૨૦૨૪માં પહેલી વાર T20 ઇન્ટરનૅશનલ મૅચ હાર્યું ભારત : ICCની નંબર વન ટીમ ભારત બારમો રૅન્ક ધરાવતી ઝિમ્બાબ્વે સામે હારી ગઈ
મેચની તસવીર
રોહિત શર્માના નેતૃત્વમાં ૨૯ જૂને બાર્બેડોઝમાં T20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપીને ગઈ કાલથી શરૂ થયેલી ઝિમ્બાબ્વે ટૂર માટે શુભમન ગિલની કૅપ્ટન્સીમાં યંગ બ્રિગેડને મોકલવામાં આવી હતી, પણ ઝિમ્બાબ્વે જેવી બારમો રૅન્ક ધરાવતી ટીમ સામે વર્લ્ડ નંબર વન ભારતીય ટીમને ૧૩ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પહેલી વાર T20 ઇન્ટરનૅશનલ હારનાર ભારતીય ટીમની આ સાથે સતત ૧૨ મૅચની વિનિંગ સ્ટ્રીક તૂટી હતી. ક્રિકેટ-ઇતિહાસમાં ઝિમ્બાબ્વે સામે ભારતની આ ત્રીજી હાર હતી.
શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઝિમ્બાબ્વેના ચાર ખેલાડીઓએ ૨૦ પ્લસ રનની ઇનિંગ્સ રમીને સ્કોર ૯ વિકેટે ૧૧૫ રન સુધી પહોંચાડ્યો હતો. રવિ બિશ્નોઈએ ચારમાંથી બે ઓવર મેઇડન ફેંકીને ૧૭ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. સરળ ટાર્ગેટ સામે પહેલી ઓવરથી વિકેટ ગુમાવનાર શુભમન ગિલ (૩૧ રન)ની આ ટીમે ૧૦ બૉલ બાદ ઇનિંગ્સમાં પહેલો રન બનાવ્યો હતો. તેંડાઈ ચતારા અને કૅપ્ટન સિકંદર રઝાએ ૩-૩ વિકેટ લઈને ઝિમ્બાબ્વેની જીતની સ્ક્રિપ્ટ લખી દીધી હતી. વૉશિંગ્ટન સુંદરે ૨૭ રનની ઇનિંગ્સ રમીને જીતની આશા જીવંત રાખી હતી, પણ અંતિમ ઓવરમાં પાવર હિટિંગ શૉટ ન લાગતાં ટીમ ૧૦૨ રને ઑલઆઉટ થઈ હતી.
ADVERTISEMENT
આજે ભારતની મેન્સ-વિમેન્સ ટીમે કરવું પડશે કમબૅક
ભારતીય ક્રિકેટને છેલ્લા બે દિવસમાં બે મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આખી સિરીઝમાં સાઉથ આફ્રિકાની વિમેન ટીમ સામે અજેય રહેનાર હરમનપ્રીત કૌરને T20 સિરીઝની પહેલી મૅચમાં ૧૨ રને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી ભારતીય ટીમને ઝિમ્બાબ્વે સામે ૧૩ રને હારનો સામનો કરવો પડ્યો. આજે રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફૅન્સ માટે રોમાંચક બની રહેશે, કારણ કે આજની બીજી મૅચમાં બન્ને ટીમે સિરીઝમાં બની રહેવા માટે જોરદાર કમબૅક કરવું પડશે.
IPLના યંગ સ્ટાર્સ અભિષેક, રિયાન અને ધ્રુવ ડેબ્યુ મૅચમાં ફ્લૉપ
ઝિમ્બાબ્વે સામેની પહેલી T20 મૅચમાં IPLમાં ધમાલ મચાવનાર ત્રણ યંગ ભારતીય ક્રિકેટર્સને ડેબ્યુ કરવાની તક મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ ૨૩ વર્ષની ઉંમરે અને રાજસ્થાન રૉયલ્સના મિડલ ઑર્ડર બૅટર રિયાન પરાગે બાવીસ વર્ષની ઉંમરે ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કરનાર ધ્રુવ જુરેલને અહીં ભારત માટે T20 ડેબ્યુ કરવાની તક મળી હતી.
મેદાન પર ટીમની હાજરીમાં રિયાન પરાગનાં માતા-પિતાએ તેને ડેબ્યુ-કૅપ આપી હતી. તેના પિતા રિયાન દાસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને તેની માતા મિથુ બરુઆ સ્વિમર હતી. જોકે ત્રણેય IPL સ્ટાર્સે T20 ડેબ્યુ મૅચમાં ફ્લૉપ પ્રદર્શન કર્યું હતું. અભિષેક શર્મા ઝીરો, રિયાન પરાગ બે અને ધ્રુવ જુરેલ માત્ર ૭ રન બનાવી શક્યા હતા.

