Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાને વર્લ્ડ કપના ભારત સામેના ‘એકમાત્ર વિજય’ના સ્ટાર બોલર હસનને ડ્રૉપ કર્યો

પાકિસ્તાને વર્લ્ડ કપના ભારત સામેના ‘એકમાત્ર વિજય’ના સ્ટાર બોલર હસનને ડ્રૉપ કર્યો

04 August, 2022 12:40 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮ ઑગસ્ટે એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સાથે ટક્કર

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી (ડાબે) અને નસીમ શાહ

Asia Cup

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી (ડાબે) અને નસીમ શાહ


આગામી ૨૮ ઑગસ્ટે દુબઈમાં એશિયા કપ ટી૨૦ સ્પર્ધાની બીજી મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે અને એ માટે પાકિસ્તાને અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ૨૦૨૧ની ૨૪ ઑક્ટોબર પહેલાં પાકિસ્તાન ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ મુકાબલામાં (કુલ ૧૨ ટક્કરમાં) નહોતું હરાવી શક્યું, પરંતુ ૨૦૨૧ના એ દિવસે દુબઈમાં ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં પાકિસ્તાને ભારતને ૧૩ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટના માર્જિનથી હરાવી સનસનાટી મચાવી દીધી હતી.

જોકે એ વિજય અપાવનારા મુખ્ય બે બોલરમાંથી એકને પાકિસ્તાને આગામી એશિયા કપ માટે મંગળવારે જાહેર કરેલી ટીમમાં નથી સમાવ્યો. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હસન અલીએ વર્લ્ડ કપની એ મૅચમાં બે વિકેટ લઈને પાકિસ્તાનની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેની બે વિકેટ અને શાહીન શાહ આફ્રિદીની ત્રણ વિકેટને લીધે ભારત વિરાટ કોહલીના ૫૭ રન છતાં ૭ વિકેટે માત્ર ૧૫૧ રન બનાવી શક્યું હતું. હસને એમાં સૂર્યકુમાર (૧૧ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૩)ને આઉટ કર્યા હતા. પાકિસ્તાને રિઝવાનના અણનમ ૭૯ અને કૅપ્ટન બાબર આઝમના અણનમ ૬૮ રનની મદદથી ૧૭.૫ ઓવરમાં વિના વિકેટે ૧૫૨ રન બનાવી લીધા હતા.



હસને વેડનો કૅચ છોડેલો


પાકિસ્તાનના સિલેક્ટરોએ એશિયા કપ માટેની ટીમમાં હસન અલીની જગ્યાએ રાઇટ-આર્મ ફાસ્ટ બોલર નસીમ શાહને લીધો છે. નસીમ ૧૩ ટેસ્ટ રમ્યો છે, પણ એકેય ટી૨૦ ઇન્ટરનૅશનલ નથી રમ્યો. હસન અલીનો છેલ્લા એક વર્ષમાં સાધારણ પર્ફોર્મન્સ રહ્યો છે. ખાસ કરીને ગયા વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ પછી તે સારું નથી રમ્યો. ખાસ તો તેણે એ વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની સેમી ફાઇનલમાં પોતાની (૧૮મી) ઓવરમાં ૧૫ રન આપ્યા અને પછી ૧૯મી ઓવરમાં મૅથ્યુ વેડનો કૅચ છોડ્યો એ પાકિસ્તાનની ટીમને ભારે પડ્યું હતું. એ કૅચ છૂટ્યા પછી મૅથ્યુ વેડે ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી હતી અને ઑસ્ટ્રેલિયા ૬ બૉલ બાકી રાખી પાંચ વિકેટના માર્જિનથી જીતીને ફાઇનલમાં પહોંચી ગયું હતું. હસને વેડનો કૅચ છોડતાં પાકિસ્તાનમાં તેને વિલન માનવામાં આવ્યો હતો. હકીકતમાં પાકિસ્તાને દુબઈની બેસ્ટ બૅટિંગ-પિચ પર પહેલી ૧૦ ઓવરમાં માત્ર ૭૧ રન બનાવેલા એ જ એના પરાજયનું સૌથી મોટું કારણ હતું. ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું.

આવનારા મહિનાઓમાં રમવાનો મોકો મળે ત્યારે પર્ફોર્મન્સ સુધારીને ફરી મૅચ-વિનર બનવું પડશે, એવું ચીફ સિલેક્ટર મોહમ્મદ વસીમે કહ્યું છે.


શ્રીલંકા-અફઘાનથી શરૂઆત

યુએઇમાં છ ટીમવાળા એશિયા કપની પ્રથમ મૅચ ૨૭ ઑગસ્ટે સ્પર્ધાના મુખ્ય આયોજક શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ૧૧ સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 12:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK