° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


ઉમરાન મલિકની પેસ પર મને પૂરો ભરોસો હતો : કૅપ્ટન હાર્દિક પંડયા

30 June, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત સિરીઝ જીત્યું, પણ આઇરિશો દિલ જીત્યા

કૅપ્ટન હાર્દિક પંડયા અને ઉમરાન મલિક IND vs IRE

કૅપ્ટન હાર્દિક પંડયા અને ઉમરાન મલિક

મંગળવારે ડબ્લિનમાં ભારતે બીજી અને આખરી ટી૨૦માં આયરલૅન્ડને અત્યંત રોમાંચક સ્થિતિમાં ૪ રને હરાવ્યું ત્યાર પછી કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિકની ખૂબ પ્રશંસા કરી હતી. ભારતે દીપક હૂડા (૧૦૪ રન, ૫૭ બૉલ, છ સિક્સર, નવ ફોર) અને ઓપનર સંજુ સૅમસન (૭૭ રન, ૪૨ બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની બહુમૂલ્ય ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૨૫ રન બનાવ્યા ત્યાર બાદ આયરલૅન્ડની ટીમ ૨૨૬ના લક્ષ્યાંક સામે છેક સુધી લડત આપ્યા બાદ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૧ રન બનતાં ૪ રનથી હારી ગઈ હતી. પીઢ ઓપનર પૉલ સ્ટર્લિંગ (૪૦ રન, ૧૮ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), કૅપ્ટન ઍન્ડી બૉલબર્ની (૬૦ રન, ૩૭ બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર), હૅરી ટેક્ટર (૩૯ રન, ૨૮ બૉલ, પાંચ ફોર), જ્યોર્જ ડૉકરેલ (૩૪ અણનમ, ૧૬ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને માર્ક ઍડેઇર (૨૩ અણનમ, ૧૨ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નાં યાદગાર યોગદાનો છતાં આયરલૅન્ડ હારી ગયું હતું. ખાસ કરીને બૉલબર્ની અને ટેક્ટરે ભારતીયોના જીવ અદ્ધર કરી દીધા હતા.

છેલ્લી ઓવરમાં યજમાને ૧૭ રન બનાવવાના હતા. બે ફોર જવા છતાં ઉમરાન મલિકે (૪-૦-૪૨-૧) પેસના પાવરથી તેમને પૂરા રન નહોતા બનાવવા દીધા. પાંચ બૉલમાં ૧૧ રન બન્યા હતા અને આખરી બૉલમાં સિક્સર જ આયરલૅન્ડને વિજય અપાવી શકે એમ હતું, પરંતુ એમાં ફક્ત એક રન બન્યો હતો. ભુવી, હર્ષલ અને બિશ્નોઈને પણ એક-એક વિકેટ મળી હતી. કૅપ્ટન હાર્દિકે મૅચ પછી કહ્યું, ‘મને છેલ્લી ઓવર વિશે કોઈ ચિંતા નહોતી. ઉમરાનની બોલિંગમાં જે ગજબની પેસ હતી એટલે મને પૂરો ભરોસો હતો કે આયરલૅન્ડ નહીં જ જીતે. તેની પેસમાં બૅટર્સને શૉટ મારવાનું મુશ્કેલ બની જતું હોય છે. જોકે આઇરિશોને દાદ દેવી પડે.’

ભારતના ઉપરાઉપરી ત્રણ બૅટરના ગોલ્ડન ડક : અનોખો વિક્રમ

મંગળવારે આયરલૅન્ડ સામેની મૅચમાં ભારતે ૭ વિકેટે ૨૨૫ રનનો તોતિંગ સ્કોર બનાવ્યા પછી મહામહેનતે વિજય જરૂર મેળવ્યો, પરંતુ ભારતની ઇનિંગ્સમાં એક તબક્કે (ઓવર ૧૬.૨ વખતે) જ્યારે સ્કોર માત્ર એક વિકેટે ૧૮૯ રન હતો ત્યાં સુધી સ્થિતિ એટલી બધી સારી હતી કે ભારત ૨૬૦ રનનો પોતાનો રેકૉર્ડ તોડશે એવું લાગતું હતું, પરંતુ ઉપરાઉપરી વિકેટો પડતાં એ સંભવ નહોતું. ૧૮૯ના સ્કોર પર સૅમસનની, ૨૦૬ રને સૂર્યકુમારની, ૨૧૨ રને દીપક હૂડાની વિકેટ પડ્યા પછી તો હદ થઈ ગઈ હતી. ૨૧૭ રને કાર્તિક (૦), ૨૧૭મા રને અક્ષર (૦) અને ૨૨૪મા રને હર્ષલ (૦) આઉટ થયો હતો. આ ત્રણેય બૅટર પોતાના પહેલા બૉલ પર (ગોલ્ડન ડક) આઉટ થઈ ગયા હતા. ત્રણમાંથી બેની વિકેટ ક્રેગ યંગે અને એક વિકેટ માર્ક ઍડેઇરે લીધી હતી. એક ટી૨૦ ઇનિંગ્સમાં લાગલગાટ ત્રણ બૅટરના ગોલ્ડન ડકના રેકૉર્ડને બાજુ પર રાખીએ તો પછીથી આયરલૅન્ડની ટીમ છેલ્લા બૉલે હારી ગઈ હતી.

બન્ને અવૉર્ડ સેન્ચુરિયન દીપક હૂડાને અપાયા

આયરલૅન્ડ સામેની પ્રથમ મૅચમાં અણનમ ૪૭ રન અને બીજી મૅચમાં ૧૦૪ રન બનાવનાર દીપક હૂડાને મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. હવે ભારતની આગામી ટી૨૦ મૅચમાં હૂડાને રમવા મળશે એમાં કોઈ શક નથી.

30 June, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK