રેકૉર્ડ-બ્રેકિંગ બૅટિંગ કર્યા પછી અભિષેક શર્માએ પોતાના ગુરુનાં ગુણગાન ગાયાં
અભિષેક શર્મા
પંજાબના ૨૪ વર્ષના ઓપનર અભિષેક શર્માએ વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ૨૫૦ની સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૫૪ બૉલમાં ૧૩૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. આ પાર્ટ-ટાઇમ સ્પિનરે માત્ર એક ઓવર ફેંકીને ત્રણ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી. તે એક T20 ઇન્ટરનૅશનલ મૅચમાં સેન્ચુરી ફટકારીને વિકેટ લેનાર પહેલો ભારતીય ક્રિકેટર પણ બન્યો હતો. તેના પહેલાં ફુલ મેમ્બર નેશન્સની ટીમમાંથી એકમાત્ર ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.
મૅચ બાદ અભિષેક શર્માએ ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર અને તેના મેન્ટર યુવરાજ સિંહને તેની સફળતાની ક્રેડિટ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘યુવીપાજી (યુવરાજ સિંહ) જ હતા જેમણે ત્રણ-ચાર વર્ષ પહેલાં મારા મનમાં આ બધી વાતો મૂકી હતી. હું કહીશ કે તેઓ જ મારામાં વિશ્વાસ રાખતા હતા. જ્યારે યુવરાજ સિંહ જેવા કોઈ પ્લેયર તમને કહે કે તું દેશ માટે રમશે અને મૅચ જીતશે તો સ્વાભાવિક છે કે તમે એવું વિચારવાનો પ્રયાસ કરો છો કે હું દેશ માટે રમીશ.’
ADVERTISEMENT
ડાબા હાથના બૅટ્સમૅન અભિષેકે વધુમાં કહ્યું હતું કે ‘તેમણે અને પંજાબના કોચ વસીમ જાફરે મારી ક્રિકેટ-કરીઅરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આશા છે કે તેઓ આમ કરવાનું ચાલુ રાખશે, પણ જેમ મેં પહેલાં કહ્યું હતું કે આજે હું જેકંઈ છું એ તેમના (યુવરાજ) કારણે છું. તેઓ એક એવી વ્યક્તિ છે જે હંમેશાં મને મદદ કરવા તૈયાર રહે છે. મેં હંમેશાં તેમની સલાહનું પાલન કર્યું છે, કારણ કે તેઓ મારા કરતાં રમતને વધુ સારી રીતે જાણે છે. એથી જ મેં હંમેશાં તેમના પર વિશ્વાસ કર્યો છે.’
ભારતીય ટીમ માટે T20 ફૉર્મેટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાના મામલે યુવરાજ સિંહ (૧૨ બૉલ) બાદ અભિષેક શર્મા (૧૭ બૉલ) બીજા ક્રમે છે. બન્નેએ આ કમાલ ઇંગ્લૅન્ડની ટીમ સામે કરી છે.
T20 ઇન્ટરનૅશનલમાં અભિષેક શર્માનું પ્રદર્શન |
|
કુલ મૅચ |
૧૭ |
ઇનિંગ્સ |
૧૬ |
રન |
૫૩૫ |
ચોગ્ગા |
૪૬ |
છગ્ગા |
૪૧ |
ફિફ્ટી |
૦૨ |
સેન્ચુરી |
૦૨ |
ઍવરેજ |
૩૩.૪૩ |
સ્ટ્રાઇક-રેટ |
૧૯૩.૮૪ |

