બીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડના ૩૦૪ રનનો ટાર્ગેટ ૪૪.૩ ઓવરમાં ૬ વિકેટે ૩૦૮ રન બનાવી ચેઝ કર્યો ભારતીય ટીમે, સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી
રોહિત શર્મા
૧૯૯૩થી ઘરઆંગણે અંગ્રેજો સામે વન-ડે સિરીઝમાં અપરાજિત રહી છે ટીમ ઇન્ડિયા : ઓવરઑલ ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક કરી ઃ કૅપ્ટન રોહિત શર્માએ ૭૬ બૉલમાં સેન્ચુરી કરીને ફૅન્સને મોજ કરાવી દીધી
કટકમાં ગઈ કાલે રમાયેલી બીજી વન-ડે મૅચમાં ભારતીય ટીમે કૅપ્ટન રોહિત શર્માની ૧૧૯ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ઇંગ્લૅન્ડ સામે ચાર વિકેટે જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં ૪૯.૫ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૩૦૪ રન બનાવ્યા હતા. ૩૦૫ રનનો ટાર્ગેટ ભારતીય ટીમે ૪૪.૩ ઓવરમાં ૬ વિકેટે ૩૦૮ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સામે ભારતે આ ઓવરઑલ સળંગ ત્રીજી વન-ડે સિરીઝ જીતી છે. ઘરઆંગણે ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે સળંગ સાતમી વન-ડે સિરીઝ જીતી છે. જાન્યુઆરી ૧૯૮૫માં ઇંગ્લૅન્ડની ટીમ ભારતમાં એકમાત્ર વન-ડે સિરીઝ જીતી હતી. ૧૯૯૩થી વન-ડે સિરીઝમાં ભારત ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે અપરાજિત રહ્યું છે. ૧૯૯૩ અને ૨૦૦૨માં ઇંગ્લૅન્ડ સામેની ઘરઆંગણેની બે સિરીઝ ડ્રૉ રહી હતી.
ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમના ઓપનર્સ બેન ડકેટ (૬૫ રન) અને ફિલ સૉલ્ટે (૨૬ રન) ૬૬ બૉલમાં ૮૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્રીજા ક્રમે બૅટિંગ કરતા જો રૂટે ૭૨ બૉલમાં છ ચોગ્ગાની મદદથી ૬૯ રનની ઇનિંગ્સ રમી હતી. તે વન-ડે ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ ૫૬ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કરનાર ક્રિકેટર બન્યો છે. તેના નામે ૧૬ વન-ડે સેન્ચુરી અને ૪૦ ફિફ્ટી છે. ઇંગ્લૅન્ડનો સ્કોર ૪૨.૩ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૮ રન હતો ત્યારે એવું લાગતું હતું કે ટીમ ૩૩૦થી વધુ રન બનાવવામાં સફળ રહેશે.
પરંતુ સ્પિનર રવીન્દ્ર જાડેજા (૩૫ રનમાં ત્રણ વિકેટ)ની શિસ્તબદ્ધ બોલિંગથી તેમનો રન-રેટ કાબૂમાં રહ્યો હતો. બે ફિફ્ટી પ્લસ રનની પાર્ટનરશિપ કરનાર જો રૂટ બાદ લિયામ લિવિંગસ્ટને પણ ૩૨ બૉલમાં ૪૧ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. અક્ષર પટેલ સિવાય વરુણ ચક્રવર્તી, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા અને મોહમ્મદ શમીને પણ એક-એક સફળતા મળી હતી.
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા (૯૦ બૉલમાં ૧૧૯ રન) અને વાઇસ કૅપ્ટન શુભમન ગિલ (બાવન બૉલમાં ૬૦ રન)એ ૧૦૦ બૉલમાં ૧૩૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખ્યો હતો. ૭૬ બૉલમાં સેન્ચુરી કરીને ચૅમ્પિયન ટ્રોફી પહેલાં ફૉર્મમાં પાછા ફરેલા રોહિત શર્માએ ત્રીજી વિકેટ માટે શ્રેયસ ઐયર (૪૭ બૉલમાં ૪૪ રન) સાથે ૬૧ બૉલમાં ૭૦ રનની પાર્ટનરશિપ કરીને ટીમની જીતને વધુ સરળ બનાવી દીધી હતી. ૩૭થી ૪૨ ઓવર વચ્ચે જ્યારે ભારતની ત્રણ વિકેટ પડી ત્યારે અક્ષર પટેલે (૩૪ બૉલમાં ૪૧ રન) મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને મહત્ત્વનો ફાળો આપ્યો હતો. વિરાટ કોહલી ૮ બૉલમાં એક ચોગ્ગાની મદદથી પાંચ રન બનાવી કૅચઆઉટ થયો હતો. ફાસ્ટ બોલર જેમી ઓવર્ટને ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
28
આટલી મૅચમાં ૩૦૦ પ્લસનો સ્કોર કરવા છતાં હાર્યું ઇંગ્લૅન્ડ, વન-ડે ફૉર્મેટમાં આ મામલે ભારતીય ટીમ (૨૭ હાર)નો રેકૉર્ડ તોડ્યો.
રોહિત શર્માનું પ્રદર્શન |
|
રન |
૧૧૯ |
બૉલ |
૯૦ |
ચોગ્ગા |
૧૨ |
છગ્ગા |
૦૭ |
સ્ટ્રાઇક-રેટ |
૧૩૨.૨૨ |

