સુપર ઓવરમાં બાજી મારીને સૂર્યકુમાર ઍન્ડ કંપનીએ શ્રીલંકા સામે કરી ક્લીન સ્વીપ: સૂર્યકુમાર યાદવે આ ફૉર્મેટમાં પાંચમી વાર પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો
ગઈ કાલે T20 સિરીઝ જીતી ગયા બાદ ખુશખુશાલ ભારતીય ટીમ
સુપર ઓવરની રોમાંચક જીત સાથે ભારતીય ટીમે ત્રણ મૅચની T20 સિરીઝમાં ૩-૦થી શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરી હતી. ૯ વિકેટ ગુમાવીને ભારતીય ટીમે ૧૩૭ રન કર્યા હતા, જેની સામે શ્રીલંકન ટીમ પણ ૮ વિકેટ ગુમાવીને ૧૩૭ રન બનાવી શકી. મૅચ ટાઇ થતાં સુપર ઓવરમાં ભારતીય ટીમે શ્રીલંકાના બે બૅટર્સને બે રનમાં આઉટ કર્યા હતા. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ સાથે ઊતરેલા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા જ બૉલે ચોગ્ગો ફટકારી ટીમને યાદગાર જીત અપાવી હતી.
ભારત સામેની ત્રીજી T20 મૅચ જીતવા માટે શ્રીલંકાને અંતિમ ૩૦ બૉલમાં ૩૦ રનની જરૂર હતી અને એ વખતે એની એક જ વિકેટ પડી હતી. ભારતની જીતના ચાન્સ માત્ર ૧.૬૦ ટકા જ હતા પણ સતત ત્રીજી મૅચમાં શ્રીલંકાની બૅટિંગ લાઇનઅપ ધરાશાયી થતાં જીત ભારતના પક્ષમાં આવી હતી. ત્રીજી મૅચમાં શ્રીલંકાએ ૪.૨ ઓવરમાં બાવીસ રનની અંદર સાત વિકેટ ગુમાવી હતી. આ પહેલાં પહેલી મૅચમાં ૬ ઓવરમાં ૩૦ રનની અંદર ૯ વિકેટ અને બીજી મૅચમાં પાંચ ઓવરમાં ૩૧ રનની અંદર સાત વિકેટ ગુમાવી હતી.
ADVERTISEMENT
સિરીઝની વિજેતા ટ્રોફી અને પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ
પચીસ રન બનાવીને બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સિરીઝમાં ૯૨ રન બનાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચમી વાર T20 ઇન્ટરનૅશનલમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો. ભારતની શ્રીલંકા સામે આ બાવીસમી જીત હતી. સતત ત્રીજી હાર સાથે શ્રીલંકાની ટીમ T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૧૦૫ મૅચ હારનારી ટીમ બની છે.
સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ હારનારી ટીમ બની શ્રીલંકા |
|
શ્રીલંકા |
૧૦૫ |
બંગલાદેશ |
૧૦૪ |
વેસ્ટ ઇન્ડીઝ |
૧૦૧ |
ન્યુ ઝીલૅન્ડ |
૯૯ |
ઝિમ્બાબ્વે |
૯૯ |

