° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


સુપરડુપર ટેસ્ટ મુકાબલાને માત્ર બે દિવસ બાકી

16 June, 2021 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારથી ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ : ઇન્ડિયાને ટી૨૦ની જેમ ટેસ્ટમાં પણ સૌપ્રથમ વિશ્વવિજેતા બનવાનો સુવર્ણ મોકો

સધમ્પ્ટનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપની જબરદસ્ત જોશમાં છે. કિંગ કોહલીના મતે તેની ફાસ્ટ બોલિંગ બ્રિગેડ બહુ સારા ફૉર્મમાં છે અને દરરોજ પ્રૅક્ટિસમાં નવા-નવા ચમત્કાર કરી રહી છે.

સધમ્પ્ટનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપની જબરદસ્ત જોશમાં છે. કિંગ કોહલીના મતે તેની ફાસ્ટ બોલિંગ બ્રિગેડ બહુ સારા ફૉર્મમાં છે અને દરરોજ પ્રૅક્ટિસમાં નવા-નવા ચમત્કાર કરી રહી છે.

ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે શુક્રવાર ૧૮ જૂને ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ ઐતિહાસિક ટેસ્ટ તો ખરી જ, પરંતુ ૨૧મી સદીની સૌથી વધુ રસાકસીવાળી અને સૌથી યાદગાર ટેસ્ટ બની શકે છે. જે ટીમ જીતશે એ ડબ્લ્યુટીસીની સૌપ્રથમ ચૅમ્પિયન ટીમ કહેવાશે. વન-ડેમાં સૌપ્રથમ વિશ્વવિજેતાનું ગૌરવ વેસ્ટ ઇન્ડીઝને મળ્યું છે, જ્યારે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપની સૌપ્રથમ ફાઇનલ ભારત જીત્યું હતું અને એ રીતે ભારતને હવે ટેસ્ટમાં પણ સૌથી પહેલો વિશ્વવિજેતા દેશ બનવાનો સુવર્ણ મોકો છે.

જોકે કેન વિલિયમસનના નેતૃત્વવાળી ન્યુ ઝીલૅન્ડની ટીમ ઇંગ્લૅન્ડને ટેસ્ટ-શ્રેણીમાં ૧-૦થી મહાત આપીને ડબ્લ્યુટીસીની ફાઇનલ રમવા આવી છે એટલે એના ખેલાડીઓનો જુસ્સો બુલંદ છે. જોકે વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય પ્લેયરોએ ઇંગ્લૅન્ડમાં સઘન પ્રૅક્ટિસ કરી છે અને તેઓ કિવીઓને આંચકો આપવા પૂરેપૂરા સક્ષમ છે. વિલિયમસન કોણીની ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં નહોતો રમ્યો અને ટૉમ લૅથમે કૅપ્ટન્સી સંભાળી હતી. જોકે હવે વિલિયમસન શુક્રવારની ફાઇનલ માટે તૈયાર હોવાનું કોચ ગૅરી સ્ટીડે ગઈ કાલે કહ્યું હતું.

ભારત અને ન્યુ ઝીલૅન્ડ બન્ને ટીમ પોતપોતાની છેલ્લી પાંચ ટેસ્ટમાંથી ચાર ટેસ્ટ જીત્યાં છે.

ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-સુકાની ટિમ પેઇનના મતે ભારત આ ફાઇનલ ટેસ્ટ-ટક્કરમાં વિજેતા બનશે. તેણે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિરાટની ટીમના ખેલાડીઓ જો પોતાના શ્રેષ્ઠ દેખાવની નજીક કહી શકાય એવું પણ પર્ફોર્મ કરશે તો આસાનીથી આ ફાઇનલ જીતી જશે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગનું માનવું છે કે ‘જો વાદળિયું હવામાન હોય તો ભારતે રવિચન્દ્રન અશ્વિનને ડ્રૉપ કરીને સ્પિનર તરીકે માત્ર રવીન્દ્ર જાડેજાને રમાડવો જોઈએ અને પેસ બોલિંગ આક્રમણમાં મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ સિરાજને સમાવવા જોઈએ.’

ડબ્લ્યુટીસી અન્ય વર્લ્ડ કપની જેમ ચાર વર્ષે રાખો : સચિન
ભારતના મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે કહ્યું કે જેમ વન-ડેમાં વર્લ્ડ કપ દર ચાર વર્ષે રમાય છે એમ ટેસ્ટનો વર્લ્ડ કપ ડબ્લ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ) પણ દર ચાર વર્ષે રાખવો જોઈએ. તેણે આઇસીસીને અપીલ કરી હતી કે હવે પછીની ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે વન-ડેના વિશ્વકપની માફક બે-ત્રણ મહિનાનો ખાલી સમયગાળો રાખજો.

વધુ અસરદાર ખેલાડીઓ ભારતને જિતાડશે : ગાવસકર
ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનીલ ગાવસકરે કહ્યું કે ‘ન્યુ ઝીલૅન્ડની સરખામણીમાં ભારતીય ટીમમાં વધુ અસરદાર ખેલાડીઓ છે એટલે ડબ્લ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ)ની ફાઇનલ ભારત જીતશે. બન્ને ટીમ સમતુલિત છે અને કિવીઓને તાજેતરમાં બ્રિટિશરો સામેની સિરીઝ જીત્યાનો ઍડ્વાન્ટેજ છે, પરંતુ ભારતીય ટીમ ટેસ્ટ-મૅચ રમવા ઘણા સમયથી ઉત્સુક હોવાથી પ્રત્યેક ખેલાડી બેસ્ટ પર્ફોર્મ કરશે. ભારતીય બૅટ્સમેનો ઇંગ્લૅન્ડના મેદાન પર સ્વિંગ અને મૂવમેન્ટનો સારી રીતે સામનો કરી શકશે.’

ટેસ્ટની ફાઇનલ માટે ભારતના ૧૫ ખેલાડીઓનું લિસ્ટ જાહેર
શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ગઈ કાલે ૧૫ પ્લેયરોના નામ જાહેર કરાયા હતા જેમાં પેસ સ્કવૉડ માટે બ્રિસ્બેન-ટેસ્ટના હીરો શાર્દુલ ઠાકુરને બદલે ઉમેશ યાદવને પસંદ કરાયો છે. બૅટ્સમેનોમાં મયંક અગરવાલ તથા કે.અેલ. રાહુલને પણ જગ્યા નથી મળી.

સ્પિનરોમાં ઇંગ્લૅન્ડની સિરીઝના હીરો અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની પણ બાદબાકી થઈ છે.
ભારતીય ટીમ ઃ વિરાટ કોહલી (કૅપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કૅપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્ર્વર પુજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર. અિશ્ર્વન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહંમદ શમી, મોહંમદ સિરાજ અને ઉમેશ યાદવ.

સામસામી ટકોર, મજાક-મસ્તી તો થશે જ : ટ્રેન્ટ બોલ્ટ
ન્યુ ઝીલૅન્ડના ટોચના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ગઈ કાલે સધમ્પ્ટનમાં કહ્યું હતું કે તે ડબ્લ્યુટીસીની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સના તેના સાથીખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા સાથે હળવી મજાક-મસ્તી કરી લેવાની તક નહીં ચૂકે. તેણે કહ્યું કે ‘આ ઇન્ટરનૅશનલ મૅચ હશે એટલે એમાં નજીકના મિત્રો જેઓ હરીફ ટીમમાં હશે તેમની વચ્ચે થોડીઘણી ટકોર અને મજાક-મસ્તી તો થવાની જ.’

કિવીઓના ૧૫ ખેલાડીઓમાં મંુબઈમાં જન્મેલો એજાઝ પટેલ સામેલ
શુક્રવારથી સધમ્પ્ટનમાં ભારત સામે શરૂ થનારી ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે ન્યુ ઝીલૅન્ડે જાહેર કરેલા ૧૫ ખેલાડીઓની ટીમમાં સ્પેશ્યલિસ્ટ સ્પિનર તરીકે ૩૨ વર્ષના એજાઝ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિચલ સૅન્ટનરને બદલે પટેલને ટીમમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઑલરાઉન્ડર કૉલિન ડી’ગ્રેન્ડમ, સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅન વિલ યંગ અને બૅક-અપ વિકેટકીપર તરીકે ટૉમ બ્લન્ડેલને પણ સામેલ કરવામાં આવ્યો છે. ડેરિલ મિચલ, ડગ બ્રેસવેલ, જેકબ ડફી અને રચિન રવીન્દ્રને પણ ટીમની બહાર રાખવામાં આવ્યા છે.

