરીને લાગે છે કે વિરાટ કોહલી અને એ. બી. ડિવિલિયર્સના સાથને લીધે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર આ આઇપીએલ સીઝનમાં શાનદાર પર્ફોર્મ કરશે. મૅક્સવેલ છેલ્લી કેટલીક સીઝનથી નામ પ્રમાણે પર્ફોર્મ નથી કરી રહ્યો છતાં બૅન્ગલોરની ટીમ આ વખતે તેને ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદીને મોટો જુગાર રમી છે. બૅન્ગલોરના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ ડૅનિયલ વેટોરીને લાગે છે કે બૅન્ગલોરનો આ દાવ સફળ થશે. વિરાટ કોહલી અને ડિવિલિયર્સ જેવા ખેલાડી ટીમમાં હોવાથી મૅક્સવેલ જરાય પ્રેશરમાં નહીં હોય એથી વધુ મુક્તપણે રમી શકશે. વેટોરીએ વધુમાં કહ્યું કે ‘બૅન્ગલોરે મૅક્સવેલને વિરાટ અને ડિવિલિયર્સની જેમ લીડરશિપ ગ્રુપમાં સામેલ કરવો જોઈએ. બિગ બૅશમાં મેલબર્ન સ્ટાર્સ ટીમે મૅક્સવેલને ઘણી જવાબદારી સોંપી હતી જેને લીધે તે તેનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવામાં સફળ રહ્યો હતો જેથી આઇપીએલમાં પણ એવું કરવામાં આવ્યું તો તે તેનો મૅજિક જરૂર બતાવશે.’

 

કોહલીના ફૅન બોલ્ટની બૅન્ગલોરને શુભેચ્છા

વિરાટ કોહલીના ફૅન લેજન્ડ દોડવીર જમૈકાના ઉસેન બોલ્ટે આજથી શરૂ થતી આઇપીએલ માટે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની નવી જર્સી પહેરીને વર્લ્ડ ફેમસ પોઝમાં ફોટો શૅર કરીને શુભેચ્છા આપી હતી. બોલ્ટે તેના ફોટો સાથે લખ્યું હતું, ‘ચૅલેન્જર્સ, તમને જણાવી દઉં કે હું હજી પણ સૌથી ફાસ્ટ છું.’

બોલ્ટે વિરાટ, ડિવિલિયર્સ અને બૅન્ગલોર ટીમને ટૅગ પણ કર્યા છે. ડિવિલયર્સે જવાબ આપ્યો હતો, ‘અમને જ્યારે વધુ રનની જરૂર હશે ત્યારે કોને બોલાવવો એની અમને ખબર છે. લાલ કલર તને ખૂબ શૂટ થાય છે. ફ્લાઇટ પકડીને ભારત આવી જા.’

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK