° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


પ્રલયની પારાયણ

16 December, 2012 07:39 AM IST |

પ્રલયની પારાયણ

પ્રલયની પારાયણઆર્યન મહેતા

ગુજરાતી ભાષાનો પહેલો સૅટિરિસ્ટ અખો કહી ગયો છે : વા વાયો ને નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું; કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે રાત્રે ૧૧ વાગ્યા ને ૧૧ મિનિટે વિશ્વમાં પ્રલય આવવાનો છે એ વિશે પાછલાં કેટલાંય વર્ષથી વિશ્વમાં ચર્ચા, દલીલો અને ભયનો ઓથાર ચાલી રહ્યાં છે. એટલે સુધી કે ખુદ અમેરિકન અંતરીક્ષ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશને એટેલે કે નાસાએ ‘ડૂમ્સ ડે ૨૦૧૨ ફૅક્ટ શીટ’ નામનું પેજ બનાવીને પોતાની સાઇટ પર મૂક્યું છે કે ભાઈ ડરો નહીં, ૨૧ ડિસેમ્બરે રાત્રે કંઈ પ્રલય-બલય આવવાનો નથી એટલે ખાઓ, પીઓ અને જલસા કરો જયંતીલાલ. પરંતુ વિજ્ઞાનના નામે કોઈ પણ માન્યતા પધરાવી શકાય છે એ સત્ય ભારત જ નહીં, આખી દુનિયામાં લાગુ પડે છે અને અહીં તો ઉપરથી ઇતિહાસની પણ ભેળપૂરી કરવામાં આવી હતી.

ઍક્ચ્યુઅલી ઈશુના જન્મ પહેલાં અને પછીનાં મળીને કુલ દોઢેક હજાર વર્ષ સુધી દક્ષિણ અમેરિકામાં પાંગરેલી મય સંસ્કૃતિનું ૫૧૨૫ વર્ષ લાંબું લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડર આ દિવસે પૂરું થાય છે. આથી કેટલાક ભાંગફોડિયા દિમાગવાળાઓએ લાકડે માંકડું વળગાડીને એવી વાત વહેતી કરી કે પત્યું, હવે દુનિયાનો નાશ નક્કી છે. આ તો બેસતા વર્ષે કે દર વર્ષે ૩૧ ડિસેમ્બરે પૃથ્વીનો નાશ થશે એવી બેતુકી વાત થઈ.

આમ તો ૨૦૧૨ના પ્રલયને લગતી વાતો ગણગણાટથી આગળ ન વધી હોત, પરંતુ ૨૦૦૯માં આવેલી હૉલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’એ બળતામાં પેટ્રોલ રેડ્યું. ૨૦૧૨માં પ્રલય આવશે એવી કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મના પ્રમોશન માટે એના નિર્માતાઓએ ઇન્ટરનેટ પર વાઇરલ માર્કેટિંગનો સહારો લીધો. એ લોકોએ ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે એક વિડિયો અપલોડ કર્યો જેમાં ચારેકોર દરિયાનાં પાણી ફરી વળતાં હોય એવાં દૃશ્યો સાથે ચેતવણી હતી કે વિશ્વની સરકારોને આ પ્રલયની વૉર્નિંગ આપી દેવામાં આવી છે, પણ એ લોકો તમને બચાવવા માટે કશું કરી શકે એમ નથી. આ વિશે વધુ જાણવું હોય તો ઇન્ટરનેટ પર સર્ચ કરો : ૨૦૧૨. હવે કુતૂહલવશ લોકો આવી સર્ચ મારે જ. પણ ત્યાં તેમને શું જોવા મળતું હતું? ૨૦૧૨માં શા માટે અને કઈ રીતે પ્રલય આવશે અને વિશ્વનો નાશ થશે એની વૈજ્ઞાનિક પુરાવા સાથે ચર્ચાઓ કરતી અને પૃથ્વીના અંતનું કાઉન્ટડાઉન બતાડતી ઘડિયાળો. હા, ફિલ્મની પણ વેબસાઇટ હતી, પરંતુ છેક સર્ચ રિઝલ્ટ્સના બીજા કે ત્રીજા પેજ પર. ત્યાં સુધીમાં સર્ચ કરનાર માણસને લગભગ વિશ્વાસ આવી ગયો હોય કે ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પ્રલય જેવું કશુંક તો થવાનું જ છે. આવી સાઇટ્સ પર પ્રલય માટેનાં કંઈક આવાં કારણો અપાતાં : મય સંસ્કૃતિનું લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડર પૂરું થવાનું છે; બ્રહ્માંડમાં એક ખાસ પ્રકારનું ગૅલેક્ટિક અલાઇન્મેન્ટ સર્જા‍શે જેથી ઊઠનારી પ્રચંડ સૌરજ્વાળાઓ પૃથ્વીને ભસ્મ કરી નાખશે; નિબિરુ નામનો ગ્રહ પૃથ્વી પર ત્રાટકશે; પૃથ્વીની ચુંબકીય ધરી બદલાઈ જશે જેનાથી સુનામી, ધરતીકંપ આવશે અને આપણા ગ્રહને ખેદાનમેદાન કરી નાખશે. કોઈકે કહ્યું હતું કે ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસ ક્યારનોય આ કહી ગયેલો, તો કોઈકે કહ્યું કે બાઇબલમાં પણ જજમેન્ટ ડેની વાત છે એ આ જ દિવસ છે. આપણે ત્યાં પણ કોઈએ ભગવાન વિષ્ણુના આખરી અવતાર કલ્કિ સાથે આ પ્રલયની વાતને જોડી દીધેલી. તેમણે ચલાવેલું કે ૨૦૧૨ની આ તારીખે કલ્કિ અવતાર જન્મ લેશે અને કળિયુગનો અંત આણશે. આ ઉપરાંત ગ્લોબલ વૉર્મિંગ અને ન્યુક્લિયર વૉર જેવી સદાબહાર કાળવાણીઓ તો ખરી જ. અરે, એક વેબસાઇટ તો સર્વાઇવલ લૉટરી નંબર પણ અલૉટ કરતી હતી. એનો દાવો એવો હતો કે જે લોકોને આ નંબર મળી જશે તેઓ પ્રલયમાંથી બચી જશે. હવે આ બધામાં સસ્પેન્સ જેવી વાત એ હતી કે આમાંની મોટા ભાગની સાઇટ્સ ‘૨૦૧૨’ ફિલ્મના નિર્માતાઓએ પબ્લિસિટીના ભાગરૂપે જ તૈયાર કરેલી હતી. આ ફિલ્મના પ્રમોશન માટે તો આ વિડિયો ટીવી-ચૅનલ્સ પર પણ બતાવવામાં આવેલો અને રેડિયો-સ્ટેશન્સ પર પણ પ્લે થયેલો.

ફિલ્મ તો ખેર આવી અને ધૂમ કમાણી કરીને જતી રહી, પરંતુ પ્રલયની અફવાએ શમવાનું નામ ન લીધું. ઈવન નાસાને હજારોની સંખ્યામાં આ વિશે પૂછતી ઈ-મેઇલ્સ અને ફોનકૉલ્સ આવવા શરૂ થયાં. અમુકે તો એવી પણ વાત કરી કે પ્રલયમાં મરવા કરતાં અમે પરિવાર સાથે આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરીશું. આથી નાસાએ પોતાની સાઇટ પર સત્તાવાર રીતે ચોખવટ કરી કે બહકાવે મેં ન આએં, અપની અકલ લગાએં; પ્રલય નથી આવવાનો.

સંખ્યાબંધ વિજ્ઞાનીઓએ પણ સોય ઝાટકીને કહ્યું કે આ બધું હમ્બગ છે, આખી દુનિયા ઑલ ઇઝ વેલ છે; પણ લોકોમાં પ્રલયનો ડર ઓછો થયો નથી. આ વર્ષના મે મહિનામાં ૨૧ દેશોના ૧૬,૦૦૦ લોકોનો એક સર્વે થયેલો. એમાં આઠ ટકા લોકોએ કબૂલ કરેલું કે હા, અમને ૨૧ ડિસેમ્બરના પ્રલયની વાત સાંભળીને લખલખું આવી જાય છે અને લગભગ દસ ટકા લોકો મય કૅલેન્ડરનો અંત એટલે પૃથ્વીનો અંત એ વાત સાથે સહમત હતા.

