Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍડીલેડમાં ઍડવાન્ટેજ આફ્રિકા ઇતિહાસ ઑસ્ટ્રેલિયાની ફેવરમાં

ઍડીલેડમાં ઍડવાન્ટેજ આફ્રિકા ઇતિહાસ ઑસ્ટ્રેલિયાની ફેવરમાં

25 November, 2012 05:03 AM IST |

ઍડીલેડમાં ઍડવાન્ટેજ આફ્રિકા ઇતિહાસ ઑસ્ટ્રેલિયાની ફેવરમાં

ઍડીલેડમાં ઍડવાન્ટેજ આફ્રિકા ઇતિહાસ ઑસ્ટ્રેલિયાની ફેવરમાં




ઍડીલેડ : બ્રિસ્બેનની પ્રથમ ટેસ્ટમૅચ ડ્રૉ થયા પછી હવે ઍડીલેડની બીજી ટેસ્ટમૅચ (ઈએસપીએન પર સવારે ૫.૩૦)માં આજનો અને આવતી કાલનો દિવસ બાકી હોવાથી પરિણામ આવવાની ૧૦૦ ટકા સંભાવના છે. જોકે વિજય મેળવવાનો બન્ને ટીમને સરખો ચાન્સ છે.

ગઈ કાલે ત્રીજા દિવસને અંતે ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં પાંચ વિકેટે ૧૧૧ રન હતા. પ્રથમ દાવનો ડબલ સેન્ચુરિયન માઇકલ ક્લાર્ક ગઈ કાલે ૯ રને અને તેનો સેન્ચુરિયનસાથી માઇક હસી પાંચ રને નૉટઆઉટ હતો. એક તબક્કે ઑસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૭૭ રન હતો, પરંતુ રમતના અંત સુધીમાં ૧૧૧ના ટોટલ સુધીમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૬૨ રનની લીડ મેળવી હતી. એ ગણીને ગઈ કાલની રમતને અંતે એના કુલ ૨૭૩ રન હતા અને પાંચ વિકેટ પડવાની બાકી હતી. ઑસ્ટ્રેલિયાની પાંચમાંથી ત્રણ વિકેટ કરીઅરની બીજી ટેસ્ટમૅચ રમી રહેલા સાઉથ આફ્રિકન પેસબોલર રૉરી ક્લિનવેલ્ટે લીધી હતી.

આફ્રિકાનું નસીબ જોર કરે છે

આજે ઑસ્ટ્રેલિયા જો ૩૫૦થી ૪૦૦ જેટલો ટાર્ગેટ આપશે તો સાઉથ આફ્રિકા માટે એ મેળવીને સિરીઝમાં ૧-૦થી અપરાજિત સરસાઈ મેળવે તો નવાઈ નહીં. ઑસ્ટ્રેલિયન પેસબોલર જેમ્સ પૅટિન્સનના કમરના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે બીજા દાવમાં કદાચ બોલિંગ નહીં કરી શકે. તેની ગેરહાજરી સાઉથ આફ્રિકાના ફાયદામાં છે.

ગઈ કાલે સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં જે ૩૮૮ રન બનાવ્યા એમાં ગ્રેમ સ્મિથ (૧૨૨ રન, ૨૪૪ બૉલ, ૧૪ ફોર)ની સેન્ચુરીનો, ફૅફ ડુ પ્લેસી (૭૮ રન, ૧૫૯ બૉલ, ૧ સિક્સર, ૧૩ ફોર)ની હાફ સેન્ચુરીનો તેમ જ ઈજાને કારણે પહેલી વાર છેક નવમા નંબરે બૅટિંગ કરવા આવેલા જૅક કૅલિસ (૫૮ રન, ૯૩ બૉલ, ૧ સિક્સર, ૧૦ ફોર)ની હાફ સેન્ચુરીનો સમાવેશ હતો.

સ્મિથે સદી કરી હોય એવી છેલ્લી પચીસ ટેસ્ટમૅચમાં સાઉથ આફ્રિકા હાર્યું નથી એટલે તેની સેન્ચુરી આ ટીમ માટે ફરી લકી સાબિત થાય તો નવાઈ નહીં.

ઍડીલેડમાં ૩૧૫ રનની મર્યાદા

ઍડીલેડમાં સફળતાથી ટાર્ગેટ ચેઝ થયા હોય એમાં ૩૧૫ રનનો આંકડો સૌથી મોટો છે. ૧૯૦૨માં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાએ ૩૧૫ રનનો લક્ષ્યાંક મેળવ્યો ત્યાર પછી કોઈ પણ ટીમ એના કરતાં વધુ રન ચેઝ નથી કરી શકી. એ જોતાં ઇતિહાસ ઑસ્ટ્રેલિયાની તરફેણમાં છે.

તાહિર પ્રથમ વિકેટ લેવામાં નિષ્ફળ


સાઉથ આફ્રિકાનો સ્પિનર ઇમરાન તાહિર ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૮૦ રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. ગઈ કાલે પણ તે ૩૮ રનના ખર્ચ છતાં વિકેટ વિનાનો રહ્યો હતો. એક તબક્કે ઓપનર એડ કોવન તેના બૉલમાં કૅચઆઉટ થયો હતો, પરંતુ એ નો-બૉલ હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2012 05:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK