° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


છેલ્લી ૧૨ ટક્કરમાંથી એક જ વાર જીતી શક્યું છે મુંબઈ સામે કલકત્તા

13 April, 2021 02:51 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

જોકે હૈદરાબાદ સામે જીત્યા બાદ જોશમાં આવી ગયેલા મૉર્ગન-મહારથીઓ આજે રોહિતસેના સામે પલટવાર કરવા તત્પર: બૅન્ગલોર સામેની હાર બાદ ફેવરિટ હરીફ સામે ચૅમ્પિયન ટીમ આજે સીઝનમાં જીતનું ખાતું ખોલાવવા ઉત્સુક

મૉર્ગન, રોહિત શર્મા

મૉર્ગન, રોહિત શર્મા

આજે આઇપીએલમાં પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને બે વખતની ચૅમ્પિયન કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જોરદાર જામવાની અપેક્ષા છે. ચેન્નઈમાં સીઝનની પ્રથમ મૅચમાં બૅન્ગલોર સામે છેલ્લા બૉલમાં બે વિકેટે હાર્યા બાદ મુંબઈ આજે એ ભૂલમાંથી બોધપોઠ લઈને એનું ફેવરિટ હરીફ કલકત્તાને હરાવીને આ સીઝનની પ્રથમ જીત મેળવવા ઉત્સુક હશે. જ્યારે રવિવારે હૈદરાબાદ સામે સૉલિડ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે ૧૦ રનની જીતના જોશને જાળવી રાખીને મુંબઈ સામેનો ખરાબ રેકૉર્ડન ભૂંસવા મોર્ગન ઍન્ડ કંપની કોઈ કસર બાકી નહીં રાખે.

કોણ કેટલા પાણીમાં?

કલકત્તાની રવિવારની જીતમાં વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન મૉર્ગનની આક્રમક સ્ટાઇલ દેખાઈ આવી હતી. ટૉપ ઑર્ડર શુભમન ગિલ, નીતીશ રાણા કે રાહુલ ત્રિપાઠી હોય કે છેલ્લી ઓવર્સમાં દિનેશ કાર્તિક, દરેક આક્રમક મૂડમાં જ મેદાનમાં ઊતર્યા હતા અને સફળ થયા હતા. રાણા અને ત્રિપાઠીની હાફ-સેન્ચુરીના જોરે બનાવેલો સ્કોર કાર્તિકે માત્ર ૯ બૉલમાં વિનિંગ-ટોટલ બનાવી દીધો હતો. બોલર્સમાં પણ પૅટ કમિન્સ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાકિબ-અલ-હસન કે વરુણ ચક્રવર્તીએ હૈદરાબાદને કન્ટ્રોલમાં રાખ્યા હતા અને રસેલે આખરે છેલ્લી બે ઓવરમાં તેના અનુભવને દાવ પર લગાવીને ‍બૅટિંગની નિષ્ફળતાને ભુલાવી દીધી હતી. આમ આજે રાહિતની સેનાએ મૉર્ગનના મહારથીઓ સામે સાવચેત રહેવું પડશે.

જોકે મુંબઈએ સીઝનની પહેલી મૅચમાં હારનો સિલસિલો બૅન્ગલોર સામે પણ જાળવી રાખ્યો હતો અને છેલ્લા બૉલમાં બે વિકેટે હાર જોવી પડી હતી. એ મૅચમાં રોહિત શર્મા, સૂર્યાકુમાર, હાર્દિક પંડ્યા કે કિરોન પોલાર્ડનો ખરો ટચ નહોતો જોવા મળ્યો. ક્વિન્ટન ડિકૉકની ગેરહાજરીમાં મળેલા ચાન્સને ક્રિસ લીને ૪૯ રન સાથે બરાબરનો ઝડપી લીધો હતો. જો આજે પણ ડિકૉક નહીં રમે તો ફરી લીનને મોકો મળી શકે છે. બોલરોમાં ટ્રેન્ટ બોલ્ટ, કૃણાલ પંડ્યા અને રાહુલ ચહર અસરકારક નહોતા રહ્યા અને ઇન્જરીને લીધે હાર્દિકે બોલિંગ ન કરતાં મુંબઈને તેની કમી વર્તાઈ હતી. કલકત્તા સામે ઉમદા રેકૉર્ડ છતાં મુંબઈએ આજે સીઝનની પ્રથમ જીત મેળવવા શાનદાર કમબૅક કરવું પડશે.

કલકત્તા મોટા ભાગે એનું વિનિંગ કૉમ્બિનેશન જાળવી રાખશે, પરંતુ મુંબઈ કદાચ સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉકને ક્રિસ લીનને બદલે મોકો આપી શકે છે. ક્વૉરન્ટીન પછી ડિકૉક અને ઍડમ મિલ્ને ગઈ કાલે ટીમ સાથે જોડાઈ ગયા હતા.

આમને-સામને

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી ૨૭ ટક્કર જામી છે જેમાં કલકત્તા માત્ર ૬ જ મૅચ જીતી શક્યું છે, જ્યારે મુંબઈ ૨૧ મૅચ જીતીને ભારે દબદબો ધરાવે છે. આઇપીએલમા મુંબઈની બધી ટીમો સામેની જીતની ટકાવારીમાં કલકત્તા સામે સૌથી બેસ્ટ છે. ગઈ સીઝનમાં બન્ને લીગમાં મુંબઈનો વિજય થયો હતો અને બન્ને ટીમ વચ્ચેના છેલ્લા ૧૨ મુકાબલા પર નજર કરીએ તો મુંબઈએ ૧૧ જીત સાથે બુલડોઝર ફેરવી દીધું હતું.

કલકત્તાની ચેન્નઈમાં ૯ વર્ષ બાદ જીત

રવિવારે હૈદરાબાદ સામેની જીત સાથે આ ૧૪મી સીઝનની શુભ શરૂઆત કરવા સાથે કલકત્તાએ ચેન્નઈમાં ૯ વર્ષ બાદ જીતનો સ્વાદ ચાખ્યો હતો. કલકત્તાએ ચેન્નઈમાં છેલ્લે ૨૦૧૨માં આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈને હરાવ્યું હતું.

939

કલકત્તા સામે મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ બનાવેલા આટલા રન સૌથી હાઇએસ્ટ છે. ૧૦૦૦ રનના લૅન્ડમાર્કથી તે માત્ર ૬૧ રન દૂર છે. રોહિતે આ રન ૪૬.૯૫ની ઍવરેજ અને ૧૩૩ના સ્ટ્રાઇક-રેટથી બનાવ્યા છે. કલકત્તા સામે તેણે સેન્ચુરી પણ ફટકારી છે.

214

આઇપીએલમાં રોહિત શર્માની કુલ આટલી સિક્સર છે જે ભારતીય ખેલાડીઓમાં મહેન્દ્ર સિંહ ધોની (૨૧૬) બાદ બીજા નંબરે છે. આમ રોહિતને ધોનીનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ પોતાના નામે કરવા માટે વધુ ત્રણ સિક્સરની જરૂર છે.

198

આઇપીએલમાં કિરોન પોલાર્ડની કુલ આટલી સિક્સર છે. આજે વધુ બે સિક્સર સાથે તે ટુર્નામેન્ટમાં સિક્સરની ડબલ સેન્ચુરી પૂરી શકે છે.

86

કલકત્તાના કૅપ્ટનને ટી૨૦ ક્રિકેટમાં ૭૦૦૦ રનના લૅન્ડમાર્ક માટે ફક્ત આટલા રનની જરૂર છે. મૉર્ગને અત્યાર સુધી ૨૯૬ ટી૨૦ ઇનિંગ્સમાં ૬૯૧૪ રન બનાવ્યા છે. આ લૅન્ડમાર્ક હાંસલ કરનાર તે ઇંગ્લૅન્ડનો ચોથો ખેલાડી બનશે.

 

હાર્દિક ટૂંક સમયમાં જ પાછો બોલિંગ કરશે: ઝહીર ખાન

With Son

આજે કલકત્તા સામેના મુકાબલા પહેલાં રવિવારે હાર્દિક પંડ્યાએ તેના દીકરા સાથે એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘આવા રવિવાર મને ગમે છે.’

પહેલી મૅચમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિંગ નહોતી કરી અને મુંબઈને તેની કમી મહેસૂસ થઈ હતી. ગઈ કાલે મુંબઈ ટીમના ક્રિકેટ ઑપરેશન ડિરેક્ટર ઝહીર ખાને આ બાબતે કહ્યું કે ‘હાર્દિકના ખભાની ઇન્જરી ચિંતાનો વિષય છે, પણ વધુ ચિંતાજનક નથી. તે ટૂંક સમયમાં પાછો બોલિંગ કરી શકશે. જોકે તે ક્યારથી બોલિંગ કરી શકશે એનો નિર્ણય ફિઝિયો જ લેશે, પણ આ સીઝનની વાત છે તો મને વિશ્વાસ છે કે તે જલદી બોલિંગમાં પાછો ફરશે.

બુમરાહ છે અમારો ટ્રમ્પ-કાર્ડ: જસપ્રીત બુમરાહ આજકાલ શરૂઆતમાં વધુ બોલિંગ ન કરવા વિશે ઝહીર ખાને કહ્યું કે ‘બુમરાહ અમારો ટ્રમ્પ-કાર્ડ છે. જ્યારે તમારી પાસે ટ્રમ્પ-કાર્ડ હોય ત્યારે એની જ્યારે ટીમને વધુ જરૂરિયાત હોય ત્યારે આક્રમકતાથી એનો ઉપયોગ કરવો જોઈએ.

 

લક્કી ભજ્જી બનાવશે કલકત્તાને ચૅમ્પિયન?

રવિવારે હરભજન સિંહે આઇપીએલમાં ત્રીજી ટીમ, કલકત્તામાં ડેબ્યુ કર્યું હતું. ભજ્જી આ પહેલાં મુંબઈ અને ચેન્નઈ વતી રમી ચૂક્યો છે. ભજ્જીની હાજરીમાં મુંબઈ ત્રણ વાર ચૅમ્પિયન બન્યું હતું અને ૨૦૧૮માં ચેન્નઈમાં એન્ટ્રી મારીને એ વર્ષે ચેન્નઈ ત્રીજી વાર ચૅમ્પિયન બન્યું હતું. હવે ચાહકો આશા રાખી રહ્યા છે કે ભજ્જીનો લક્કી ચાર્મ આ વખતે કલકત્તાને પણ ફળે અને કલકત્તા ત્રીજી વાર ચૅમ્પિયન બને. જુલાઈમાં ૪૧ વર્ષનો થનારો ભજ્જીની કદાચ આ છેલ્લી સીઝન પણ હોઈ શકે.

કલકત્તામાં ડેબ્યુ મૅચમાં કૅપ્ટન મૉર્ગને પહેલી ઓવર હરભજન સિંહ પાસે કરાવી હતી. જોકે ત્યાર બાદ તેને માકો નહોતો આપવામાં આવ્યો. એ ઓવરમાં ભજ્જીએ આઠ રન આપ્યા હતા અને પૅટ કમિન્સે કૅચ ડ્રૉપ કરતાં ડેવિડ વૉર્નરની પ્રાઇઝ-વિકેટ લેવાનો મોકો ગુમાવી દીધો હતો.

બીજું, ભજ્જી માટે ઇનિંગ્સની પહેલી ઓવર ફેંકવાનો આ કાંઈ પહેલો મોકો નહોતો. ભજ્જી ઇનિંગ્સની સૌથી વધુ વાર પહેલી ઓવર ફેંકનાર સ્પિન બોલરનો રેકૉર્ડ ધરાવે છે. હૈદરાબાદ સામેની એ ઓવર તેની ૩૬મી ઓવર હતી. બીજા નંબરે ૩૩ ઓવર સાથે રવિચન્દ્રન અશ્વિન છે.

સૌથી વધુવાર પહેલી ઓવર ફેંકનાર સ્પિનર્સ

બોલર

ઓવર

હરભજન સિંહ

૩૬

રવિચન્દ્રન અશ્વિન

૩૩

શાહબાઝ નદીમ

૨૩

યુસુફ પઠાણ

૨૩

 

નીતીશ રાણાનું આ અનોખું સેલિબ્રેશન દોસ્તો માટે હતું

કલકત્તાની શાનદાર જીતનો હીરો હતો ઓપનર નીતીશ રાણા. રાણાએ પહેલી જ મૅચમાં આક્રમક હાફ-સેન્ચુરી ફટકાર્યા બાદ અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું. જેનો લોકો અલગ-અલગ મતબલ સોશ્યલ મીડિયામાં થવા લાગ્યો હતો. ઘણાને લાગ્યું કે તેણે તેની વેડિંગ-રિંગ બતાવીને પત્નીને આ ઇનિંગ્સ સમર્પિત કરી હતી. જોકે મૅચ બાદ નીતીશે ખુલાસો કર્યો હતો કે એ સેલિબ્રેશન મારા મિત્રો માટે હતું. મારા મિત્રોને પંજાબી પૉપ સૉન્ગ ‘બ્રાઉન મુંડે...’ ખૂબ પસંદ છે અને મેં તેમને કહ્યું કે જો મને મોકો મળશે તો હું એ સ્ટાઇલમાં સેલિબ્રેટ કરીશ.’

નીતીશે ગઈ સીઝનમાં પણ આ રીતે અનોખી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. ગઈ સીઝન વખતે તેના સસરાનું નિધન થતાં તેણે હાફ-સેન્ચુરી બાદ ખિસ્સામાંથી તેના સસરાના નામનું ટી-શર્ટ કાઢીને બતાવ્યું હતું.

IPL

13 April, 2021 02:51 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મુંબઈમાં પ્લેયરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો જરુરીઃBCCI

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોચીને પણ ૧૦ દિવસ ક્વૉરન્ટીનમાં રહેશે

11 May, 2021 05:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

બાબર અને હીલી બન્યાં આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ

પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમની વિકેટકીપર એલીસા હીલીને એપ્રિલમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરાયાં છે.

11 May, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુએઈમાં નહીં રમાય પીએસએલ

કોરોનાને કારણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ એ યુએઈમાં આયોજિત કરવાની ચર્ચા શરૂ થઈ હતી.

11 May, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK