Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મલાનની સદીને કારણે ઇંગ્લૅન્ડ જીત્યું વન-ડે સિરીઝ

મલાનની સદીને કારણે ઇંગ્લૅન્ડ જીત્યું વન-ડે સિરીઝ

17 September, 2023 02:58 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડને ૧૦૦ રનથી હરાવ્યું, સાઉધીના અંગૂઠામાં ફ્રૅક્ચર, વર્લ્ડ કપમાં નહીં રમી શકે.

શુક્રવારે ઈજાગ્રસ્ત અંગૂઠાની સારવાર લેતો ટિમ સાઉધી

શુક્રવારે ઈજાગ્રસ્ત અંગૂઠાની સારવાર લેતો ટિમ સાઉધી


ઇંગ્લૅન્ડે શુક્રવારે રમાયેલી ચોથી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડને ૧૦૦ રનથી હરાવીને સિરીઝ ૩-૧થી જીતી લીધી હતી. આ મૅચમાં બેન સ્ટોક્સને આરામ આપવામાં આવ્યો હતો, પણ ડેવિડ મલાને આક્રમક બૅટિંગની જવાબદારી સ્વીકારતાં ૧૧૪ બૉલમાં ૧૨૭ રન ફટકારતાં ઇંગ્લૅન્ડે નવ વિકેટે ૩૧૧ રન કર્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડ ૩૮.૨ ઓવરમાં ૨૧૧ રને ઑલઆઉટ થઈ ગયું હતું. આમ ન્યુ ઝીલૅન્ડ સિરીઝની છેલ્લી ત્રણેય મૅચ હારી ગયું હતું. પહેલી મૅચમાં એણે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો.

બન્ને ટીમો પાંચમી ઑક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપની પહેલી મૅચમાં ટકરાશે. ચાર વર્ષ પહેલાં બન્ને ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં સુપર ઓવરમાં ઇંગ્લૅન્ડે વિજય મેળવ્યો હતો. મલાને સેન્ચુરી સાથે ટીમમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. બુધવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં તેણે ૯૬ રન કર્યા હતા. આ મૅચમાં સ્ટોક્સે ૧૮૨ રન ફટકાર્યા હતા. માલને ૨૧ મૅચમાં ૧૦૦૦ રન પૂરા કર્યા છે, જેમાં તેની ઍવરેજ ૬૧.૫૨ની રહી હતી. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. નિયમિત અંતરથી વિકેટ પડી હોવા છતાં ૩૦૦ કરતાં વધુનો સ્કોર કર્યો હતો. જૉસ બટલરે ૩૧ બૉલમાં ૩૬ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડ તરફથી સ્પિનર રચિન રવીન્દ્રએ ૬૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ન્યુ ઝીલૅન્ડના ઓપનર ડેવોન કૉન્વેને (૭) ઇંગ્લૅન્ડના વિકેટકીપર બટલરે રન આઉટ કર્યો હતો. એટલું જ નહીં, વિલ યંગનો (૨૪) શાનદાર કૅચ પણ પકડ્યો હતો. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સની ૧૪મી ઓવરમાં કૅચ લેવાનો પ્રયાસ કરતી વખતે બોલર ટિમ સાઉધીના જમણા અંગૂઠામાં ફ્રૅકચર થયું છે પરિણામે વર્લ્ડ કપમાં તેના રમવાને લઈને શંકા છે.


17 September, 2023 02:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK