ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ જસપ્રીત બુમરાહની ભરપેટ પ્રશંસા કરી છે. ૩૮ વર્ષનો આ ક્રિકેટર કહે છે કે: બુમરાહ મારા પર પ્રભુત્વ ધરાવતો હતો.
ઉસ્માન ખ્વાજા
ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ જસપ્રીત બુમરાહની ભરપેટ પ્રશંસા કરી છે. ૩૮ વર્ષનો આ ક્રિકેટર કહે છે કે ‘બુમરાહ મારા પર પ્રભુત્વ ધરાવતો હતો. તેનો સામનો કરવો સરળ નહોતો અને મારે દરેક વખતે નવા બૉલ સાથે તેનો સામનો કરવો પડતો હતો. તેનું ઇન્જર્ડ થવું નિરાશાજનક હતું, પરંતુ ભગવાનનો આભાર, કારણ કે સિડનીની પિચ પર તેનો સામનો કરવો દુઃસ્વપ્ન સમાન હોત. જ્યારે અમે જોયું કે તે મેદાન પર નથી આવી રહ્યો, અમે વિચાર્યું કે અમારી પાસે જીતવાની તક છે. મેં જેટલા પણ બોલરોનો સામનો કર્યો છે એમાંથી બુમરાહનો સામનો કરવો સૌથી મુશ્કેલ હતો. તેની પાસે દરેક બૅટ્સમૅન માટે અલગ-અલગ વ્યૂહરચના હતી. ભગવાનનો આભાર કે મારે ફરીથી તેનો સામનો નહીં કરવો પડ્યો.’
ભારત સામેની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝનો હાઇએસ્ટ રન-સ્કોરર ટ્રૅવિસ હેડ પણ કહે છે કે ‘હું માનું છું કે અમારા ડ્રેસિંગ રૂમમાં હાજર તમામ ૧૫ પ્લેયર્સ બુમરાહ બોલિંગ ન કરવાને કારણે ખૂબ જ ખુશ હતા. તે એક શાનદાર બોલર છે. તેણે આ ટૂરમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું.’
ADVERTISEMENT
સિડનીમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં પીઠના દુખાવાને કારણે ભારતીય બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ કરી શક્યો નહોતો. બુમરાહ સામે છેલ્લી પાંચ ટેસ્ટ-મૅચમાં ઉસ્માન ખ્વાજા ૬ વાર અને ટ્રૅવિસ હેડ ચાર વાર આઉટ થયો છે.