Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ-ડે કપની શાનદાર ૧૪મી સીઝનનો પટેલ ટીમોના પાવરફુલ પર્ફોર્મન્સ સાથે જાનદાર પ્રારંભ

મિડ-ડે કપની શાનદાર ૧૪મી સીઝનનો પટેલ ટીમોના પાવરફુલ પર્ફોર્મન્સ સાથે જાનદાર પ્રારંભ

27 November, 2021 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ચાર વર્ષની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમે દમદાર જીત મેળવી, પણ કચ્છ-વાગડ લેઉવા પાટીદાર એવી કમાલ ન કરી શકી. કચ્છી લોહાણા અને ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમે પણ જીત સાથે કરી શુભ શરૂઆત

મિડ-ડે કપની શાનદાર ૧૪મી સીઝનનો પટેલ ટીમોના પાવરફુલ પર્ફોર્મન્સ સાથે જાનદાર પ્રારંભ

મિડ-ડે કપની શાનદાર ૧૪મી સીઝનનો પટેલ ટીમોના પાવરફુલ પર્ફોર્મન્સ સાથે જાનદાર પ્રારંભ


કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ સ્પર્ધા ‘મિડ-ડે TEN10ની ૧૪મી સીઝન’નો ઉત્સાહભેર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ થયો હતો. આ વખતે આ સ્પર્ધામાં કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. ‘મિડ-ડે કપ’ની ટ્રોફીનું અનાવરણ નૉર્થ મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી તેમ જ ફિલ્મી હિરોઇન નિકિતા રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું; જેને ત્યાં હાજર ખેલાડીઓ, ક્રિકેટપ્રેમીઓ, સ્પૉન્સર્સે તાળીના ગડગડાટથી વધાવી લીધું હતું. 
આ પ્રસંગે ગોપાલ શેટ્ટીએ છેલ્લાં ૧૪ વર્ષથી ‘મિડ-ડે’ દ્વારા સતત કરવામાં આવતા આ આયોજનને વખાણતાં કહ્યું હતું કે ‘મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે આ એક વર્લ્ડ કપ સમાન ટુર્નામેન્ટ છે તેમ જ યુવાનોને અહીં પોતાની પ્રતિભા દેખાડવાનું પ્લૅટફૉર્મ મળે છે. વળી મને પણ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાની તક મળી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું.’ 
હાજર મહેમાનોએ હવામાં બલૂન છોડીને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકેલી જાહેર કરી હતી. ઉદ્ઘાટન સમારોહનું સંચાલન જાણીતા સ્ટેજ-જૉકી મનીષ શાહે તેમની આગવી સ્ટાઇલમાં કર્યું હતું. ગઈ કાલે લીગ રાઉન્ડમાં પ્રથમ દિવસે કુલ ચાર લીગ મૅચો રમાઈ હતી.   
મૅચ-૧
મિડ-ડે કપ ૨૦૨૧ની પ્રથમ લીગ મૅચ છેલ્લી ચાર સીઝનની ચૅમ્પિયન રહેલી ટીમ કચ્છી કડવા પાટીદાર અને પરજિયા સોની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મૅચ સાવ વનસાઇડેડ રહી હતી. ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લઈને મૅચ જીતવાના ટ્રેન્ડને અનુસરતા કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલી જ ઓવરમાં કચ્છી કડવા પાટીદારના બોલર વેદાંશ ધોળુએ પરજિયા સોનીના ઓપનર યશ ધાનકને ઝીરો પર કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યાર બાદ અલ્પેશ રામજિયાણીએ ચોથી ઓવરમાં બીજા ઓપનર વિક્કી ધાકણ (૮ રન)ને અને ત્યાર બાદ કેતન ધાકણને ઝીરો પર બોલ્ડ કર્યો હતો. આમ ૨૨ રનમાં તેમણે ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ભાવિક ભગતની પાંચમી ઓવરના બીજા બૉલે દેવેન સતીકુંવર રનઆઉટ થયો હતો. ત્યાર બાદ ભાવિક ભગતે દેવાંગ સાગરને પણ એલબીડબ્લ્યુ કર્યો હતો. પાવરઓવરમાં બે વિકેટ પડવાથી નિયમ મુજબ ટીમના ૨૦ રન કપાઈ ગયા હતા. પાવરઓવરના ડબલ ઝટકા બાદ પરજિયા સોની ૧૦ ઓવરના અંતે માત્ર ૪૫ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.  
જવાબમાં કચ્છી કડવા પાટીદારના ઓપનર ભાવિક ભગતે ૭ અને વેદાશ ધો‍ળુએ ૧૩ રન બનાવ્યા હતા, તો ઑલરાઉન્ડર અલ્પેશ રામજિયાણી (નૉટઆઉટ ૧૪) અને વિવેક સાંખલા (નૉટઆઉટ ૭ રન)ની મદદથી માત્ર ૭ ઓવરમાં જ વિજયના લક્ષ્યાંકને આંબ્યો હતો. ૩ વિકેટ અને ૧૪ રન કરનાર અલ્પેશ રામજિયાણીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
મૅચ-૨
ભલે નવેમ્બર મહિનો ચાલતો હોય, પણ ગરમીનું જાણે આગમન થઈ ગયું હોય એવા માહોલ વચ્ચે ગ્રુપ-સી અને ડીની ટીમ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ અને કચ્છ વાગડ લેઉવા પટેલ વચ્ચે સ્પર્ધાની બીજી મૅચનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીએ ટૉસ જીતીને જરાય ખચકાટ વગર પહેલાં બૅટિંગ લેવાનું પસંદ કર્યું હતું. સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ત્યાર બાદ આક્રમક શરૂઆત કરતાં પહેલી ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા, પણ બીજી ઓવરમાં ઓપનર મહેશ હીરપરા ક્લીન-બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ શૈલેશ માણિયા (૨૮ રન) સાથે હિતેશે ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. આકાશ ચામરિયાએ જ શૈલેશની વિકેટ ઝડપી હતી. જોકે બીજે છેડે હિતેશ ભાયાણીએ આક્રમકતા જાળવી રાખી હતી અને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૧૧૮ રન સુધી પહોંચાડી દીધો હતો. સીઝનની પહેલી હાફ સેન્ચુરી હિતેશ ભાયાણીના નામે રહી હતી. હિતેશ ભાયાણીએ છેલ્લા બૉલમાં રનઆઉટ થતાં પહેલાં ૩૧ બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે ૬૪ રન બનાવ્યા હતા. 
૧૧૯ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટ સામે કચ્છ વાગડ લેઉવા પટેલે ચાર ઓવરમાં એક વિકેટે માત્ર ૧૮ રન બનાવીને ખૂબ ધીમી શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલની વેધક બોલિંગ અને ફીલ્ડિંગ સામે તેઓ ૧૦ ઓવરમાં બે વિકેટે માત્ર ૭૪ રન કરી શક્યા હતા. આમ ૪૪ રનથી મૅચ ગુમાવી હતી. તેમના ઓપનર વીરેન દુબરિયાએ ૩૦ બૉલમાં નૉટઆઉટ ૩૫ રન કર્યા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીને તેમની શાનદાર હાફ સેન્ચુરી બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
મૅચ-૩
ગ્રુપ-બીની ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી મૅચમાં ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લેવાનો નિર્ણય વાગડ વીસા ઓસવાળ જૈન માટે ખોટનો સોદો સાબિત થયો હતો. કચ્છી લોહાણાએ બે વિકેટે ૯૩ રન ફટકાર્યા હતા. પલક સાવલાએ બીજી ઓવરમાં ઓપનર જયેશ ઠક્કર (૧૦ રન)ની વિકેટ લીધી હતી, પરંતુ વનડાઉન આવેલા અવધ ઠક્કર અને કપિલ સોતા (૧૨ રન) વચ્ચે ૩૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. પલક સાવલાએ પાવરઓવરમાં કપિલ સોતાને બોલ્ડ કર્યો હતો, જેને કારણે ટીમના ૧૦ રન કપાઈ ગયા હતા. જોકે એમ છતાં હરેશ ગણાત્રા (૧૮ નૉટઆઉટ રન) સાથે મળીને અ‍વધ ઠક્કરે (નૉટઆઉટ ૫૦) સ્કોરને ૯૩ રન સુધી પહોંચાડ્યો હતો. અ‍વધે ૨૯ બૉલમાં ૭ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૫૦ રન કર્યા હતા. 
જવાબમાં વાગડ વીસા ઓસવાળ જૈનને બન્ને ઓપનર ધર્મેશ છેડા અને કૅપ્ટન હર્શુલ નંદુ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ જતાં ઝટકો લાગ્યો હતો. જિમિત ભિંડેએ ત્રીજી ઓવરમાં સતત બે બૉલમાં વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, પણ તે હૅટ-ટ્રિકની કમાલ નહોતો કરી શક્યો. પાવરઓવરમાં બોલર સિદ્ધાર્થ કોટક ઇન્જર્ડ થતાં કૅપ્ટન અવધ ઠક્કરે પોતે ઓવર પૂરી હતી અને વાગડ વીસા ઓસવાલ જૈનને બે ઝટકા આપીને માઇનસ ૨૦ રન કરાવીને મૅચ પર પકડ મજબૂત કરી લીધી હતી. અવધ ઠક્કરે ત્યાર બાદ રોનક ગાલાની પણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. પાવરઓવરના બે ઝટકા વાગડ વીસા ઓસવાળને ભારે પડ્યા હતા અને તેઓ ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૬૪ રન જ બનાવી શક્યા હતા અને ૨૯ રનથી હાર જોવી પડી હતી. એકમાત્ર ચિરાગ નિસર ૨૦ બૉલમાં ૨૭ રન સાથે થોડો પ્રતિકાર કરવામાં સફળ થયો હતો. હાફ સેન્ચુરી અને ત્રણ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કચ્છી લોહાણાના કૅપ્ટન અવધ ઠક્કરને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.  
મૅચ-૪
લુહાર સુતાર અને ભટ્ટ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ વચ્ચેની ગ્રુપ-ઈની દિવસની ચોથી અને છેલ્લી મૅચ રસપ્રદ રહી હતી. લુહાર સુતારના કૅપ્ટન વિરલ ડોડિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને પહેલી જ ઓવરમાં ૨૬ રન ફટકારતાં એ  નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો, પણ ત્રીજી ઓવરમાં ઓપનર રૂપેશ પીઠવાની વિકેટ પડ્યા બાદ તેઓ ઝાઝી કમાલ નહોતા કરી શક્યા અને ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૭ રન જ બનાવી શક્યા હતા. પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવતાં તેમને ૧૦ રનનો ઝટકો લાગ્યો હતો. ઓપનર નીરવ પરમારે સૌથી વધુ ૨૭ રન બનાવ્યા હતા. લુહાર સુતારની રનગતિને બ્રેક મારવાનું કામ ભટ્ટ મેવાડા બ્રાહ્મણના ઑલરાઉન્ડર મહિમ્સ વ્યાસે કર્યું હતું. તેણે બે ઓવરમાં માત્ર ૩ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ૭૮ રનના ટાર્ગેટ સામે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમે પહેલી જ ઓવરમાં ઓપનર અજય જોષી (૧)ને ગુમાવી દીધો હતો. ત્યાર બાદ ઓપનર મહિમ્ન વ્યાસે અણનમ ૧૮ રન સાથે એક છેડો સાચવી રાખતાં અને તેને બીજા છેડે હિરેન જોષી (૨૧) અને મયૂર જોષી (અણનમ ૧૬)નો સાથ મળતાં તેણે આખરે છેલ્લી ઓવરના ચોથા બૉલમાં જીત મેળવી લીધી હતી. ૩ રનમાં બે વિકેટે અને અણનમ ૧૮ રન બદલ મહિમ્ન વ્યાસ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 

મૅચ-શેડ્યુલ
આજની મૅચ
સવારે ૯.૦૦
કપોળ v/s કચ્છી વીસા ઓસવાળ જૈન
સવારે ૧૧.૦૦
મેમણ v/s ગુર્જર ક્ષત્રિય કડિયા
બપોરે ૧.૦૦ 
ઘોઘારી લોહાણા v/s નવગામ વીસા નાગર વણિક
બપોરે ૩.૦૦ 
માહ્યાવંશી v/s રોહિદાસ 
વંશી વઢિયારા
આવતી કાલની મૅચ
સવારે ૯.૦૦
કપોળ v/s ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
સવારે ૧૧.૦૦
ચરોતર રૂખી v/s મેઘવાળ
બપોરે ૧.૦૦ 
મેમણ v/s પરજિયા સોની
બપોરે ૩.૦૦ 
કચ્છી લોહાણા v/s ઘોઘારી લોહાણા


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2021 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK