૫૦-૫૦ ઓવરની મૅચ નક્કી થયા બાદ ભારત ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું

વૉશિંગ્ટન સુંદર તસવીર સૌજન્ય મિડ-ડે
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરી ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું. રાબેતા મુજબ ૫૦-૫૦ ઓવરની મૅચ નક્કી થયા બાદ ભારત ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રેયસ ઐયર (૫૯ બૉલમાં ૪૯ રન)ને બાદ કરતાં બીજા બૅટર્સ સારું નહોતા રમ્યા, પણ વૉશિંગ્ટન સુંદર (૫૧ રન, ૬૪ બૉલ, ૧૦૪ મિનિટ, એક સિક્સર, પાંચ ફોર)ની બૅટિંગ ઊડીને આંખે વળગે એવી હતી. કૅપ્ટન શિખર ધવને તો ૪૫ બૉલમાં માત્ર ૨૮ રન બનાવ્યા હતા. ગિલ ૧૩ રન, પંત ૧૦ રન, સૂર્યકુમાર ૬ રન અને દીપક હૂડા તથા દીપક ચાહર ૧૨-૧૨ રન બનાવી શક્યા હતા. ડેરિલ મિચલ અને ઍડમ મિલ્નએ ત્રણ-ત્રણ વિકેટ, ટિમ સાઉધીએ બે વિકેટ અને ફર્ગ્યુસન, સૅન્ટનરને એક-એક વિકેટ મળી હતી.
ન્યુ ઝીલૅન્ડની ટીમનો સ્કોર ફિન ઍલન (૫૭ રન, ૫૪ બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને ડેવોન કૉન્વે (૩૮ અણનમ, ૫૧ બૉલ, છ ફોર)ના પર્ફોર્મન્સથી ૧૮ ઓવરમાં એક વિકેટે ૧૦૪ રન હતો ત્યારે વરસાદને કારણે મૅચ પડતી મૂકવામાં આવી હતી. ઍલનને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો.
સિરીઝમાં એક સદી સહિત હાઇએસ્ટ ૧૪૫ રન બનાવનાર ટૉમ લેથમને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ટિમ સાઉધીની પાંચ વિકેટ શ્રેણીમાં સૌથી વધુ હતી.