આજથી ભારત-બંગલાદેશ વચ્ચે વન-ડે સિરીઝનો પ્રારંભ, કોચ રાહુલ દ્રવિડ માટે ઘણા વિકલ્પ સમસ્યારૂપ બન્યા છે

ટ્રોફી સાથે રોહિત શર્મા અને બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ
આજથી બંગલાદેશ સામે શરૂ થનારી વન-ડે સિરીઝમાં સાતત્યપૂર્ણ બૅટિંગ કરતા શિખર ધવન અને અંત્યત પ્રતિભાશાળી લોકેશ રાહુલ વચ્ચે ઓપનરની જગ્યા માટે સ્પર્ધા થશે. ભારતે શુભમન ગિલને આ સિરીઝમાં આરામ આપ્યો છે. કોચ રાહુલ દ્રવિડ પણ શ્રેષ્ઠ ભારતીય ટૉપ ઑર્ડરની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરશે. આવતા વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. ટી૨૦ની જેમ જ ભારતે ૫૦ ઓવરની મૅચમાં પણ મોટા ફેરફારની જરૂર છે.
વધુ પડતો વિકલ્પ ઘણી વખત માથાનો દુખાવો સાબિત થાય છે. એક જ પ્રકારના કૌશલ્ય ધરાવતા ઘણા વિકલ્પો હોય ત્યારે કોચ દરેકને તક આપવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત તે કોઈને પણ સેટલ થવા દેતા નથી. વળી કોઈ મોટી ટુર્નામેન્ટ નજીક હોય ત્યારે તો નહીં જ. ભારતીય ટીમ હાલમાં એ જ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
થોડાં વર્ષો પહેલાં રોહિત અને શિખર ઓપનિંગમાં ફિક્સ હતા, પરંતુ પાવરપ્લે દરમ્યાન ધવન ધીમું રમતાં ગિલને તક આપવામાં આવી હતી. રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમ્યાન લોકેશ મિડલ ઑર્ડરમાં રમ્યો, પરંતુ તે ઓપનિંગમાં ઘણી મૅચમાં સારું રમ્યો હતો. ધવનનો ૨૦૨૨માં ૧૯ વન-ડેમાં સ્ટ્રાઇક રેટ ૭૫.૧૧નો હતો, જ્યારે ૨૦૧૬-’૧૮માં એ ૧૦૧નો હતો. રાહુલનો ૪૫ વન-ડેમાં સ્ટ્રાઇક રેટ ૮૫ કરતાં વધુ છે. વળી તેની ૪૫ની ઍવરેજ તેને વધુ સારો વિકલ્પ બનાવે છે.
ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન લિટન દાસની આક્રમક બૅટિંગને ભૂલી નહીં જ હોય, તેને હાલમાં ટીમનો કૅપ્ટન બનાવાયો છે. લિટન ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ તસ્કિન અહમદ વગર બંગલાદેશના બોલિંગ-આક્રમણની ખરી કસોટી થશે. મુસ્તફિઝુર રહેમાન, ઇબાદોત હોસેન, શાકિબ-અલ-હસન જેવા ફાસ્ટ બોલરો પર જવાબદારી છે.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન) કે. એલ. રાહુલ (વાઇસ કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર) શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.
બંગલાદેશની ટીમ : લિટન દાસ, એનામુલ હક બિજૉય, શાકિબ-અલ-હસન, મુશફિકુર રહીમ, અફિફ હોસેન, યાસિર અલી ચૌધરી, મેહદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહમાન, તસ્કિન અહમદ, હસન મેહમૂદ, ઇબાદોત હોસેન ચૌધરી, નસુમ અહમદ, મહમુદુલાહ.
વર્લ્ડ કપની તૈયારીને હજી ઘણો સમય છે: રોહિત
ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે વર્લ્ડ કપ વિશે બહુ આગળથી વિચારીને વસ્તુઓને બગાડવા માગતો નથી. આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ મામલે રાહુલ દ્રવિડ સાથે એક યોજના બનાવી છે. બંગલાદેશ સામેની ત્રણ મૅચની સિરીઝમાંથી વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશો એવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘એના માટે હજી ઘણો સમય છે. દરેક મૅચ તમે રમો છો એ કોઈક પ્રકારની તૈયારી જ હોય છે. વર્લ્ડ કપને હજી ૧૦ મહિનાનો સમય છે. બહુ આગળનું ન વિચારવું જોઈએ. બહુ પહેલાંથી તૈયારીઓ કરીએ તો એ વધારે મદદરૂપ થતી નથી’