વિનિંગ કૉમ્બિનેશન જાળવી રાખવું કે વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો ભાગ રહેલા ખેલાડીઓને સમાવવા?
IND vs ZIM
શુભમન ગિલ
આજે ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ વાગ્યે હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 મૅચ શરૂ થશે, પણ સૌની નજર ચાર વાગ્યે થનાર ટૉસ પર હશે, કારણ કે ભારતીય ફૅન્સ એ જાણવા આતુર છે કે કૅપ્ટન શુભમન ગિલ વિનિંગ કૉમ્બિનેશન જાળવી રાખશે કે પછી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં T20 વર્લ્ડ કપનો અનુભવ લઈને આવનાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરશે? યશસ્વી જાયસવાલ, સંજુ સૅમસન અને શિવમ દુબે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા અને હવે ત્રીજી મૅચ પહેલાં યંગ બ્રિગેડ સાથે પ્રૅક્ટિસ સેશનમાં જોડાયા હતા.
ભારતીય ટીમ માટે ત્રીજી T20 મૅચમાં યશસ્વી જાયસવાલ અને અભિષેક શર્મા વચ્ચે પસંદગી કરવી ઘણી મુશ્કેલ હશે. જોકે એવું બનતું નથી કે યાદગાર ઇનિંગ્સ રમ્યા પછી બૅટ્સમૅનને આગામી મૅચમાં ડ્રૉપ કરવામાં આવે, પણ મનોજ તિવારી અને કરુણ નાયર આનો સામનો કરી ચૂક્યા છે. તિવારીને ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વન-ડે સેન્ચુરી ફટકાર્યા બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જ્યારે નાયર ૨૦૧૬માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકાર્યા બાદ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો.
એક અનુમાન અનુસાર જાયસવાલને સાઈ સુદર્શનનું સ્થાન મળી શકે છે, જ્યારે સૅમસનને ધ્રુવ જુરેલનું સ્થાન મળશે. T20 વર્લ્ડ કપમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહેલા શિવમ દુબેને રિયાન પરાગની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જ્યાં સુધી ઝિમ્બાબ્વેનો સવાલ છે એણે પોતાની બૅટિંગમાં સુધારો કરવો પડશે. બીજી મૅચમાં ૧૦૦ રનથી ભારતની જીત થતાં સિરીઝ ૧-૧થી બરાબર થઈ હતી.
ADVERTISEMENT
આફ્રિકન વાઇલ્ડલાઇફનો આનંદ માણવા પહોંચી ભારતીય ટીમ
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ ૧-૧થી બરાબર કર્યા બાદ ગિલ ઍન્ડ કંપની આફ્રિકન વાઇલ્ડલાઇફનો નજારો માણવા પહોંચી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ટૂરિઝમ સાથે મળીને ભારતીય ટીમ અને તેમની ફૅમિલી માટે આ વાઇલ્ડલાઇફ ટૂરનું આયોજન કર્યું હતું. ખેલાડીઓએ ઝૂમાં જિરાફ જેવા પ્રાણી સાથે સેલ્ફી લઈને સિરીઝમાં મળેલા આ બ્રેકને યાદગાર બનાવ્યો હતો.