એજાઝ પટેલનો જન્મ ૧૯૮૮માં મુંબઈમાં થયો હતો. તે લેફ્ટ-આર્મ સ્પિનર અને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન છે. તેણે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં કુલ ચાર વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને એ પર્ફોર્મન્સના આધારે જ તેને આ ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે ૯ ટેસ્ટમાં કુલ ૨૬ વિકેટ લીધી છે.

ન્યુ ઝીલૅન્ડની ૧૫ પ્લેયરોની ટીમ ઃ કેન વિલિયમસન (કૅપ્ટન), બી. જે. વૉટલિંગ (વિકેટકીપર), ટૉમ બ્લન્ડેલ (બૅક-અપ વિકેટકીપર), ટૉમ લૅથમ, ડેવોન કોન્વે, રૉસ ટેલર, હેન્રી નિકોલસ, વિલ યંગ, કૉલિન ડી’ગ્રેન્ડમ, કાઇલ જૅમિસન, ટિમ સાઉધી, નીલ વૅગ્નર, એજાઝ પટેલ, ટ્રેન્ટ બોલ્ટ અને મૅટ હેન્રી.

ડબ્લ્યુટીસી માટે ‘બેસ્ટ ઑફ થ્રી ફાઇનલ્સ’ની પદ્ધતિ વાસ્તવિક ન કહેવાય ઃ આઇસીસી
આઇસીસીના વચગાળાના સીઈઓ જ્યૉફ ઍલાર્ડાઇસે જણાવ્યું કે દર બે વર્ષ માટે રમાતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)નું ચૅમ્પિયન ‘બેસ્ટ ઑફ થ્રી ફાઇનલ્સ’ને આધારે નક્કી કરવું એ મારી દૃષ્ટિએ વાસ્તવિક પદ્ધતિ ન કહેવાય. ફાઇનલમાં ત્રણ ટેસ્ટ રાખવી એ વિચાર સારો કહેવાય, પરંતુ આવી મોટી ઇવેન્ટમાં એ પદ્ધતિ અપનાવવી વ્યવહારુ ન કહેવાય. એક ફાઇનલ વિજેતા નક્કી કરવા એક આખો મહિનો રોકી રાખવો એ વાસ્તવિક નિર્ણય ન કહેવાય. એટલે જ આપણે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ-ટીમ નક્કી કરવા એક જ ફાઇનલ મૅચ રાખી છે.’
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે શુક્રવાર ૧૮ જૂને સધમ્પ્ટનમાં ડબ્લ્યુટીસીની ફાઇનલ શરૂ થશે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આ મહાસ્પર્ધાનો વિજેતા નક્કી કરવા ત્રણ ટેસ્ટની સિરીઝની જેમ બેસ્ટ ઑફ થ્રી ફાઇનલ્સનો વિચાર વ્યક્ત કર્યો હતો.
દરમ્યાન આઇસીસી ૨૦૨૧-૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટીમોના રૅન્કિંગ માટે પર્સન્ટેજ-ઑફ-પૉઇન્ટ્સ-વૉન મેથડને વળગી રહેશે.

16 June, 2021 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

26 July, 2021 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોરોનાની એન્ટ્રી, બીજી વન-ડે રદ થઈ

સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે

24 July, 2021 02:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મિલરના દમ પર સાઉથ આફ્રિકા જીતી ગયું ટી૨૦ સિરીઝ, આયરલૅન્ડનો ફરી ધબડકો

સાઉથ આફ્રિકાના કૅપ્ટનને આઇસીસીએ કરી સજા

24 July, 2021 02:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK