Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખેલાડીઓ ક્રિકેટ પ્રત્યેના પ્રેમ માટે રમતા એ દિવસો ગયા : સૅમી

ખેલાડીઓ ક્રિકેટ પ્રત્યેના પ્રેમ માટે રમતા એ દિવસો ગયા : સૅમી

01 November, 2022 11:37 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૈસાની જ બોલબાલા છે, એવું કહીને ડબલ વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટને કટાક્ષમાં કહ્યું, ‘ક્રિકેટ-પ્રેમથી કંઈ સુપરમાર્કેટમાંથી કરિયાણું થોડું ખરીદી શકાય છે!’

ડૅરેન સૅમી

ડૅરેન સૅમી


૨૦૧૨ અને ૨૦૧૬માં કૅરિબિયન ટીમને પોતાની કૅપ્ટન્સીમાં ટી૨૦નો વર્લ્ડ કપ જિતાડીને આ સૌથી ટૂંકા ફૉર્મેટની વિશ્વસ્પર્ધામાં નવો વિક્રમ કરનાર ડૅરેન સૅમીએ ઍડીલેડમાં પી.ટી.આઇ. સાથેની ખાસ મુલાકાતમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતનના મુદ્દે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ‘હાલની અમારી ટીમની કંગાળ સ્થિતિથી મારું હૃદય ઘવાયું છે.’ આ જવાબ આપતી વખતે સૅમીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું, પણ અંદરથી તે કેટલા મોટા આઘાતમાં ડૂબેલો હશે એ પણ સ્પષ્ટ જણાતું હતું. તેણે કટાક્ષ કરતાં કહ્યું કે ‘ખેલાડીઓ ક્રિકેટ પ્રત્યેના માત્ર પ્રેમ માટે રમતા એ દિવસો હવે ગયા. એવા પ્રેમથી કંઈ સુપરમાર્કેટમાંથી ગ્રોસરી થોડી ખરીદી શકાય છે!’

નિકોલસ પૂરનના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્તમાન ટી૨૦ વર્લ્ડ કપના સુપર-12 મુકાબલા પહેલાંના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું. સૅમીના મનમાં ભારે વ્યથા જરૂર હતી, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓને પૂરતી આર્થિક સલામતી નથી પૂરી પાડવામાં આવતી એ વાસ્તવિકતા સહિતની વ્યાવહારિક મુશ્કેલીઓને તેણે નજરઅંદાજ નહોતી કરી. સૅમીનું કહેવું હતું કે ‘જેમ બીસીસીઆઇ પોતાના ખેલાડીઓને આઇપીએલ સિવાય બીજી કોઈ પણ પ્રોફેશનલ લીગમાં ન રમવાનો આદેશ આપી શકે એવું વેસ્ટ ઇન્ડીઝનું બોર્ડ પોતાના પ્લેયર્સ માટે ન કરી શકે. બીસીસીઆઇ આવું કરી શકે, કારણ કે એની પાસે પુષ્કળ પૈસા છે. ભારતનો ‘એ’ કૅટેગરીનો કરારબદ્ધ ખેલાડી મૅચ-ફી અને ટીવી રાઇટ્સની રકમ સહિત વર્ષમાં અંદાજે ૧૦ લાખ ડૉલર (૭ કરોડ રૂપિયા) બનાવી શકે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો ‘એ’ વર્ગનો પ્લેયર વર્ષે માંડ ૧,૫૦,૦૦૦ ડૉલર (૧.૨ કરોડ રૂપિયા) બનાવી શકે. નાના ક્રિકેટ બોર્ડના પ્લેયર્સને વિદેશી લીગ જો દલ્લો આપતી હોય તો તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા સમજાવવાનું આવા નાના બોર્ડ માટે બહુ મુશ્કેલ કામ બની જાય.’



સૅમીના મતે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે આ જટિલ સમસ્યાનો ઉકેલ ન્યુ ઝીલૅન્ડના બોર્ડ પાસેથી શીખવો જોઈએ. તેણે કહ્યું કે ‘આઇપીએલ દરમ્યાન ‘શેડ્યુલમાં કોઈ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટને સામેલ ન કરવાના ન્યુ ઝીલૅન્ડ બોર્ડના પગલા પરથી કૅરિબિયન બોર્ડે શીખવાની જરૂર છે. આખરે બોર્ડ અને ખેલાડીઓએ ભેગા મળીને જ સિસ્ટમને વ્યવસ્થિત બનાવવી પડે છે. ખેલાડી પોતાના બોર્ડ સાથે અને બોર્ડ પોતાના પ્લેયર્સ સાથે જો કરારબદ્ધ હોય તો એમાં બન્ને પક્ષથી કોઈક પ્રકારનો ભોગ પણ આપવો પડે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2022 11:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK