આજે સેન્ચુરિયનમાં સાંજે ૮.૩૦ વાગ્યે શરૂ થશે ત્રીજી T20 મૅચ
સાઉથ આફ્રિકા સામે સિરીઝની ત્રીજી T20 મૅચ પહેલાં ઍરપોર્ટ પર મસ્તી કરતા ભારતીય પ્લેયર્સ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ચાર મૅચની T20 સિરીઝની ત્રીજી મૅચ રમાશે. સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં ભારતીય ટીમ T20 ફૉર્મેટની એકમાત્ર મૅચ ૨૦૧૮માં રમી હતી જેમાં ભારતીય ટીમે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. એ ટીમનો એકમાત્ર સભ્ય હાર્દિક પંડ્યા હાલમાં વર્તમાન ટીમમાં પણ સામેલ છે. આ મેદાન પર ૧૪ T20 ઇન્ટરનૅશનલ મૅચમાંથી ૮ મૅચ બીજી બૅટિંગ કરનારી ટીમ જીતી છે. બન્ને ટીમ વચ્ચે આજે સાંજે ૮.૩૦ વાગ્યાથી ત્રીજી મૅચનો જંગ જામશે.
ચાર મૅચની સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે. આજની મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં લીડ મેળવી શકશે અને જો હારશે તો ચોથી મૅચ જીતીને સિરીઝ ટાઇ કરીને જ ભારતીય ટીમ યજમાન ટીમ સાથે ટ્રોફી શૅર કરી શકશે. ત્રીજી મૅચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની શક્યતા છે. ઓપનર અભિષેક શર્મા સતત નિષ્ફળ જઈ રહ્યો છે અને સિનિયર પ્લેયર્સ મહત્ત્વના સમયે ઇનિંગ્સ સંભાળવામાં સંઘર્ષ કરી રહ્યા છે. આ મૅચમાં ટીમ-મૅનેજમેન્ટ ડેબ્યુ માટે આતુર રમણદીપ સિંહ, યશ દયાલ અને વિજયકુમાર વ્યશક માટે શું નિર્ણય લેશે એના પર સૌની નજર રહેશે.


