પાકિસ્તાને ૮૦ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી

ઇંગ્લૅન્ડના રાઇટ-હૅન્ડ બૅટર જો રૂટે ગઈ કાલે લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. તે ૭૩ રન બનાવીને આઉટ થયો હતો. તેણે ફિફ્ટી પૂરા કર્યા બાદ લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરી હતી. તે પ્રૅક્ટિસમાં ઘણી વાર લેફ્ટી બનીને રમતો હોય છે.
રાવલપિંડીમાં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે ચોથા દિવસે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે હિંમતભર્યો નિર્ણય લઈને બીજો દાવ ૨૬૪/૭ના સ્કોર પર ડિક્લેર્ડ જાહેર કરીને યજમાન પાકિસ્તાનને જીતવા ૩૪૩ રનનો મેળવી શકાય એવો લક્ષ્યાંક આપીને પડકાર ફેંક્યો હતો. રમતને અંતે પાકિસ્તાને ૮૦ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આજે બ્રિટિશ ટીમને ૮ વિકેટની અને પાકિસ્તાનને ૨૬૩ રનની જરૂર છે.
ઇમામ-ઉલ-હક ૪૩ રને અને સાઉદ શકીલ ૨૪ રને દાવમાં હતા. બેન સ્ટોક્સ તથા ઑલી રૉબિન્સને એક-એક વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં ૧૫૩ રન બનાવનાર ઇંગ્લૅન્ડના હૅરી બ્રુકે સેકન્ડ ઇનિંગ્સમાં ૮૭ રને ક્લીન બોલ્ડ થતાં ૧૩ રન માટે મૅચની બીજી સદી ગુમાવી હતી.