પહેલી ટેસ્ટમાં રનનો જે ખડકલો થયો હતો એ જોતાં બીજી મૅચમાં પણ પુષ્કળ રન બનતા જોવા મળી શકે એમ છે

માર્નસ લબુશેને (જમણે) ગઈ કાલે સતત ત્રીજી અને કરીઅરની ૧૦મી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ (ડાબે) પાંચમી સદી ફટકારીને નૉટઆઉટ હતો. (તસવીર : એ.એફ.પી.)
પર્થમાં ૪ ડિસેમ્બરે વેસ્ટ ઇન્ડીઝને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૬૪ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ-મુકાબલાના પહેલા દિવસે ૩ વિકેટે ૩૩૦ રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટમાં રનનો જે ખડકલો થયો હતો એ જોતાં બીજી મૅચમાં પણ પુષ્કળ રન બનતા જોવા મળી શકે એમ છે. પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ કુલ ૭૮૦ રન બનાવ્યા હતા અને બન્ને દાવ ડિક્લેર કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે કુલ ૬૧૬ રન બનાવ્યા હતા. એ જોતાં મૅચમાં કુલ વિક્રમજનક ૧૩૯૬ રન થયા હતા.
બે દિવસ પહેલાં ટેસ્ટના બૅટર્સમાં નંબર-વનનો રૅન્ક મેળવનાર માર્નસ લબુશેન (૧૨૦ નૉટઆઉટ, ૨૩૫ બૉલ, અગિયાર ફોર) અને ટ્રેવિસ હેડ (૧૧૪ નૉટઆઉટ, ૧૩૯ બૉલ, બાર ફોર) વચ્ચે ગઈ કાલે ૨૦૧ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. લબુશેનની આ લાગલગાટ ત્રીજી સેન્ચુરી છે. પૅટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવન સ્મિથને સુકાન સોંપાયું છે. ડેવિડ વૉર્નરે ૨૧ રન, ઉસમાન ખ્વાજાએ ૬૨ રન બનાવ્યા હતા. જોકે ખુદ સ્મિથ ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ૭ કૅરિબિયન બોલર્સમાં અલ્ઝારી જોસેફ, જેસન હોલ્ડર અને ડેવોન થૉમસને એક-એક વિકેટ મળી હતી.