Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપના બે નિષ્ફળ સેમી ફાઇનલિસ્ટો વચ્ચે આજે ટક્કર

વર્લ્ડ કપના બે નિષ્ફળ સેમી ફાઇનલિસ્ટો વચ્ચે આજે ટક્કર

18 November, 2022 12:48 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે હાર્દિકનો યુગ શરૂ : ભારત તેના સુકાનમાં આયરલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ જીતી ચૂક્યું છે : વરસાદની આગાહી છે, પણ મેઘરાજા કદાચ બહુ પરેશાન નહીં કરે

હાર્દિક પંડ્યા

India vs New Zealand

હાર્દિક પંડ્યા


ટી૨૦ વિશ્વકપને માંડ અઠવાડિયું થયું છે ત્યાં હવે મિની ટી૨૦ ફેસ્ટિવલ આજે શરૂ થઈ રહ્યો છે. ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં આજે ત્રણ ટી૨૦વાળી સિરીઝની પ્રથમ મૅચ રમાશે. બન્ને દેશ વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ હવે ૨૦૨૪ના ટી૨૦ વિશ્વકપ માટેની ટીમ અત્યારથી તૈયાર કરવા પર ધ્યાન આપે છે, પરંતુ આજના મુકાબલાની વાત કરીએ તો આ એવો જંગ છે જે બન્ને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, કારણ એ છે કે ભારત અને ન્યુ ઝીલૅન્ડ બન્નેને તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલની પછડાટ પછી હવે પોતાની ક્ષમતા ફરી પુરવાર કરવાની છે. જોકે બન્ને દેશની નજર આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપ પર પણ રહેશે.બુધવાર, ૯ નવેમ્બરે સિડનીની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડનો પાકિસ્તાન અને ગુરુવાર, ૧૦ નવેમ્બરે ઍડીલેડની સેમી ફાઇનલમાં ભારતની ઇંગ્લૅન્ડ સામે ૧૦ વિકેટના તોતિંગ માર્જિનથી હાર થઈ હતી.

કૅપ્ટન હાર્દિકનું વિનિંગ-સ્ટાર્ટ?



રોહિત શર્માના સુકાનમાં ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં હારી ગઈ અને આખી ટુર્નામેન્ટમાં બૅટર તરીકે રોહિતનો પર્ફોર્મન્સ (૬ મૅચમાં ૧૧૬ રન) પણ નિરાશાજનક રહ્યો એ જોતાં હવે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ભારત માટે હાર્દિક પંડ્યાનો યુગ રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે એમ કહી શકાય. ભારતના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ હાર્દિકને ૨૦૨૪ના વિશ્વકપ સુધી ટી૨૦ ટીમનો કૅપ્ટન નિયુક્ત કરવાની તરફેણમાં છે. જૂન ૨૦૨૨માં ડબ્લિનમાં ભારતે હાર્દિકના સુકાનમાં આયરલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. ત્યાર બાદ અમેરિકામાં ભારતે હાર્દિકના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝને બન્ને ટી૨૦માં હરાવતાં ભારતે એકંદરે એ શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. કૅરિબિયન ધરતી પરની પહેલી ત્રણ મૅચમાં રોહિત કૅપ્ટન હતો.
જોકે આયરલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીને બાદ કરતાં ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ હાર્દિક માટે સૌથી મોટી કસોટી બની રહેશે. કિવી કૅપ્ટન કેન વિલિયમસન સારા ફૉર્મમાં નથી, જ્યારે હાર્દિક ઑલરાઉન્ડ પર્ફોર્મ સાથે ચમકી શકશે અને આઇપીએલનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન-કૅપ્ટન હોવાથી પણ તેનો જુસ્સો બુલંદ હશે.


વર્લ્ડ કપના ૬ પ્લેયર્સ ટીમમાં નથી

વિરાટ કોહલી માટે ટી૨૦ વર્લ્ડ કપ અદ્ભુત કહી શકાય; પરંતુ રોહિત શર્મા, કે. એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મોહમ્મદ શમી અને આર. અશ્વિન આ વિશ્વકપને જરૂર ભૂલવાનો પ્રયાસ કરશે. આ તમામ ૬ ખેલાડીઓ આજે શરૂ થતી ટી૨૦ સિરીઝ માટેની સ્ક્વૉડમાં નથી.


રાહુલ દ્રવિડને આરામ અપાયો છે અને વીવીએસ લક્ષ્મણ ન્યુ ઝીલૅન્ડમાં ભારતીય ટીમનો હેડ-કોચ છે. લક્ષ્મણે કહ્યું કે ‘ભારતીય ટી૨૦ ક્રિકેટનું ભવિષ્ય સ્પેશ્યલિસ્ટ પ્લેયર્સ અને આક્રમક અભિગમમાં સમાયેલું છે.’

પિચ અને હવામાન કેવાં છે?

આજે વેલિંગ્ટનમાં વરસાદની આગાહી છે. વેલિંગ્ટનની પિચ હાઈ-સ્કોરિંગ છે, પણ આ મેદાન પર ૨૦ મહિનાથી એકેય મૅચ નથી રમાઈ.

ટી૨૦ ટીમ માટે નવો રેગ્યુલર કૅપ્ટન શોધી રહ્યા હોય તો એમાં કાંઈ ખોટું નથી અને એ નવો કૅપ્ટન જો હાર્દિક પંડ્યા હોય તો બહુ સારું. રોહિત પરનો બોજ હળવો કરવા સ્પ્લિટ કૅપ્ટન્સીનો અપ્રોચ અપનાવવાની જરૂર છે. : રવિ શાસ્ત્રી

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારત : હાર્દિક (કૅપ્ટન), કિશન, ગિલ, ઐયર/સૅમસન/હૂડા, સૂર્યકુમાર, પંત (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક/હર્ષલ, ભુવનેશ્વર, અર્શદીપ, ચહલ.

ન્યુ ઝીલૅન્ડ : કેન વિલિયમસન (કૅપ્ટન), ફિન ઍલન, કૉન્વે (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, નીશામ, સૅન્ટનર, સાઉધી, સોઢી, મિલ્ન, ફર્ગ્યુસન.

છેલ્લે ભારત ૫-૦થી જીતેલું : ઓપનિંગમાં કિશન, ગિલ, પંતમાંથી કોણ?

ન્યુ ઝીલૅન્ડમાં છેલ્લે ભારતે કિવી ટીમને ટી૨૦ સિરીઝમાં ૫-૦થી હરાવી હતી. એમાં રોહિત શર્મા અને ટિમ સાઉધી હરીફ સુકાની હતા અને કે. એલ. રાહુલ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. આ વખતની ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ છે. એમાંથી ઓપનિંગમાં ખાસ કરીને ત્રણ વિકલ્પો છે : ઈશાન કિશન, શુભમન ગિલ અને રિષભ પંત. આ ત્રણમાંથી કોઈ બેને રમાડ્યા બાદ ત્રીજા નંબર માટે દીપક હૂડા, શ્રેયસ ઐયર અને સંજુ સૅમસન દાવેદાર છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 12:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK