Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે શ્રેણીમાં ઇન્ડિયનોનો વાઇટવૉશ : હવે વેસ્ટ ઇન્ડિયનો હરખાતાં અમદાવાદ આવશે

વન-ડે શ્રેણીમાં ઇન્ડિયનોનો વાઇટવૉશ : હવે વેસ્ટ ઇન્ડિયનો હરખાતાં અમદાવાદ આવશે

24 January, 2022 01:06 PM IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલસેના સામે સાઉથ આફ્રિકાની ૩-૦થી ક્લીન સ્વીપ : ૧૩ દિવસ પછી સૌથી મોટા સ્ટેડિયમમાં કૅરેબિયનો સાથે પ્રથમ વન-ડે : ડી કૉકના મૅચ વિનિંગ ૧૨૪ રન

ડી કૉક

ડી કૉક


ટીમ ઇન્ડિયા છેલ્લે ફેબ્રુઆરી, ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝ ૧-૨થી હારી ગયું હતું, પણ ત્યાર પછીની વન-ડે શ્રેણી ૫-૧થી જીતીને કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં માથું ઊંચું રાખીને ભારત પાછી આવી હતી. જોકે ગઈ કાલે સાવ ઊલટું બન્યું. ટેસ્ટ-સિરીઝની ૧-૨ની નાલેશી પછી ગઈ કાલે કે. એલ. રાહુલના સુકાનમાં ભારતીય ટીમ ૦-૩ના વાઇટવૉશ સાથે સ્વદેશ પાછા ફરવાની તૈયારી કરી રહી હતી.
ભારતીય ટીમના આ વળતાં પાણી માટે કૅપ્ટન્સીનો વિવાદ કારણરૂપ છે કે બૅટર્સની ધૈર્યવિનાની બૅટિંગ કે પછી આઇપીએલ સહિત ટી૨૦ ક્રિકેટની અસર, જે કંઈ કારણ હોય, પણ બે અઠવાડિયાં પછી (૬ ફેબ્રુઆરીએ) અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે સિરીઝની પહેલી વન-ડે રમનારા વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ ભારતની ગઈ કાલની હારથી મનોમન જરૂર હરખાતા હશે.
ગઈ કાલે ૨૮૮ રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ ૪૯.૨ ઓવરમાં ૨૮૩ રને આઉટ થતાં યજમાન ટીમ ૪ રનથી જીતી ગઈ હતી. ૪૦મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ (૩૯ રન)ની વિકેટ પડી ત્યારે ભારતની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું હતું. દીપક ચાહર (૮-૦-૫૩-૨ અને ૫૪ રન, ૩૪ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની બધી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ટૂંકમાં હરીફોને ૩૦૦ રનની અંદર સીમિત રાખવાની ભારતીય બોલર્સની મહેનત ભારતીય બૅટર્સની નિષ્ફળતાને કારણે એળે ગઈ હતી. લુન્ગી ઍન્ગિડીએ અને ફેહલુકવાયોએ ત્રણ-ત્રણ તેમ જ પ્રીટોરિયસે બે વિકેટ લીધી હતી.
ખરાબ ઓપનિંગ બાદ બે ઝટકા
ભારતે ઓપનિંગ ફરી ખરાબ કર્યું. રાહુલ (૯) પાછો ફ્લૉપ ગયો. જોકે શિખર ધવન (૬૧ રન, ૭૩ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને વિરાટ કોહલી (૬૫ રન, ૮૪ બૉલ, પાંચ ફોર)ની જોડીએ માંડ હજી તો ૧૦૦નો ટીમ-સ્કોર પાર કર્યો ત્યાં ફેહલુકવાયો ત્રાટક્યો હતો. તેણે એક જ ઓવરમાં શિખર અને ગઈ મૅચના ટૉપ-સ્કોરર રિષભ પંત (૦)ની વિકેટ લઈને ભારતનો ધબડકો બોલાવ્યો હતો.
ત્યાર બાદ ૧૫૬ રનના ટોટલ પર કેશવ મહારાજે પોતાની છેલ્લી ઓવરના ચોથા બૉલમાં કોહલીને આઉટ કર્યો હતો. કૅપ્ટન બવુમાએ કવર પૉઇન્ટ પરથી ઊંધા દોડીને અફલાતૂન કૅચ પકડીને મહારાજને પ્રાઇઝ વિકેટ અપાવી હતી.
એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી સાઉથ આફ્રિકાની ટીમ દાવનો માત્ર એક બૉલ બાકી હતો ત્યારે ઑલઆઉટ થઈ હતી. ૪૯.૫ ઓવરમાં યજમાન ટીમે જે ૨૮૭ રન બનાવ્યા એમાં વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કૉક (૧૨૪ રન, ૧૩૦ બૉલ, બે સિક્સર, બાર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. વન-ડેમાં તેની આ ૧૭મી સદી હતી. તેની અને રૅસી વૅન ડર ડુસેન (બાવન રન, ૫૯ બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૪૪ રનની ભાગીદારી થઈ હતી.
ડી કૉક થયો ડિવિલિયર્સની સાથે
ડી કૉકે ગઈ કાલે ભારત સામે છઠ્ઠી વન-ડે સદી ફટકારીને ભારત સામે સૌથી વધુ વન-ડે સેન્ચુરી ફટકારનાર એ. બી. ડિવિલિયર્સની બરાબરી કરી લીધી હતી. ડી કૉકે આસાનીથી ભારતીય બોલરોનો સામનો કર્યો હતો.
દીપક ચાહરે કૅપ્ટન રાહુલના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો
રાહુલે ગઈ કાલે ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ દીપક ચાહરે તરત જ બે વિકેટ લીધી હતી. તેણે ઓપનર યૉનેમન મલાન (૧) અને એઇડન માર્કરમ (૧૫)ને આઉટ કર્યા હતા. એ દરમ્યાન કૅપ્ટન ટેમ્બા બવુમા (૮) મિડ-ઑફ પરથી થયેલા હરીફ સુકાની રાહુલના સીધા થ્રોમાં રનઆઉટ થયો હતો. જોકે માર્કરમની ત્રીજી વિકેટ બાદ ભારતીય બોલરો લગભગ ૨૪ ઓવર સુધી ડી કૉક-ડુસેનની જોડીને તોડી નહોતા શક્યા.
ટીમમાં ચાર ફેરફાર
ગઈ કાલે ભારતે અશ્વિન, શાર્દુલ, વેંકટેશ ઐયર અને ભુવનેશ્વરના સ્થાને જયંત યાદવ, દીપક ચાહર, સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ઇલેવનમાં સમાવ્યા હતા.

1
સાઉથ આફ્રિકામાં ભારત સિરીઝની તમામ વન-ડે હારી ગયું હોય અેવું ગઈ કાલે આટલામી વાર બન્યું.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 01:06 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK