Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ

ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ

26 February, 2021 08:18 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ

અક્ષર પટેલ

અક્ષર પટેલ


મોટી અપેક્ષા સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મૅચ ગઈ કાલે બીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. પહેલા દિવસે ૧૩ વિકેટ બાદ ગઈ કાલે ૧૭ વિકેટના પતન સાથે ટીમ ઇન્ડિયાએ ૧૦ વિકેટે જીત મેળવીને સિરીઝમાં ૨-૧થી લીડ મેળવવાની સાથે જૂનમાં લૉર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધુ છે અને ઇંગ્લૅન્ડ ફાઇનલની રેસમાંથી આઉટ થઈ ગયું છે. હવે આ જ મેદાનમાં ૪ માર્ચથી શરૂ થનારી ચોથી અને છેલ્લી ટેસ્ટમાં ભારતે હારથી બચવાનું છે. જો ચોથી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ જીતશે તો ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે.

ઇંગ્લૅન્ડ માત્ર ૮૧ રનમાં ઑલઆઉટ



ઇંગ્લૅન્ડના ૧૧૨ રન સામે ભારત ગઈ કાલે ૯૯ રનમાં ૩ વિકેટથી આગળ રમવાનું શરૂ કરતાં ૧૪૫ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું. રોહિત શર્માએ સૌથી વધુ ૬૬ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડનો મુખ્ય સ્પિનર ૫૪ રનમાં ૪ જ વિકેટ લઈ શક્યો હતો, પણ પાર્ટટાઇમ સ્પિનર તરીકે ઇંગ્લૅન્ડના કૅપ્ટને કમાલ કરી હતી. રૂટે ૬.૨ ઓવરમાં માત્ર ૮ રન આપીને પાંચ વિકેટ લઈને ભારતીય ટીમને મોટી લીડ લેતાં રોકી હતી અને લીડ ફક્ત ૩૩ રન સુધી સીમિત રહી હતી. જોકે ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં ભારતીય સ્પિનરો સામે ફરી ઝૂકી જતાં ૩૦.૪ ઓવરમાં માત્ર ૮૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતને મળેલો ૪૯ રનનો ટાર્ગેટ ભારતે સાવચેતીપૂર્વક શરૂઆત કર્યા બાદ ૭.૪ ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. રોહિત શર્મા ૨૫ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૫ અને શુભમન ગિલ ૨૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫ રન બનાવીને અણનમ રહ્યા હતા.


લોકલ બૉય અક્ષર પટેલ મૅચમાં કુલ ૧૧ વિકેટના લાજવાબ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

 


ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત નંબર-વન

ગઈ કાલની જીત સાથે ભારત હવે ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બીજા નંબર પરથી પહેલા નંબરે આવી ગયું છે. ભારતના હવે ૭૧ પર્સન્ટેજ પૉઇન્ટ થયા છે અને ન્યુ ઝીલૅન્ડ ૭૦ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયા ૬૯.૨ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. ‌ન્યુ ઝીલૅન્ડ હવે કોઈ ટેસ્ટ રમવાનું ન હોવાથી તેના પૉઇન્ટમાં કોઈ ફરક નહીં પડે અને એને માત્ર એક જ ટીમ ઓવરટેક કરી શકે એમ હોવાથી તેઓ પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ગયા છે. હવે જો ભારત છેલ્લી ટેસ્ટ હારી જાય તો ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે. છેલ્લી ટેસ્ટ ડ્રૉ કરે કે એમાં જીત મેળવે તો ભારત ફાઇનલમાં પહોંચી જશે.

 

194 - ૧૦૦મી ટેસ્ટ રમનાર ઇશાન્ત શર્માએ ગઈ કાલે આટલામી ઇનિંગમાં ટેસ્ટ ક્રિકેટ કરીઅરની પ્રથમ સિક્સર ફટકારી હતી.

12 - આ ટેસ્ટમાં ૩૦ વિકેટમાંથી કુલ આટલા બૅટ્સમેન એલબીડબ્લ્યુ આઉટ થયા હતા.

193 - ઇંગ્લૅન્ડે ત્રીજી ટેસ્ટમાં બન્ને ઇનિંગ્સ મળીને કુલ આટલા રન બનાવ્યા હતા. અગાઉ ૧૯૮૩-’૮૪માં ન્યુ ઝીલૅન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં અનુક્રમે ૯૩ અને ૮૨ રન બનાવીને કુલ ૧૭૫ રન કર્યા હતા.

 

ઇંગ્લૅન્ડનો ભારત સામે લોએસ્ટ ટેસ્ટ-સ્કોર

રન

સ્ટેડિયમ

વર્ષ

૮૧

અમદાવાદ

૨૦૨૦-’૨૧

૧૦૧

ધ ઓવલ

૧૯૭૧

૧૦૨

મુંબઈ વાનખેડે

૧૯૭૯-’૮૦

૧૦૨

લીડ્સ

૧૯૮૬

૧૧૨

અમદાવાદ

૨૦૨૦-’૨૧

     

સૌથી મોટા મેદાનમાં સૌથી ટૂંકી ડે-નાઇટ ટેસ્ટ

ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડને બીજા ‌જ દિવસે પરાસ્ત કરીને કમાલ કરી હતી. આ મૅચ ચારેય ઇનિંગ્સ મળીને કુલ ૧૪૦.૨ ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી અને એ ડે-નાઇટ ક્રિકેટના ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ બની રહી હતી. આ પહેલાં ડિસેમ્બર ૨૦૧૭માં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ પણ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જોકે એમાં ત્રણ ઇનિંગ્સ મળીને કુલ ૧૫૧.૧ ઓવર રમાઈ હતી.

 

ક્રિકેટમાં પણ લોકલ ફૉર વોકલ

આ પહેલાં ચેન્નઈ ટેસ્ટમાં લોકલ બૉય રવિચંદ્રન અશ્વિન ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો અને હવે અમદાવાદમાં લોકલ બૉય અક્ષર પટેલ ૧૧ વિકેટના તરખાટ સાથે સ્ટાર બન્યો હતો. આમ હવે ક્રિકેટમાં લોકલ બૉય તરખાટ મચાવી રહ્યાં છે.

 

અક્ષર એક હૅટટ્રિક ચૂક્યો, એક મેળવી

અક્ષર પટેલે ગઈ કાલે હૅટટ્રિક લેવાની તક ગુમાવી હતી. પહેલી ઇનિંગના છેલ્લા બૉલમાં તેણે બેન ફોકસને બોલ્ડ કર્યો હતો અને બીજી ઇનિંગના પહેલા જ બૉલમાં ઝૅક ક્રાવલીને શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ બીજા બૉલમાં બેરસ્ટોને અમ્પાયરે એલબીડબ્યુ આઉટ આપતાં અક્ષર સહિત આખી ટીમ અને ક્રિકેટપ્રેમીઓ હૅટ-ટ્રિકનું સેલિબ્રેશન કરવા માંડ્યા હતા, પણ બેરસ્ટોએ ડીઆરએસ લેતાં થર્ડ અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કરતાં સ્ટેડિયમમાં સોપો પડી ગયો હતો. જોકે ત્યાર બાદ તરત અક્ષરે બેરસ્ટોને બોલ્ડ કરીને પૅવિલિયન મોકલી આપ્યો હતો.

જોકે અક્ષરે ગઈ કાલે બીજી એક હૅટટ્રિક કરી હતી અને હતી સતત ત્રણ ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેવાની. અક્ષરે કરીઅરની પહેલી ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૬૦ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ત્યાર બાદ ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૩૮ રનમાં ૬ અને ગઈ કાલે ૩૨ રનમાં પાંચ વિકેટ સાથે કરીઅરની પ્રથમ બે ટેસ્ટમાં જ કમાલની હૅટ-ટ્રિક કરી હતી.

ડે-નાઇટ ટેસ્ટમાં ૧૦ વિકેટ લેનાર બોલર

વિકેટ

રન

પ્લેયર

વિરોધી ટીમ

સ્ટેડિયમ

વર્ષ

૧૧

૭૦

અક્ષર પટેલ

ઇંગ્લૅન્ડ

અમદાવાદ

૨૦૨૦-’૨૧

૧૦

૬૨

પૅટ કમિન્સ

શ્રીલંકા

બ્રિસ્બેન

૨૦૧૮-’૧૯

૧૦

૧૭૪

દેવેન્દ્ર બિશુ

પાકિસ્તાન

દુબઈ

૨૦૧૬-’૧૭ 

 

૭૭મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લઈને અશ્વિન ફાસ્ટેસ્ટ ભારતીય બન્યો

રવિચંદ્રન અશ્વિને ગઈ કાલે જોફ્રા આર્ચરને એલબીડબ્લ્યુ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટ કરીઅરમાં ૪૦૦ વિકેટ પૂરી કરી હતી. અશ્વિન આ સાથે ૪૦૦ ટેસ્ટ વિકેટ મેળવનાર ફાસ્ટેસ્ટ ભારતીય અને ઓવરઑલ સેકન્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો. અશ્વિને તેની ૭૭મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લીધી છે. આ મામલે શ્રીલંકાનો લેજન્ડ સ્પિનર મુથૈયા મુરલીધરને ૭૨ ટેસ્ટમાં આ કમાલ કરી હતી. આ બાબતે અત્યાર સુધી ભારતીય રેકૉર્ડ અનિલ કુંબલેના નામે હતો. કુંબલેએ તેની ૮૫મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.

જો ટેસ્ટ ડબ્યુ બાદ સૌથી ઓછા દિવસમાં ૪૦૦ વિકેટનો આંકડો પાર કરવાની વાત કરીએ તો પણ અશ્વિન સેકન્ડ ફાસ્ટેસ્ટ બન્યો છે. અશ્વિને ૯ વર્ષ ૧૧૦ દિવસમાં આ આંકડો પાર કર્યો છે, જ્યારે આ મામલે સૌથી ઝડપી ઑસ્ટ્રેલિયન પેસ બોલર ગ્લેન મૅક્‍ગા છે જેણે ૮ વર્ષ અને ૩૪૧ દિવસમાં આ કમાલ કરી દેખાડી હતી.

603

અશ્વિને ગઈ કાલે ટેસ્ટમાં ૪૦૦ વિકેટના આંકડા ઉપરાંત કુલ ઇન્ટરનૅશનલમાં ૬૦૦નો આંકડો પર પાર કરી લીધો હતો. હવે તેની કુલ આટલી વિકેટ થઈ છે. આ કમાલ કરનાર અનિલ કુંબલે (૯૫૬), હરભજન સિંહ (૭૧૧) અને કપિલ દેવ (૬૮૭) બાદ તે ચોથો ભારતીય બન્યો છે.

સ્ટોક્સ-વૉર્નર તેના ફેવરિટ શિકાર

અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ ૧૧ વાર ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને, જ્યારે ૧૦ વાર ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને આઉટ કર્યો છે. અશ્વિનના શિકારમાં ત્રીજા નંબરે ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કુક આવે છે જેને તેણે ૯ વખત આઉટ કર્યો છે.

૨૨૨ કૅચ, ૮૫ બોલ્ડ

આ મૅચમાં કુલ સાત વિકેટ સાથે અશ્વિનની હવે ૪૦૧ વિકેટ થઈ છે જેમાં ૨૨૨ વિકેટ કૅચ-આઉટ રૂપે લીધી છે. ૮૫ બૅટ્સમેનોને બોલ્ડ કર્યા છે, જ્યારે ૮૪ને એલબીડબ્લ્યુ આઉટ કર્યા હતા.

ટૉપ ફાઇવ ફાસ્ટેસ્ટ ૪૦૦ વિકેટ લેનાર

ખેલાડી

મૅચ

સમય

મુથૈયા મુરલીધરન

૭૨

૯ વર્ષ ૧૩૭ દિવસ

રવિચન્દ્રન અશ્વિન

૭૭

૯ વર્ષ ૧૧૦ દિવસ

રિચર્ડ હેડલી

૮૦

૧૭ વર્ષ

ડેલ સ્ટેન

૮૦

૧૦ વર્ષ ૨૨૫ દિવસ

રંગાના હેરાથ

૮૪

૧૮ વર્ષ ૬ દિવસ

 

ઘરઆંગણે હવે ધોની કરતાં કોહલી વધુ વિરાટ

ગઈ કાલની ત્રીજી ટેસ્ટની જીત વિરાટ કોહલીના નેતૃત્વમાં ઘરઆંગણે ભારતે મેળવેલી ૨૨મી જીત હતી. આ સાથે તેણે ઘરઆંગણે ૨૧ ટેસ્ટ જીતનાર મહેન્દ્ સિંહ ધોનીને પાછળ રાખી દીધો હતો. મોહમ્મદ અઝહરુદ્દીનની કૅપ્ટન્સીમાં ભારત ઘરઆંગણે ૧૩ ટેસ્ટ જીત્યું હતું.

 

રૂટનો વર્લ્ડ રેકૉર્ડ‍: બૅટિંગમાં નહીં, બોલિંગમાં

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે ગઈ કાલે એક વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકૉર્ડ તેણે બૅટ્સમૅન તરીકે નહીં, એક પાર્ટટાઇમ બોલર તરીકે બનાવ્યો હતો. પાર્ટટાઇમ સ્પિનર રૂટે ગઈ કાલે ૬.૨ ઓવરમાં માત્ર ૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા રનમાં પાંચ વિકેટ લેનાર સ્પિનર બન્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ટિમ મે અને માઇકલ ક્લાર્કના નામે સંયુક્ત રીતે હતો. ટિમ મેએ ૧૯૯૨-’૯૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૨૦૦૪-’૦૫માં માઇકલ ક્લાર્કે ભારત સામે માત્ર ૯ રનમાં પાંચ વિકેટની કમાલ કરી હતી.

આ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ સાથે રૂટે પ્રથમ વાર પાંચ વિકેટ ઝડપી હતી. રૂટનો આ પર્ફોર્મન્સ ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટમાં બેસ્ટ બન્યો હતો. આ પહેલાં ૧૯૮૧માં ઇયાન બૉથમનો ૧૧ રનમાં પાંચ વિકેટનો બેસ્ટ રેકૉર્ડ હતો.

આ ઉપરાંત ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર તે પ્રથમ ઇંગ્લિશ કૅપ્ટન બન્યો હતો. આ પહેલાં ૧૯૮૩માં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બૉબ વિલિસે ૩૫ રનમાં પાંચ વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 08:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK