Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલની મહેનત પર બેરસ્ટૉ અને સ્ટોક્સે પાણી ફેરવી દીધું

રાહુલની મહેનત પર બેરસ્ટૉ અને સ્ટોક્સે પાણી ફેરવી દીધું

27 March, 2021 10:01 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડે બરાબરી કરીને સિરીઝ-વિજયની આશા જીવંત રાખી

બેરસ્ટૉ અને બેન સ્ટૉક્સ વચ્ચે બીજી વિકેટ માટે ૧૭૫ રનની ભાગીદારી થઈ અને એ મૅચ-વિનિંગ નીવડતાં કે.એલ. રાહુલની ૧૦૮ રનની તેમ જ પંતની ૭ સિક્સરવાળી ૭૭ રનની ઇનિંગ્સ એળે ગઈ. (તસવીર: એ.એફ.પી.)

બેરસ્ટૉ અને બેન સ્ટૉક્સ વચ્ચે બીજી વિકેટ માટે ૧૭૫ રનની ભાગીદારી થઈ અને એ મૅચ-વિનિંગ નીવડતાં કે.એલ. રાહુલની ૧૦૮ રનની તેમ જ પંતની ૭ સિક્સરવાળી ૭૭ રનની ઇનિંગ્સ એળે ગઈ. (તસવીર: એ.એફ.પી.)


પુણેમાં ગઈ કાલે રમાયેલી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં ૩૩૬ રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં ભારતે ૬ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. લોકેશ રાહુલની ૧૦૮ રનની ઇનિંગ્સ પર જૉની બેરસ્ટૉ અને બેન સ્ટોક્સની ​ઇનિંગ્સ ભારે પડી હતી. જબરદસ્ત ફટકાબાજી કરીને ઇંગ્લૅન્ડે ચાર વિકેટ ગુમાવીને ૪૩.૩ ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. જૉની બેરસ્ટૉને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

બેરસ્ટૉની બે ભાગીદારી



ભારતે આપેલા ૩૩૭ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલા ઇંગ્લૅન્ડના જેસન રૉય અને જૉની બેરસ્ટૉ વચ્ચે પહેલી વિકેટ માટે ૧૧૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. જેસન રૉય ૫૫ રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ વન-ડાઉન આવેલા બેન સ્ટોક્સે જૉની બેરસ્ટૉ સાથે મળીને ભારતીય ટીમના હાથમાંથી વિજય લગભગ છીનવી લીધી હતી. બેરસ્ટૉ ૧૧૨ બૉલમાં ૧૧ ચોગ્ગા અને ૭ સિક્સર ફટકારીને ૧૨૪ રને આઉટ થયો હતો. તેણે ગઈ કાલે વન-ડે કરીઅરની ૧૧મી સેન્ચુરી ફટકારી હતી. ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ એક રનથી સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે બાવન બૉલમાં ચાર ચોગ્ગા અને ૧૦ સિક્સરની મદદથી ૯૯ રન કર્યા હતા. આ બન્ને પ્લેયરોએ બીજી વિકેટ માટે ૧૭૫ રનની પાર્ટનરશિપ કરી હતી.


બેન સ્ટોક્સને ૩૬મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે આઉટ કર્યા બાદ પ્રસિદ્ધ ક્રિષ્નાએ જૉની બેરસ્ટૉને ૩૭મી ઓવરમાં વિરાટ કોહલીના હાથે કૅચઆઉટ કરાવડાવ્યો હતો. આ જ ઓવરમાં પ્રસિદ્ધે જોસ બટલરને યૉર્કર નાખીને પૅવિલિયનભેગો કર્યો હતો. ટૂંકમાં ઇંગ્લૅન્ડે ૯ બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. લિયામ લિંવિંગસ્ટન અને ડેવિડ મલાને અનુક્રમે અણનમ ૨૭ રન અને ૧૬ રન બનાવી ટીમને જીત અપાવડાવી હતી. ભુવનેશ્વર કુમારને એક અને પ્રસિદ્ધ ક્રિષ્નાને બે વિકેટ મળી હતી. કુલદીપ યાદવે સૌથી વધારે ૮૪ રન ખર્ચ્યા હતા અને એક પણ વિકેટ નહોતી મેળવી જ્યારે કૃણાલ પંડ્યાએ છ ઓવરમાં ૭૨ રન આપ્યા હતા.

અંતમાં ફટકાબાજી


ભારતે ફરી આ મૅચમાં ધીમી શરૂઆત કરી હતી. શિખર ધવન (૪) અને રોહિત શર્મા (૨૫) આઉટ થયા બાદ વિરાટ કોહલી અને લોકેશ રાહુલે ટીમને સંભાળી લીધી હતી. કોહલી ૬૬ રન કરી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. જોકે લોકેશ રાહુલે જબરદસ્ત પ્રદર્શન કરતાં વન-ડે કરીઅરની પાંચમી અને ઇંગ્લૅન્ડ સામે પહેલી સેન્ચુરી ફટકારી હતી. રાહુલ ૧૧૪ બૉલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર ફટકારી ૧૦૮ રને આઉટ થયો હતો.

રિષભ પંતે ૪૦ બૉલમાં ત્રણ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી ૭૭ રન કર્યા હતા. તેને સૉફ્ટ સિગ્નલ આઉટ અપાતાં ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા. હાર્દિક પંડ્યા ૧૬ બૉલમાં ૩૫ રને આઉટ થયો હતો. કૃણાલ પંડ્યાએ અણનમ ૧૨ રન બનાવ્યા હતા. મૅચ દરમ્યાન હાર્દિક અને સૅમ કરન વચ્ચે બોલાચાલી થઈ હતી. રીસ ટોપ્લે અને ટૉમ કરૅનને બે-બે વિકેટ મળી હતી. બન્ને દેશ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન-ડે આવતી કાલે રમાશે.

બેન સ્ટોક્સે બીજી વાર બૉલ પર થૂંક લગાડ્યું

ભારત સામેની ગઈ કાલની મૅચમાં ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ભૂલથી બૉલ પર થૂંક લગાડી દીધું હતું જેના લીધે તેને ઑન-ફીલ્ડ અમ્પાયરે વૉર્નિંગ આપી હતી. આ ઘટના ભારતની બૅટિંગ દરમ્યાન ચોથી ઓવરમાં બની હતી. ત્યાર બાદ ઑન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનન અને વીરેન્દર શર્માએ કૅપ્ટન જોસ બટલરને ચેતવ્યો હતો. કોરોનાને લીધે આઇસીસીએ બૉલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. બૉલ થૂંકવાળો થયા બાદ એને સૅનિટાઇઝ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટના ગયા મહિને બેન સ્ટોક્સ દ્વારા જ અમદાવાદમાં રમાયેલી પિન્ક બૉલ ટેસ્ટ દરમ્યાન બની હતી.

20

ગઈ કાલે ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ભારત સામે બીજી વન-ડેમાં કુલ આટલી સિક્સર ફટકારી હતી. આ પહેલાં સાઉથ આફ્રિકાએ મુંબઈમાં ૨૦૧૫માં રમાયેલી મૅચમાં આટલી સિક્સર ફટકારી હતી.

87

ઓવર નંબર ૩૧થી ૩૫ વચ્ચે ગઈ કાલે ઇંગ્લૅન્ડે આટલા રન બનાવ્યા હતા જે ગેમ ચેન્જર સાબિત થયા હતા.

13

જેસન રૉય અને જૉની બેરસ્ટૉએ ગઈ કાલે ૪૭મી ઇનિંગ્સમાં આટલામી વાર ૧૦૦થી વધારે રનની પાર્ટ​નરશિપ કરી હતી.

34

ભારત-ઇંગ્લૅન્ડે ગઈ કાલે કુલ આટલી સિક્સર ફટકારી હતી. આ પહેલાં ૨૦૧૩માં ભારત-ઑસ્ટ્રેલિયા

વચ્ચેની વન-ડેમાં કુલ ૩૮ સિક્સર ફટકારાઈ હતી.

437

રિષભ પંત ગઈ કાલે આટલા દિવસ બાદ ભારતીય ટીમ માટે વન-ડે રમવા મેદાનમાં ઊતર્યો હતો.

10000

વિરાટ કોહલીએ ગઈ કાલે ત્રીજા નંબરે બૅટિંગ કરતાં ૬૬ રન કરીને વન-ડે ક્રિકેટમાં આટલા રન પૂરા કર્યા હતા. આ આંકડો હાંસલ કરનાર તે રિકી પૉન્ટિંગ (૧૨,૬૬૨ રન) બાદ વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.

21

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ગઈ કાલે વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે આટલામી

હાફ સેન્ચુરી ફટકારી હતી. એલન બોર્ડર ૨૪ હાફ સેન્ચુરી સાથે પહેલા ક્રમે છે.

07

વન-ડેની એક ઇનિંગ્સમાં રિષભ પંતે ગઈ કાલે આટલી સિક્સર ફટકારીને યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડ્યો હતો, જેણે વન-ડેની એક ઇનિંગ્સમાં સૌથી વધારે ૬-૬ સિક્સર ફટકારી હતી. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ કોઈ વિકેટકીપર-બૅટ્સમૅને એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર ફટકારી હોવાનો રેકૉર્ડ પણ પંતના નામે નોંધાયો છે. જોકે બેન સ્ટોક્સે ગઈ કાલે સૌથી વધારે ૧૦ સિક્સર ફટકારી હતી.

09

ક્રિકેટના દરેક ફૉર્મેટ મળીને આદિલ રાશિદે વિરાટ કોહલીને ગઈ કાલે કુલ આટલામી વાર આઉટ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડનો ટિમ સાઉધી કોહલીને સૌથી વધારે ૧૦ વાર આઉટ કરી પહેલા ક્રમે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2021 10:01 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK