કલકત્તા નાઇટ રાઇડર્સનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ઈજાને લીધે સિડની પાછો ગયોઃ માત્ર પાંચ મૅચમાં 7 વિકેટ લીધી, 63 રન બનાવ્યા અને 4.50 કરોડ રૂપિયા કમાયો

કમિન્સ ઓછું રમીને કરોડો કમાયો
કલકત્તા નાઇટ રાઇડર્સનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર પૅટ કમિન્સ ઈજાને લીધે આઇપીએલની બહાર થઈ ગયો છે અને સ્વદેશ પાછો જવાની તૈયારી કરી રહ્યો છે. તેને કમરમાં અને જમણા કૂલામાં ઈજા થઈ છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેણે બાવીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એ મૅચ પછી તેણે કૂલામાં એમઆરઆઇ કરાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-કૅપ્ટન તેમ જ વન-ડે અને ટી૨૦ ટીમનો મહત્ત્વનો ખેલાડી કમિન્સ કલકત્તા વતી આઇપીએલની વર્તમાન સીઝનમાં પાંચ મૅચ રમ્યો છે. જોકે (આંતરરાષ્ટ્રીય શ્રેણીના કમિટમેન્ટને કારણે શરૂઆતની ત્રણ મૅચને બાદ કરતા) બાકીની મૅચો માટે તે ઉપલબ્ધ હતો. કલકત્તાના ફ્રૅન્ચાઇઝીએ તેને ૭.૨૫ કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ગઈ કાલ સુધી રમાયેલી કલકત્તાની ૧૨ મૅચને ગણતરીમાં લઈએ તો કમિન્સ કુલ ૯ મૅચ માટે ઉપલબ્ધ હતો. તે ૯ મૅચ માટે ઉપલબ્ધ રહીને અંદાજે ૪.૫૦ કરોડ રૂપિયાનો હકદાર છે.
કમિન્સને જે પાંચ મૅચ રમવા મળી એમાં તેણે કુલ ૭ વિકેટ લીધી અને કુલ ૬૩ રન બનાવ્યા. એ જોતાં આ વખતની આઇપીએલમાં પાંચ મૅચમાં પણ તેનો પર્ફોર્મન્સ સતત સારો નહોતો. મુંબઈ સામેની પ્રથમ મૅચમાં તેણે બે વિકેટ લીધી હતી અને ૧૫ બૉલમાં ૬ સિક્સર, ૪ ફોરની મદદથી અણનમ ૫૬ રન બનાવીને કલકત્તાને જિતાડ્યું હતું. આઇપીએલમાં કે. એલ. રાહુલની જેમ કમિન્સના નામે પણ હવે ૧૪ બૉલમાં હાફ સેન્ચુરીનો રેકૉર્ડ લખાયો છે.
ત્રણ મૅચમાં કંગાળ દેખાવ
કમિન્સનો મુંબઈ સામેની પ્રથમ મૅચમાં (૨/૪૯ અને ૫૬*) તથા મુંબઈ સામેની બીજી મૅચમાં (૦ અને ૩/૨૨) સારો દેખાવ હતો, પરંતુ એ સિવાય બાકીની ત્રણ મૅચમાં સારું નહોતો રમ્યો ઃ દિલ્હી સામે ૪ રન અને ૦/૫૧, હૈદરાબાદ સામે ૩ રન અને ૧/૪૦ તથા રાજસ્થાન સામે ૦ અને ૧/૫૦.
શ્રીલંકાના પ્રવાસ પહેલાં આરામ
કમિન્સ શ્રીલંકા ખાતેના ઑસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ પહેલાં ફિટ થઈ જવા ભારતથી રવાના થઈને સિડની પહોંચી રહ્યો છે. શ્રીલંકામાં ઑસ્ટ્રેલિયનો ત્રણ ટી૨૦, પાંચ વન-ડે અને બે ટેસ્ટ રમશે. ત્યાર પછી ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ રમાશે.
કમિન્સે આઇપીએલમાં કુલ આટલી વિકેટ ૪૨ મૅચમાં લીધી છે તેમ જ ૩૭૯ રન બનાવ્યા છે.
ભારતના ક્રિકેટ-પ્રવાસમાં મને ખૂબ મજા પડી. મારી અને મારા પરિવારની કાળજી લેવા બદલ હું કેકેઆરના ફ્રૅન્ચાઇઝીનો આભારી છું. બાકીની ટુર્નામેન્ટ માટે હું કેકેઆરના પ્લેયર્સને શુભેચ્છા આપું છું. હું ઘરમાં બેસીને ટીવી પર કેકેઆરની મૅચો જોઈશ અને સાથીઓને ચિયર-અપ કરીશ.
પૅટ કમિન્સ