Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના પરાજયની નામોશીનો વિક્રમ, પાકિસ્તાનનું અભૂતપૂર્વ સ્ટાર્ટ ટુ ફિનિશ

ભારતના પરાજયની નામોશીનો વિક્રમ, પાકિસ્તાનનું અભૂતપૂર્વ સ્ટાર્ટ ટુ ફિનિશ

25 October, 2021 09:05 AM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટી૨૦માં ઇન્ડિયાને પહેલી વાર કોઈએ ૧૦ વિકેટે હરાવ્યું : બાબર ઍન્ડ કંપનીની ઐતિહાસિક જીત

દુબઈમાં ગઈ કાલે જીત્યા પછી બાબર આઝમ (વચ્ચે) અને મોહંમદ રિઝવાન (તસવીર : એ.એફ.પી.)

દુબઈમાં ગઈ કાલે જીત્યા પછી બાબર આઝમ (વચ્ચે) અને મોહંમદ રિઝવાન (તસવીર : એ.એફ.પી.)


ભારતે ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં ૧૯૯૨થી માંડીને ૨૦૧૯ સુધીનાં ૨૭ વર્ષમાં તમામ ૧૨ મુકાબલામાં પાકિસ્તાનને પરાજિત કરીને એનું વારંવાર નાક કાપ્યું હતું, પરંતુ ગઈ કાલે ભારત એ જીતની ઐતિહાસિક પરંપરાને જાળવી નહોતું શક્યું અને ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સુપર-12ના પહેલા જ મુકાબલામાં ૧૦ વિકેટે હારી ગયું હતું. ભારત ગઈ કાલે પાકિસ્તાનને ૧૩મી લપડાક ન લગાવી શક્યું, પણ પાકિસ્તાને ૧૩ રન બૉલ બાકી રાખીને ભારતને જડબાતોડ જવાબ આપી દીધો.

ત્રણ વિકેટ લેનાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.



બૅટિંગમાં હાર્દિકને જમણા ખભા પર બૉલ વાગ્યો હતો. તે સ્કૅન માટે ગયો હતો.


બન્ને દેશ વચ્ચે આ ૨૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી જે જીતીને પાકિસ્તાને ઇતિહાસમાં નામ લખાવી લીધું. કૅપ્ટન બાબર આઝમ (૬૮ અણનમ, બાવન બૉલ, બે સિક્સર, ૬ ફોર) અને વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન (૭૯ અણનમ, પંચાવન બૉલ, ત્રણ સિક્સર, ૬ ફોર)ની ઓપનિંગ જોડીએ પોતાની ટીમને ૧૭.૫ ઓવરમાં ૧૫૨ રનનો ટાર્ગેટ અપાવી દીધો હતો.

ટી૨૦માં પહેલી વાર ભારતની ૧૦ વિકેટે હાર


ભારત ટી૨૦માં પહેલી વાર ૧૦ વિકેટના માર્જિનથી હારી ગયું છે. ભારતના સાવ સાધારણ સ્કોર (૧૫૧/૭)નો ટાર્ગેટ બાબર આઝમ ઍન્ડ કંપનીએ આસાનીથી મેળવી લીધો હતો. કંઈકેટલાંય ભારતીય ઘરોમાં, દુકાનોમાં અને ઑફિસોમાં ક્રિકેટની ચૅનલ બદલાવી નાખવા મજબૂર કરે તેમ જ મોટી સ્ક્રીન પર મૅચ માણવા ભેગા થયેલા લોકોને નિરાશ કરે એવી ભારતની નિસ્તેજ બોલિંગ હતી જેનો ફાયદો પાકિસ્તાનના ઓપનરો બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ઉઠાવ્યો હતો. બન્ને જણ બહુ સારી વ્યૂહરચનાથી, પ્લાનિંગથી, તાલમેલથી, સમજદારીથી અને હિંમતથી રમ્યા હતા અને ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમણે ૧૩મી વાર પોતાની સામે ભારતને સફળ ન જ થવા દીધું. ૨૭ વર્ષમાં ભારતને વર્લ્ડ કપમાં હરાવવાનું કામ કોઈ પાકિસ્તાની કૅપ્ટન ન કરી શક્યો, પણ એ કામ ૯ દિવસ પહેલાં ૨૭મો બર્થ-ડે ઊજવનાર લાહોરના બાબર આઝમે કરી દેખાડ્યું. ક્રિકેટરો કામરાન-બંધુઓના કઝિન બાબર આઝમની કૅપ્ટન્સી ટી૨૦ વર્લ્ડ કપના અંત સાથે આ ફૉર્મેટની કૅપ્ટન્સી છોડી રહેલા વિરાટ કોહલી કરતાં ચડિયાતી સાબિત થઈ હતી. મેન્ટર ધોનીએ આ નવી જવાબદારી સાથેની પ્રથમ મૅચમાં નિષ્ફળતા જોવી પડી છે.

વર્ષોથી કહેવાય છે કે ભારત વર્લ્ડ કપની ટ્રોફી ન જીતે તો કંઈ નહીં, પણ પાકિસ્તાન સામે જીતે એટલે બધું મળી ગયું કહેવાય, પણ ગઈ કાલે પાકિસ્તાન સામેની લાગલગાટ ૧૨ વાર વર્લ્ડ કપમાં જીતવાની એ પરંપરા તૂટી હતી.

ભારતનો શરૂઆતમાં જ ધબડકો

ભારતે બૅટિંગ મળ્યા પછી સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી અને પછી ધબડકો જોયો હતો. રોહિત (૦, એલબીડબ્લ્યુ) અને રાહુલ (૩, ક્લીન બોલ્ડ)ની ઓપનિંગ જોડીએ શાહીન શાહ આફ્રિદી સામે ખાસ ચેતવાનું હતું અને તેણે જ એ બન્નેની વિકેટ લીધી હતી. જોકે રાહુલની વિકેટવાળો નો-બૉલ હોવાની ખૂબ ચર્ચા હતી. સૂર્યકુમારે (૧૧, કૅચઆઉટ) છઠ્ઠી ઓવર સુધી કોહલીને સાથ આપ્યો હતો અને હસન અલીની એ ઓવરમાં ૩૧ રનના કુલ સ્કોર પર સૂર્યકુમાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવા જતાં વિકેટકીપર મોહમ્મદ રિઝવાનને ડાઇવિંગ કૅચ આપી બેઠો હતો.

કોહલીની ૫૭ રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ

ત્યાર બાદ (નૉકઆઉટના રાઉન્ડથી બોલિંગ શરૂ કરવાની જાહેરાત કરી ચૂકેલા) હાર્દિક પંડ્યાએ તમામ બોલરોનો હિંમત અને સમજદારીપૂર્વક સામનો કરનાર કોહલીને સાથ આપ્યો હતો, પરંતુ ખુદ કોહલી (૫૭ રન, ૪૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) ૧૯મી ઓવરમાં ૫૭ રનના પોતાના સ્કોરમાં શાહીન આફ્રિદીને ત્રીજી વિકેટ આપી બેઠો હતો અને ૨૦મી ઓવરમાં હાર્દિકે માત્ર ૧૧ રન બનાવીને વિદાય લીધી હતી. ભુવનેશ્વર પાંચ રને અણનમ રહ્યો હતો અને ભારતની ઇનિંગ્સ ૭ વિકેટે બનેલા ૧૫૧ રનના સ્કોર સાથે પૂરી થઈ હતી. આફ્રિદીની ત્રણ ઉપરાંત હસન અલીએ બે અને હૅરિસ તથા શાદાબે એક-એક વિકેટ લીધી હતી. ઇમાદ-હફીઝને વિકેટ નહોતી મળી.

ભારતની હારનાં આ રહ્યાં ૧૦ કારણો

૧. ટૉસ બાબર આઝમ જીત્યો એટલે પાકિસ્તાનને અડધી જીત ત્યાં જ મળી ગઈ હતી અને ચેઝ-માસ્ટર ટીમ ઇન્ડિયાએ પહેલાં બૅટિંગ કરવી પડી હતી.

૨. ભારતીય ટીમ વધુપડતી ડિફેન્સિવ હતી, જ્યારે પાકિસ્તાનના ખેલાડીઓ ઝનૂન અને આક્રમક મૂડમાં રમીને જીતી ગયા.

૩. ભારતનું ઓપનિંગ તદ્દન ખરાબ હતું. ૬ રનમાં બે વિકેટ અને ૩૧ રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી. પાકિસ્તાનનું ઓપનિંગ જોરદાર અને જડબેસલાક તેમ જ સ્ટાર્ટ ટુ ફિનિશ હતું.

૪. પહેલી ૬ ઓવરના પાવરપ્લેમાં ભારતે ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે પાકિસ્તાને વિનાવિકેટે ૪૩ રન બનાવ્યા હતા.

૫. વિરાટ કોહલીને કોઈનો પણ લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો. ભારતનો મિડલ-ઑર્ડર નબળો સાબિત થયો હતો.

૬. ભારતનો વન-ડે જગતની ત્રીજી રૅન્કનો રોહિત શર્મા ઝીરોમાં આઉટ થયો, જ્યારે પાકિસ્તાન પાસે વન-ડે બૅટિંગની પ્રથમ રૅન્કનો અને ટી૨૦નો બીજી રૅન્કનો બાબર આઝમ હતો.

૭. ભારતે પહેલી ૧૦ ઓવરમાં ૬૦ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી, જ્યારે પાકિસ્તાને વિનાવિકેટે ૭૧ રન બનાવ્યા હતા.

૮. ભારતના સ્પિનરો (જાડેજા, વરુણ) સારી શરૂઆત પછી ધાર્યા એટલા સફળ ન રહ્યા. સરખામણીમાં પાક સ્પિનરો (શાદાબ ખાન, હફીઝ) પ્રમાણમાં સફળ રહ્યા હતા.

૯. પાકિસ્તાનની બોલિંગ ધારદાર તથા અસરકારક હતી અને તેમણે ભારતીયોને વારંવાર બીટ કર્યા હતા, જ્યારે ભારતની બોલિંગ દિશાહીન હતી જેમાં ભાગ્યે જ પાક બૅટર્સ બીટ થયા હતા.

૧૦. ભારતને છઠ્ઠા બોલરની ગેરહાજરી વર્તાઈ હતી. જો હાર્દિક પંડ્યાને બદલે શાર્દુલ ઠાકુરને લેવામાં આવ્યો હોત તો મૅચનું પરિણામ કદાચ જુદું હોત. પાકિસ્તાને ૬ બોલરનો ઉપયોગ કરીને ભારતને ૧૫૧/૭ સુધી સીમિત રાખ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 09:05 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK