બેરસ્ટૉ વખતે આનંદના આવેશમાં આવી જનાર વિરાટ વિશે આ કમેન્ટ કરવા બદલ વીરેન્દર સેહવાગ ટ્રોલ થયો
IND vs ENG
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રવિવારે એજબૅસ્ટનમાં છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડના જૉની બેરસ્ટૉના સ્લેજિંગના જવાબમાં વિરાટ કોહલીએ (સ્ટમ્પ્સ માઇકમાં સંભળાયા મુજબ) બેરસ્ટૉને ‘શટ અપ... જા બૅટિંગ કર ચલ’ એવું કહ્યું એને પગલે બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે દલીલબાજી થઈ હતી અને અમ્પાયરે છોડાવવા પડ્યા હતા, પરંતુ બેરસ્ટૉ (૧૦૬ રન) પછી થોડી વાર બાદ સૅમ બિલિંગ્સ (૩૬ રન)ને મોહમ્મદ સિરાજે ક્લીન બોલ્ડ કર્યો ત્યારે કોહલી આનંદનો આવેગ રોકી નહોતો શક્યો અને બે હાથ ઊંચા કરીને થોડો નાચ્યો હતો. કોહલીને આ રીતે જોઈને કૉમેન્ટરી-બૉક્સમાં બેઠેલા વીરેન્દર સેહવાગથી બોલી જવાયું, ‘વિરાટ કોહલી કા ડાન્સ દેખિયે... છમિયા નાચ રહી હૈ, વાહ.’
સેહવાગને લાગ્યું હશે કે તેણે રમૂજ કરી, પરંતુ કોહલી વિશે આવી કમેન્ટ જાણીને સોશ્યલ મીડિયા પર કોહલીના ચાહકોએ સેહવાગને ટ્રોલ કર્યો હતો. કેટલાક ફૅન્સના મતે વીરુએ કોહલી ઉપરાંત મહિલા વર્ગનું પણ અપમાન કર્યું કહેવાય. એક ચાહકે સેહવાગને ટ્વિટર પરથી કાઢી મૂકવાની માગણી કરી હતી તો બીજા એક ચાહકે લખ્યું, ‘શું આને કૉમેન્ટરી કહેવાય? થોડા સમયથી હિન્દી કૉમેન્ટરીનું ધોરણ કથળી ગયું છે.’
ADVERTISEMENT
રાજ ચૌધરી નામના એક કોહલી-ચાહકે વીરુ વિશે લખ્યું, ‘ઇસે કૉમેન્ટેટર કિસને બનાયા? વિરાટ જેવા પ્રતિભાશાળી ખેલાડીનું આ રીતે અપમાન ન કરવું જોઈએ.’
ટ્રોલ કરનારાઓને વીરુદાદાએ આપ્યો જવાબ
વીરેન્દર સેહવાગે તેના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટમાં રવિવારના સેન્ચુરિયન બ્રિટિશ બૅટર જૉની બેરસ્ટૉના (કોહલી સાથેના સ્લેજિંગ પછીના) આક્રમક અભિગમ પર ભાર મૂકતાં લખ્યું, ‘કોહલી સાથેના સ્લેજિંગ પહેલાં જૉની બેરસ્ટૉનો સ્ટ્રાઇક-રેટ ૨૧ હતો અને સ્લેજિંગ પછી ૧૫૦ થઈ ગયો. પુજારા કી તરહ ખેલ રહે થે, કોહલી ને પંત બનવા દિયા બેવજહ સ્લેજ કરકે.’
ટ્વિટર પર એક કોહલી-ચાહકે સેહવાગને પૂછ્યું, ‘બેરસ્ટૉ જો કોહલી સાથેની દલીલ પછી આઉટ થયો હોત તો ત્યારે પણ તમે આવું જ લખ્યું હોત?’ સેહવાગે જવાબમાં લખ્યું, ‘હાં યાર, મૈં કરતા.’