૧૫ સભ્યોની સ્ક્વૉડનું નેતૃત્વ નઝમુલ હુસેન શાંતો જ કરશે
શાકિબ-અલ-હસન, લિટન દાસ
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ગઈ કાલે બંગલાદેશ ક્રિકેટે પણ ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી. ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફી રમનાર છ પ્લેયર્સ આ વખતે પણ આ ટુર્નામેન્ટ રમશે જેમાં મુશફિકુર રહીમ, મહમુદુલ્લા, મેહદી હસન મિરાઝ, સૌમ્ય સરકાર, તસ્કિન અહમદ અને મુસ્તફિઝુર રહમાન જેવા અનુભવી પ્લેયર્સનો સમાવેશ થાય છે.
કૅપ્ટનપદ પરથી નઝમુલ હુસેન શાંતોએ રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ વચ્ચે તેણે ટીમમાં વાપસી કરીને ફરી ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે. નઝમુલ સહિત અનુભવી મુશફિકુર રહીમ, મુસ્તફિઝુર રહમાન અને ટોચના ક્રમનો બૅટ્સમૅન તૌહીદ હૃદય પણ પાછા ફર્યા છે. અનુભવી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન અને અનુભવી વિકેટકીપર-બૅટ્સમૅન લિટન દાસને ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી.
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે બંગલાદેશની સ્ક્વૉડ : નઝમુલ હુસેન શાંતો (કૅપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદય, સૌમ્ય સરકાર, તંજીદ હસન, મહમુદુલ્લા, ઝાકર અલી, મેહદી હસન મિરાઝ, રિશાદ હુસેન, તસ્કિન અહમદ, મુસ્તફિઝુર રહમાન, પરવેઝ હુસેન, નસુમ અહમદ, તંઝીમ હસન, નાહિદ રાણા.
શાકિબ-અલ-હસનની કરીઅર સમાપ્ત થઈ?
ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લેનાર શાકિબ-અલ-હસન ફરી વન-ડે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ તેની બોલિંગ ઍક્શન પણ છે. ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપ દરમ્યાન તેની સામે શંકાસ્પદ બોલિંગ ઍક્શનની ફરિયાદ થઈ હતી જેને કારણે ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેને બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં બીજી વાર તેની બોલિંગ ઍક્શન માટે ટેસ્ટ લેવામાં આવી જેમાં તેની બોલિંગ ઍક્શનને પૉઝિટિવ પ્રતિક્રિયા મળી નથી. ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ સ્થાન ન મળતાં આ ૩૭ વર્ષના પ્લેયરની કરીઅરનો અંત આવી શકે છે.

