આયરલૅન્ડ સામેની સિરીઝ માટે ઇમ્પૅક્ટ ફીલ્ડર આૅફ ધ સિરીઝનો મેડલ જીતી આ ઑલરાઉન્ડર
મુંબઈની પ્લેયર જેમિમા રૉડ્રિગ્સે દીપ્તિ શર્માને મેડલ આપી કરી સન્માનિત
૨૭ વર્ષની ભારતીય મહિલા ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવી હતી. પંદરમી જાન્યુઆરીએ પોતાના કરીઅરની ૧૦૧મી વન-ડે મૅચ રમ્યા બાદ દીપ્તિ શર્માને ડ્રેસિંગ રૂમમાં ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝનો મેડલ મળ્યો હતો. તેણે આ સિરીઝમાં ત્રણ કૅચ સહિત એક શાનદાર રનઆઉટ કર્યો હતો.
મુંબઈની મસ્તીખોર બૅટર જેમિમા રૉડ્રિગ્સે તેના માટે સ્પેશ્યલ શાયરી કહીને તેને મેડલ પહેરાવી સન્માનિત કરી હતી. તેણે ડ્રેસિંગ રૂમમાં કહ્યું હતું કે ‘ખાને કે બાદ લોગ ખાતે હૈં સૌંફ, દીપ્તિ શર્મા તેરે થ્રો કે બડે હૈં ખૌફ.’ આ સાંભળીને આખો ડ્રેસિંગ રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો. ઉત્તર પ્રદેશની દીપ્તિ શર્મા પહેલી વાર ડ્રેસિંગ રૂમમાં આ મેડલ જીતી છે.
ADVERTISEMENT
ભારત સામે ક્લીન સ્વીપનું અપમાન સહન કર્યા બાદ મૅચ-ફી પણ કપાઈ ગઈ આયરલૅન્ડની વિમેન્સ ટીમની
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સપોર્ટ સ્ટાફ સાથે આયરલૅન્ડની વિમેન્સ ટીમ
રાજકોટમાં ભારત સામે આયરલૅન્ડની વિમેન્સ ટીમે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ પહેલી વાર ભારતમાં દ્વિપક્ષીય સિરીઝ રમવા આવી હતી, પણ ભારત સામે હારવાનો રેકૉર્ડ તેમણે યથાવત્ રાખ્યો છે. ૧૫ જાન્યુઆરીએ ત્રીજી વન-ડે મૅચમાં ભારતીય વિમેન્સ ટીમે પહેલી વાર વન-ડેમાં ૪૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો હતો. ભારતની બૅટિંગ સમયે ૭ બોલર્સનો ઉપયોગ કરનાર આયરલૅન્ડની ટીમ નિર્ધારિત સમય કરતાં બે ઓવર પાછળ રહી હતી જેને કારણે ICC આચારસંહિતાની કલમ ૨.૨૨ મુજબ મહેમાન ટીમને ૧૦ ટકા મૅચ-ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

