Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના લડવૈયાઓએ ફાઇનલની ટિકિટ કરી કન્ફર્મ

ભારતના લડવૈયાઓએ ફાઇનલની ટિકિટ કરી કન્ફર્મ

07 March, 2021 11:30 AM IST | Ahmedabad

ભારતના લડવૈયાઓએ ફાઇનલની ટિકિટ કરી કન્ફર્મ

ચૅમ્પિ​યન

ચૅમ્પિ​યન


ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચ ભારતે એક દાવ અને પચીસ રનથી જીતીને સિરીઝ ૩-૧થી કબજે કરી અને બ્રિટિશરોના જ દેશમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પોતાની એન્ટ્રી કન્ફર્મ કરી લીધી છે. આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના રૅન્કિંગ્સમાં ૭૨.૨ ટકા અને ૫૨૦ પૉઇન્ટ્સ સાથે ફરી એક વાર પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે. મૅચમાં ૧૦૧ રનની પાયાની ઇનિંગ્સ રમનાર રિષભ પંતને પ્લેયર ઑફ ધ મૅચ અને ૩૨ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પહેલી સેન્ચુરી ચૂક્યો સુંદર



મૅચના ત્રીજા દિવસે ભારતે ૭ વિકેટે ૨૯૪ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત અને વૉશિંગ્ટન સુંદર વચ્ચે સાતમી વિકેટ માટે થયેલી ૧૧૩ રનની ભાગીદારી બાદ સુંદર અને અક્ષર પટેલ વચ્ચે આઠમી વિકેટ માટે ૧૦૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. સાતમી અને આઠમી વિકેટ માટે ૧૦૦થી વધારે રનની પાર્ટનરશિપ થઈ હોવાની ઘટના ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બની છે. ૯૭ બૉલમાં પાંચ ચોગ્ગા અને સિક્સર ફટકારીને અક્ષર ૪૩ રને આઉટ થયો હતો, પણ ત્યાર બાદ ઇશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજ ૧૧૫મી ઓવરના પહેલા અને ચોથા બૉલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. તેઓ આઉટ થવાને લીધે સામા છેડે પોતાની પહેલી ટેસ્ટ સેન્ચુરીની નજીક પહોંચી ગયેલો વૉશિંગ્ટન સુંદર સેન્ચુરીથી ચાર રન છેટે રહી ગયો હતો. સુંદરે ૧૭૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૯૬ રન બનાવ્યા હતા.


ડૅનિયલ લૉરેન્સની લડત

બીજી ઇનિંગ્સમાં ૧૬૦ રનની લીડ ઉતારવા મેદાનમાં ઊતરેલા ઇંગ્લૅન્ડની શરૂઆત ફરી પાછી નબ‍ળી રહી હતી. પાંચમી ઓવરના ચોથા-પાંચમા બૉલે અશ્વિને ઝૅક ક્રૉલી અને જૉની બેરસ્ટોની વિકેટ લીધી હતી, પણ હૅટ-ટ્રિકની તક તે ચૂકી ગયો હતો. બીજી ઇનિંગ્સમાં જ્યાં ઇંગ્લૅન્ડના મોટા ભાગના પ્લેયર્સ પિચ પર ટકી નહોતા શકતા ત્યાં ડૅનિયલ લૉરેન્સે ૯૫ બૉલમાં ૬ ચોગ્ગા ફટકારીને ૫૦ રન કર્યા હતા. કૅપ્ટન જો રૂટ ૩૦, ઑલી પોપ ૧૫ અને બેન ફોકસ ૧૩ રન સાથે બેઅંકી આંકડા સુધી પહોંચી શક્યા હતા, જ્યારે બાકીના તમામ ઇંગ્લિશ પ્લેયર્સ એકઅંકી સ્કોર કરી શક્યા હતા.


અક્ષર-અશ્વિને પૂરી કરી કસર

પહેલી ઇનિંગ્સમાં ૩૬૫ રને ઑલઆઉટ થયેલી ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ પર ૧૬૦ રનની લીડ મેળવી લીધી હતી જેના જવાબમાં બીજા દાવમાં રમવા ઊતરેલી અંગ્રેજ ટીમ માત્ર ૧૩૫ રનમાં પૅવિલિયનભેગી થઈ જતાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૫ રનથી મૅચ જીતી લીધી હતી. અક્ષર પટેલે ૪૮ રન આપીને અને રવિચંદ્રન અશ્વિને ૪૭ રન આપીને પાંચ-પાંચ વિકેટ લઈ ટીમ ઇન્ડિયાને જીતના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. આ જીતને લીધે હવે ઑસ્ટ્રેલિયા પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ક્વૉલિફાય કરવાની રેસમાંથી આઉટ થઈ ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો મુકાબલો હવે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૮ જૂને થશે.

બન્ને દેશ વચ્ચે હવે ૧૨ માર્ચથી પાંચ ટી૨૦ મૅચની સિરીઝ શરૂ થશે જે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે.

કોહલીની કમાલ : વૉથી આગળ, લૉઇડની સાથે
વિરાટ કોહલીના નેતૃત્વમાં ગઈ કાલે ભારતે વધુ એક ટેસ્ટ મૅચ જીતી લીધી હતી, જે કોહલીએ ઘરઆંગણે જીતેલી ૨૩મી ટેસ્ટ મૅચ બની હતી. આ સાથે કોહલીએ ઘરઆંગણે સૌથી વધારે ૨૨ ટેસ્ટ મૅચ જીતવાનો સ્ટીવ વૉનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. આ યાદીમાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગ ૩૯માંથી ૨૯ મૅચ જીતીને નંબર-વન પર છે. એકંદરે કોહલીએ આ ટેસ્ટ મૅચ જીતીને ટેસ્ટ-કૅપ્ટન તરીકે ૩૬મી ટેસ્ટ મૅચ જીતીને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ પ્લેયર ક્લાઇવ લૉઇડના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. કૅપ્ટન તરીકે ગ્રેમ સ્મિથ સાઉથ આફ્રિકાને કુલ ૫૩ ટેસ્ટ મૅચ જિતાડવામાં સફળ રહ્યો હતો અને ઉક્ત યાદીમાં એ નંબર-વન છે.

ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં ૨૭ વિકેટ સાથે અક્ષરનો વર્લ્ડ રેકૉર્ડ
ગુજરાતના પ્લેયર અક્ષર પટેલે ગઈ કાલે પોતાની વેધક બોલિંગથી ઇંગ્લૅન્ડને પછાડવામાં ફરી એક વાર પાયાની ભૂમિકા ભજવી હતી. ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં તેણે કુલ ૨૭ વિકેટ લઈને વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા રવિચંદ્રન અશ્વિને આ સિરીઝમાં સૌથી વધુ કુલ ૩૨ વિકેટ મેળવી છે.

કમસે કમ ત્રણ ટેસ્ટ મૅચ રમાઈ હોય એવી ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કરતાં ૨૭ વિકેટ લેનાર અક્ષર પટેલ દુનિયાનો નંબર-વન પ્લેયર બન્યો છે. જોકે ૧૯૭૯માં દિલીપ દોશીએ પણ ઑસ્ટ્રેલિયા સામે ૨૭ વિકેટ લીધી હતી. આ પહેલાં આ રેકૉર્ડ અજંથા મેન્ડિસના નામે હતો જેણે ૨૦૦૮માં ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં કુલ ૨૬ વિકેટ લીધી હતી. ૧૯૪૬માં ઍલેક બેડસરે ભારત સામે ૨૪ વિકેટ, ૨૦૧૧-’૧૨માં રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૨ વિકેટ મેળવી હતી.

આ ઉપરાંત એક જ ટેસ્ટ સિરીઝમાં ચાર વાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવીને અક્ષર પટેલે નરેન્દ્ર હિરવાણીને પાછ‍ળ મૂકી દીધો છે. હિરવાણી અને શિવરામકૃષ્ણને એક જ ટેસ્ટ સિરીઝમાં ત્રણ-ત્રણ વાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

એક જ ટેસ્ટ સિરીઝમાં ૩૦થી વધારે વિકેટ લેવા ઉપરાંત ૧૦૦થી વધારે રન કરનાર ખેલાડીઓની યાદીમાં રવિચંદ્રન 5મો પ્લેયર બન્યો છે. તેના પહેલાં આ પ્રકારનું પરાક્રમ ઇમરાન ખાન, ઇયાન બૉથમ, રિચી બેનૉ અને જ્યૉર્જ ગિફન કરી ચૂક્યા છે

પહેલી ટેસ્ટ ગુમાવ્યા બાદ ભારતે કબજે કરેલી સિરીઝ
સિરીઝનું પરિણામ સિરીઝની કુલ મૅચ વિરોધી ટીમ વર્ષ
૨-૧ ૫ ઇંગ્લૅન્ડ ૧૯૭૨-૭૩
૨-૧ ૩ ઑસ્ટ્રેલિયા ૨૦૦૦-૦૧
૨-૧ ૩ શ્રીલંકા ૨૦૧૫
૨-૧ ૪ ઑસ્ટ્રેલિયા ૨૦૧૬-૧૭
૨-૧ ૪ ઑસ્ટ્રેલિયા ૨૦૨૦-૨૧
૩-૧ ૪ ઇંગ્લૅન્ડ ૨૦૨૦-૨૧


રવિચંદ્રન અશ્વિને ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં 30મી વખત દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેણે જેમ્સ ઍન્ડરસનના પાંચ વિકેટવાળા આટલા રેકૉર્ડની પણ બરોબરી કરી લીધી હતી.

રવિચંદ્રન અશ્વિને ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાં સૌથી વધારે કુલ 32 વિકેટ મેળવી હતી. ટેસ્ટ સિરીઝમાં ૩૦થી વધારે વિકેટ લેવાનું કીર્તિમાન અશ્વિને બીજી વાર કર્યું છે અને એમ કરનાર વિશ્વનો તે પહેલો ખેલાડી બન્યો છે. આ પહેલાં સાઉથ આફ્રિકા સામે ૨૦૧૫માં ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાં તેણે ૩૧ વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 11:30 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK