° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


સંસદીય લોકશાહીમાં નથી કોઈ પણ પક્ષને સાચો રસ

09 September, 2012 08:01 AM IST |

સંસદીય લોકશાહીમાં નથી કોઈ પણ પક્ષને સાચો રસ

સંસદીય લોકશાહીમાં નથી કોઈ પણ પક્ષને સાચો રસબધા સંસદનો ઉપયોગ રાજકીય લાભ લેવા માટે કરે છે, પરંતુ એને ચલાવવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી: ભારતની સંસદીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી ઓછામાં ઓછું કામ કરનારી વર્તમાન લોકસભા સંસદનું ચોમાસુ સત્ર કોઈ ખાસ કામકાજ કર્યા વિના સમાપ્ત થઈ ગયું. સંસદસભ્યોએ ત્રણ ખરડા એક જ દિવસમાં ચર્ચા કર્યા વિના પાસ કરી દીધા હતા એ બતાવે છે કે આપણા લોકપ્રિતિનિધિઓ ધારાસભાઓને કેટલું ઓછું મહત્વ આપે છે. નોકરીમાં પદોન્નતિમાં અનામતની જોગવાઈ આપનારા ખરડા પર ચર્ચા તો બાજુએ રહી, પરંતુ લોકસભામાં બહુજન પાર્ટીના સભ્ય અને સમાજવાદી પાર્ટીના સભ્યે અસભ્યતાનું જે વરવું પ્રદર્શન કર્યું એ અક્ષમ્ય હતું. સૌથી મોટો અક્ષમ્ય અપરાધ તો બીજેપીએ કર્યો છે. બીજેપીએ ત્રણ ખરડા પસાર થવા દેવા સિવાય એક પણ દિવસ સંસદ ચાલવા દીધી નહોતી. ભારતના સંસદીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી ઓછું કામ કરનારી લોકસભા જો કોઈ હોય તો એ વર્તમાન લોકસભા છે. વર્તમાન લોકસભા પાસે હજી દોઢ વર્ષ છે, પરંતુ મને નથી લાગતું કે આવનારાં દોઢ વર્ષ દરમ્યાન લોકસભા ઊજળો હિસાબ આપી શકાશે.

કોલસાકૌભાંડમાં બીજેપી પાસે જો હકીકતો-આધારિત મજબૂત દલીલો હતી તો એ વ્યક્ત કરવા માટે સંસદથી વધારે પ્રભાવી માધ્યમ બીજું કયું હોઈ શકે? બીજેપીએ એનો ઉપયોગ કરીને સરકારને નર્વિસ્ત્ર કરવી જોઈતી હતી. સાચી વાત એ છે કે બીજેપીને બૂમબરાડા પાડીને સંસદનું કામ ખોરવવામાં વધારે લાભ હતો. જો સંસદમાં ચર્ચા થાય તો બીજેપીના શાસકોના તેમ જ નેતાઓનાં ગંદા કપડાં ઉઘાડાં થાય અને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે એ એને પરવડે એમ નથી. સંસદ ચલાવવામાં કૉન્ગ્રેસને પણ ખાસ રસ નહોતો. સંસદ ચાલવા દેવાની વારંવારની અપીલ દેખાવ પૂરતી હતી. દરેક પક્ષ રાજકીય લાભ લેવા માટે સંસદનો ઉપયોગ કરે છે. સંસદીય લોકશાહીમાં કોઈ પક્ષને સાચો રસ નથી. ૨૦૧૨ ભારતીય સંસદનું હીરક જયંતી વર્ષ છે અને એ અવસરે સંસદસભ્યોએ કરેલો સભ્યતાનો ઠરાવ પ્રામાણિકતા વિનાનો વાંઝિયો છે.

સંસદમાં કેટલીક શિસ્ત અને મર્યાદા જરૂરી છે. દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ને એક દિવસથી વધુ સંસદ (કે રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ) મુલતવી ન રહેવી જોઈએ. એક આખા દિવસ માટે સંસદ કે વિધાનસભા મુલતવી રહે એ જે-તે પ્રશ્નની ગંભીરતા સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. બીજું, કોઈ પણ સંજોગોમાં સંસદનું કામકાજ વર્ષમાં અમુક કલાક ચાલવું જ જોઈએ. ત્રીજું, પ્રત્યેક સભ્યે ઠરાવેલા કલાક માટે સંસદમાં હાજર રહેવું જરૂરી હોવું જોઈએ. જેમ કે સંસદના કામકાજના ઠરાવેલા કલાક ૩૦૦ હોય તો સભ્ય માટેની ઉપસ્થિતિના કલાકો ૨૫૦ રાખી શકાય. માંદગી કે બીજી આકસ્મિક ઘટનાઓ માટે તેને વર્ષમાં ૫૦ કલાકની રજા આપી શકાય. ચોથું, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સભ્યને સભાગૃહની વેલ (ગૃહનો મધ્યસ્થ ભાગ જ્યાં સ્પીકર કે અધ્યક્ષ બેસતા હોય છે)માં જવા પર પ્રતિબંધ હોવો જોઈએ. સ્પીકર પાસે ધસી જનાર સભ્ય આપોઆપ એ સત્ર પૂરતો બરતરફ થઈ જવો જોઈએ. પાંચમું, પ્રશ્નોત્તરીના સમય પર કોઈ પણ પ્રકારનું આક્રમણ ન થવું જોઈએ. આ સમય દરમ્યાન અન્ય કોઈ પ્રશ્ન ઉઠાવીને ગૃહના કામકાજમાં ખલેલ પહોંચાડનારા સભ્યને એ સત્ર પૂરતો બરતરફ કરવો જોઈએ. છઠ્ઠું, વડા પ્રધાન કે વિરોધ પક્ષના નેતા બોલવા ઊભા થાય ત્યારે ગૃહમાં ટાંચણી પડે તો સંભળાય એટલી શાંતિ હોવી જોઈએ. સાતમું, બાથંબાથી કરનારા, મેજ પછડાનારા, માઇક કે પેપરવેઇટનો છુટ્ટો ઘા કરનારા સભ્યોને સંસદની પૂરી મુદત માટે બરતરફ કરવા જોઈએ અને આઠમું, દોષી સંસદસભ્યને સંસદસભ્ય હોવાના અને ભવિષ્યમાં ભૂતપૂર્વ સંસદસભ્ય હોવાના લાભ રદ કરવા જોઈએ. ત્યાં સુધી કે શિસ્તનો ગંભીર ગુનો કરનાર સંસદસભ્ય પોતાને ભૂતપૂર્વ સંસદસભ્ય તરીકે ઓળખાવી પણ ન શકે એવી જોગવાઈ કરવી જોઈએ.

આ બધાં સૂચનો મારાં નથી. આમાંનાં મોટા ભાગનાં સૂચનો આજી અને માજી સંસદસભ્યોનાં છે. જ્યારે તેમના પંડમાં સતનો સંચાર થઈ આવે છે ત્યારે તેઓ સંસદીય લોકશાહીની ગરિમા જાળવવાની ડાહી-ડાહી વાતો કરવા લાગે છે અને ત્યારે આવાં કીમતી હીરા-મોતી ખરતાં રહે છે. આ નર્યો ઢોંગ છે એ હવે સાબિત થઈ ચૂક્યું છે. સમસ્યા એ છે કે સંસદના કામકાજમાં સુધારા કરવાના અધિકાર કેવળ સંસદસભ્યો ધરાવે છે અને તેઓ પોતાના પર લક્ષ્મણરેખા લાદવાના નથી એ ઉઘાડું સત્ય છે. કમસે કમ અત્યારે કે નજીકના ભવિષ્યમાં તો આમ બનવાનું નથી.

સંસદના કામકાજમાં, કાર્યપદ્ધતિમાં, સંસદીય નીતિ-નિયમોમાં માથું મારવાનો સર્વોચ્ચ અદાલતને અધિકાર નથી. પી. વી. નરસિંહ રાવના સમયમાં ઝારખંડ મુક્તિ મોરચાના સંસદસભ્યોએ પૈસા લઈને નરસિંહ રાવ સરકારને વિશ્વાસનો મત આપ્યો હતો એ સાબિત થઈ ગયું હોવા છતાં સર્વોચ્ચ અદાલતે ઝારખંડ મુક્તિ મોરચાના સંસદસભ્યોને દંડ્યા નહોતા, કારણ કે સંસદના કામકાજમાં માથું મારવાનો અદાલતને અધિકાર નથી. ન્યાયતંત્ર અને કાયદામંડળની સત્તા અને મર્યાદા બંધારણે સ્પષ્ટ કરી આપી છે અને એ યોગ્ય જ છે. બંધારણમાં આવી જોગવાઈ હોવાને કારણે અદાલત દ્વારા સંસદસભ્યો પર શિસ્ત લાદવી શક્ય નથી.

હા, નાગરિક તરીકે આપણે એ અધિકાર ધરાવીએ છીએ જો વાપરતાં આવડે તો. એ અધિકાર છે મત નહીં આપવાનો અધિકાર. જે લોકપ્રતિનિધિનો ગૃહમાં દેખાવ નબળો હોય તેને મત નહીં આપીને ઘરે જરૂર બેસાડી શકાય છે.

હમામ મેં સબ નંગે

આવી હાલત છે રાજકારણીઓની : કોલસાકૌભાંડના મુદ્દે લોકસભામાં જે ચર્ચા ચાલે છે એમાં બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરે છે, કોઈ વિકલ્પ નથી સૂચવતું : દેખાવ પ્રામાણિક હોવાનો, પણ ભાવતો વિકલ્પ સરકારી અંકુશ દ્વારા લૂંટ ચલાવવાનો

09 September, 2012 08:01 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:57 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:30 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK