Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો અખતરો ઇમ્પૅક્ટ પાડશે કે સુકાનીનું અવમૂલ્યન કરશે?

‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો અખતરો ઇમ્પૅક્ટ પાડશે કે સુકાનીનું અવમૂલ્યન કરશે?

25 September, 2022 12:05 PM IST | Mumbai
Yashwant Chad | feedbackgmd@mid-day.com

બીસીસીઆઇની પ્રભાવી ખેલાડીની આ નવી પ્રથાની અજમાયશથી સુકાનીપદનું અવમૂલ્યન થશે કે નહીં એ એક મહત્ત્વનો પ્રશ્ન છે

ફાઇલ તસવીર

કરન્ટ ફાઇલ્સ

ફાઇલ તસવીર


આગામી ૧૧ ઑક્ટોબરે શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટથી ક્રિકેટની રમતની કરવટ બદલવા તત્પર ભારતીય ક્રિકેટ બોર્ડ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો ટીમમાં સમાવેશ કરાવીને નવો રોમાંચ, નવો ઉત્સાહ સર્જીને વધારે પ્રેક્ષકોને આકર્ષવા માગે છે. જોકે આ અખતરો સફળ થશે એ મોટો સવાલ છે.

બીસીસીઆઇની પ્રભાવી ખેલાડીની આ નવી પ્રથાની અજમાયશથી સુકાનીપદનું અવમૂલ્યન થશે કે નહીં એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. ફુટબૉલ, બાસ્કેટબૉલ, રગ્બી વગેરે રમતોમાં મૅચ દરમ્યાન ખેલાડીઓ બદલવાનો શિરસ્તો છે. ક્રિકેટની રમતને વધુ આકર્ષક બનાવવાના હેતુથી થનારા આ અખતરામાં એવું છે કે મૅચ દરમ્યાન ૧૪મી ઓવર પૂરી થશે એ પહેલાં ૧૧ પ્લેયરમાંથી કોઈ એકના સ્થાને ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો સમાવેશ કરવામાં આવશે.



‘સુપર સબ’ના નવા નિયમ હેઠળ ઈજા પામેલા ખેલાડી માટે વધારાના ખેલાડીનો સમાવેશ કરવાના ‘લાઇક ફૉર લાઇક’ પ્લેયરની નવી પ્રથાની સફળતાથી પ્રેરાઈને ક્રિકેટ બોર્ડ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તરફ વળી છે અને જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એને પણ સક્સેસ મળશે તો ક્રિકેટ બોર્ડ કુબેરના ભંડાર જેવી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અથવા બીજી કોઈ ટુર્નામેન્ટમાં આવો ફેરબદલાવ કરાવશે તો નવાઈ નહીં.


બોર્ડ દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે નવા નિયમમાં કોઈ પણ સમયે અને પૂરી મૅચ દરમ્યાન ટીમમાં (ઇમ્પૅક્ટ ખેલાડીના સમાવેશ સહિત) ફક્ત ૧૧ ખેલાડીઓ જ હશે. ટૉસ વખતે બન્ને કૅપ્ટને પોતપોતાની ટીમના ખેલાડીઓનાં નામ સાથે પોતે ૪ અનામત ખેલાડી નક્કી કરી રાખ્યા છે એની યાદી પણ એકબીજાને આપવાની રહેશે. એ ૪ અનામત ખેલાડીમાંથી ફક્ત એક જ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ની પસંદગી કરી શકાશે. મતલબ, જેને મૅચની બહાર મોકલવામાં આવશે તેના સ્થાને જ એક ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ને રમાડાશે. ટૂંકમાં, મૅચ શરૂ થાય અને કોઈ ટીમનો બૅટિંગમાં ધબડકો થાય તો બૅટરને ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તરીકે લઈ શકે અને શરૂઆત સારી થઈ હોય તો બૅટરના સ્થાને બોલરનો સમાવેશ પણ કરી શકે. આમ, મૅચના સંજોગો પ્રમાણે ટીમના સુકાની, કોચ અથવા મૅનેજર (વ્યવસ્થાપક) ફોર્થ અમ્પાયરને કહીને ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો સમાવેશ કરાવી શકે અને મૅચની રૂખ બદલીને ટી૨૦ મૅચને વધુ રસાકસીભરી બનાવી એના પરિણામને પોતાની તરફેણમાં ફેરવી શકે.

મહત્ત્વનો સવાલ એ છે કે ક્રિકેટ બોર્ડ માને કે ન માને, પરંતુ મૅચમાં રમી રહેલા ખેલાડીની જગ્યાએ બીજા ખેલાડીની બદલી થાય તો બહાર જનાર ખેલાડીની મનોવૈજ્ઞાનિક સ્થિતિ એવી હશે? ટીમની સંઘભાવના નહીં ઘવાય? ટીમમાં એકરૂપતા જાળવી શકાશે? ભલે ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ ટીમના ફાયદા માટે હોય છતાં મેદાનની બહાર જનાર પ્લેયરનો અહમ્ ઘવાય એમાં શંકાને સ્થાન નથી જ નથી. શું કૅપ્ટનનો ટીમ પર પ્રભાવ નહીં ઘટે? સુકાનીની સત્તા ઓછી થવાની શંકા એ માટે જાગે છે કે ટીમના કોચ અથવા મૅનેજર પણ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ને મોકલવા વિશે ચોથા અમ્પાયરને નૉટિફાય કરી શકે છે. આવા સંજોગોમાં કોઈ અદાવતથી સુકાનીને કોચ કે મૅનેજર અંદર બોલાવી લે તો સુકાનીએ આજ્ઞા-હુકમ માનવો કે નહીં એ પ્રશ્ન જાગે એવી ભીતિ પણ છે. આમાં સુકાનીના કોચ સાથેના કે સુકાનીના મૅનેજર સાથેના સંબંધ બગડી શકે. આમાં કૅપ્ટન પોતાની રીતે સુકાનીપદ ભોગવી શકશે કે પછી સ્કૂલમાં રમાતી ટુર્નામેન્ટમાં કોઈ શિક્ષક કે પ્રશિક્ષક કાગળની કાપલી મોકલીને એ ચિઠ્ઠી વડે મૅચનું સંચાલન ટીમના તંબુમાંથી કરતા હોય એવી સ્થિતિ સર્જાશે? હવે બીજો મુખ્ય સવાલ એ છે કે વિશ્વભરમાં ટી૨૦ ક્રિકેટ અતિ ભારે સફળતાને વરી ચૂકી છે ત્યારે એમાં ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ની પ્રથા લાવવી કેટલી વાજબી છે? હા, રવિ શાસ્ત્રી માને છે કે ક્રિકેટની રમત આ નવા પગલાથી વધુ રોમાંચિત થશે અને વધુ પ્રેક્ષકો-દર્શકો આકર્ષાશે.
જોકે ક્રિકેટની રમત તરફ કોણ નથી આકર્ષાયું? મુદ્દો એટલો જ છે કે આ ‘જેન્ટલમેન્સ ગેમ’માં ખેલદિલી જળવાઈ રહેવી જોઈએ. આપણે એટલું ઇચ્છીએ કે કુબેરનો ભંડાર ધરાવતું આપણું ક્રિકેટ બોર્ડ પૈસા ખેંચવાની વૃત્તિનો સમજદારીથી ઉપયોગ કરે જેથી ક્રિકેટની રમતનું હાર્દ ભુલાઈ ન જાય.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 12:05 PM IST | Mumbai | Yashwant Chad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK