આજે બૅન્ગલોરમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક ટી૨૦ : મેચ સાંજે ૭.૦૦ વાગ્યાથી શરુ થશે

રાજકોટમાં શુક્રવારે રમાયેલી મૅચ દરમ્યાન વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ
સાઉથ આફ્રિકા સામે આજે ટી૨૦ સિરીઝની પાંચમી અને છેલ્લી મૅચમાં ભારતીય યુવા ટીમ પોતાની નબળાઈઓ દૂર કરીને શાનદાર પ્રદર્શન કરશે એવી આશા રાખશે. ભારત ૮ દિવસમાં ૪ મૅચ રમ્યું છે અને રાહુલ દ્રવિડની સાતત્ય જાળવવાની નીતિ મુજબ ફાઇનલ ઇલેવનમાં વધુ ફેરબદલ કરવામાં નથી આવ્યા. પહેલી બે મૅચ હાર્યા બાદ ભારત ત્રીજી મૅચ ૪૮ રનથી અને ચોથી મૅચ ૮૨ રનથી જીત્યું હતું.
ચહલ પાસે વિશેષ આશા
કાર્તિકે ચોથી મૅચમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તો હર્ષલ અને અવેશે પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું હતું. ચહલ પોતાના પહેલા આઇપીએલના ઘરઆંગણેના મેદાનમાં કંઈક વિશેષ પ્રદર્શન કરવા માગશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમ મેદાન પર ઊતરશે ત્યારે પહેલી બે મૅચમાં થાકેલી જણાતી ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર હશે.
બવુમા કદાચ નહીં રમે
ટેમ્બા બવુમા જો ઈજામાંથી સારો ન થઈ શક્યો તો સાઉથ આફ્રિકાને તેની ખોટ વર્તાશે. છેલ્લી બે મૅચમાં તેમની બૅટિંગ નબળી જણાઈ હતી, જેની સામે ભારતીય બૅટર્સ વધુ મજબૂત જણાતા હતા. આ સિરીઝમાં ભારતીય ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ બે મૅચમાં પરાજય બાદ વાપસી માટે અભિનંદનને પાત્ર જરૂર છે.
પંતે સહન કરવી પડી ટીકા
યુવા કૅપ્ટન રિષભ પંત આઇપીએલ બાદ પોતાના ઘરે આરામ કરવાનું પસંદ કરત, પરંતુ જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમમાં સ્ટાર પાવર યથાવત્ રાખવાને લીધે તેણે રમવું પડ્યું. પંત કૅપ્ટન્સીમાં કોઈ કમાલ કરી શક્યો નથી અને તેની બૅટિંગ પણ પ્રભાવિત થઈ છે. જો ભારત આ સિરીઝ જીતી શકે તો હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સાથે પંત પણ નેતૃત્વ કરનાર દળનો એક ભાગ હશે, કારણ કે ૨૦૨૩ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ફરી પાછા બદલાવના તબક્કામાંથી પસાર થશે.
ભારતીય ટીમમાં ફેરબદલ
કોચ દ્રવિડ ટોચના ત્રણ ખેલાડીઓમાં ફેરબદલની સંભાવના પર વિચાર કરી શકે છે. ઋતુરાજ ગાયકવાડ સારી પિચ પર સારી બોલિંગ સામે નબળો સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ટક્કર અનુભવહીન ડોમેસ્ટિક બોલર સામે નહીં થાય જેના પર તે ભારે પડી શકે. ઈશાન કિશન પાસે પણ મર્યાદિત શૉટ્સ છે. સિરીઝમાં ભલે તેણે વધુ રન બનાવ્યા હોય, પરંતુ ઑસ્ટ્રેલિયાની પિચ પર પેસ અને બાઉન્સ તેને માટે મુશ્કેલીનું કારણ બની શકે. શ્રેયસ ઐયરને સમગ્ર સિરીઝમાં રમવાની તક મળી, પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી ન શક્યો. હવે આયરલૅન્ડ સામે બે ટી૨૦માં તેને બદલે સૂર્યકુમાર યાદવને તક મળશે.
કાર્તિકને વર્લ્ડ કપમાં સ્થાન મળશે
કાર્તિક આયરલૅન્ડ સામેની ટી૨૦ મૅચમાં વિકેટકીપિંગ કરશે. ટી૨૦ વર્લ્ડ કપમાં તેને વિકેટકીપર બૅટ્સમૅન તરીકે ટીમમાં સ્થાન મળે તો નવાઈ નહીં. બોલર્સમાં ભુવનેશ્વર કુમાર નવા બૉલને સ્વિંગ કરાવે છે. અવેશ ખાન સારા બાઉન્સર નાખે છે એ ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન મેળવવા માટે તે પ્રબળ દાવેદાર છે. સ્પિનરોનું પ્રદર્શન આ સિરીઝમાં અપેક્ષા મુજબનું નથી રહ્યું. અક્ષર પટેલ વિવિધતા નથી લાવી રહ્યો અને ચહલ પણ સાતત્ય નથી દેખાડી શક્યો.