પિક દ બ્યુગારાશ નામના પહાડની તળેટીમાં વસેલા બ્યુગારાશ નામના ફ્રાન્સના એક નાનકડા ગામડાની વસ્તી છે માત્ર ૧૮૫ લોકોની, પરંતુ છેક ૨૦૦૦ના વર્ષમાં ખબર નહીં ક્યાંથી એવી અફવા ફેલાઈ કે ૨૦૧૨ના પ્રલયમાં આ ગામ બચી જવાનું છે. પરગ્રહવાસીઓના અસ્તિત્વમાં માનતા લોકો એવી દૃઢ માન્યતા ધરાવે છે કે આપણને ભલે ખબર ન હોય, પરંતુ એલિયન્સ આ પૃથ્વી પર વસાહતો બનાવીને રહે જ છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે એ લોકો પોતાનું યાન લઈને પ્રલયથી બચવા માટે આ પહાડ પરથી પૃથ્વી છોડીને જતા રહેવાના છે અને એ વખતે ત્યાં જે લોકો હાજર હશે તેમને પણ તેઓ પોતાની સાથે લઈ જશે એવી પણ વાતો થાય છે. આ થિયરીમાં દૃઢપણે માનતા લોકોનાં ધાડેધાડાં આ બ્યુગારાશ ગામે આવવા માંડ્યાં છે. જ્યાં હજાર માણસો પણ અચરજની વાત ગણાય એવા એ ગામમાં આ વર્ષે ઑલરેડી વીસ હજાર લોકો આવી ચૂક્યા છે અને એ પિક દ બ્યુગારાશ પર આરોહણ કરી ચૂક્યા છે. ત્યાંના મેયરે સત્તાવાર ચિંતા વ્યક્ત કરી કે ભાઈ, આ લોકોને સમજાવો. ત્યાં લૉ ઍન્ડ ઑર્ડર જાળવી રાખવા આ પહાડ પર ચડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે તથા પોલીસ અને ફાયર-ફાઇટર્સને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

પ્રલયમાં દૃઢપણે માનતા લોકો ક્યારનાય જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંઘરો કરવા માંડ્યા છે. બ્રાઝિલના સાઓ ફ્રાન્સિસ્કો દ પૌલા શહેરના મેયરે તો માર્ચ મહિનામાં લોકોને પ્રલયને ધ્યાનમાં રાખીને વસ્તુઓનો સંગ્રહ કરી રાખવાનું કહીને ભાંગરો વાટ્યો હતો. બ્રાઝિલના જ કોરગ્વિન્હો વિસ્તારમાં પ્રલયમાં બચી જનારાઓ માટેની એક અલાયદી કૉલોની બંધાવાનું શરૂ થઈ ગયાના સમાચાર પણ આવેલા. હમણાં ૧૧ ઑક્ટોબરે બ્રાઝિલની એક કહેવાતી સંત લુઇઝ પરેરાની ધરપકડ કરવામાં આવેલી; કારણ કે તે આ ૨૧ ડિસેમ્બરના પ્રલયની આગાહી કરતી ફરતી હતી, જેને પગલે તેના કમસે કમ સો જેટલા અનુયાયીઓ આ દિવસે સામૂહિક આત્મહત્યા કરવાની ફિરાકમાં હતા. રશિયામાં પણ અમુક ઠેકાણે ડિપાર્ટમેન્ટલ સ્ર્ટોસમાંથી જીવનજરૂરી વસ્તુઓનો સ્ટૉક એકાએક ખૂટી પડવાના સમાચારો આવ્યા છે. થોડા દિવસ પહેલાં રશિયન સરકારે સત્તાવાર રીતે ચોખવટ કરી કે પ્રિય રશિયનો, ડોન્ટ વરી, કોઈ પ્રલય નથી આવવાનો; જસ્ટ રિલૅક્સ!

ઘણા દોઢડાહ્યાઓ ૨૧ ડિસેમ્બરના આ દિવસને નવી વૈશ્વિક ચેતનાના ઉદયનો દિવસ પણ માને છે. કહે છે કે આ દિવસે સમગ્ર વિશ્વમાં એક નવી જ પૉઝિટિવ એનર્જીનો આરંભ થશે. એવા લોકોને ક્યાંકથી એવી ખબર પડી કે તુર્કીના સિરિન્સ નામના ખોબા જેવડા ગામડામાં આ પૉઝિટિવ એનર્જીને સમગ્રતયા પામી શકાશે. એટલે માત્ર છસો લોકોની વસ્તી ધરાવતા આ ગામડાની વસ્તી અત્યારે વધીને સાઠ હજાર જેટલી થઈ ગઈ છે!

નૅશનલ જ્યૉગ્રાફિક ચૅનલે આ મુદ્દે ‘ડૂમ્સ ડે પ્રેપર્સ’ નામની એક ટીવી-સિરીઝ પણ પ્રદર્શિત કરેલી, જેમાં તેમણે આ કથિત પ્રલયમાંથી બચવા જાતભાતની તૈયારી કરી રહેલા લોકોના ઇન્ટરવ્યુ કરેલા. આમાં લોકો જો પેટ્રોલ અને ખોરાક ખૂટી જાય તો કઈ રીતે જીવવું, દરિયાનાં પાણી ચોમેર ફરી વળે તો કઈ રીતે ક્યાં ભાગવું વગેરેની તરકીબો બતાવતા દેખાયા હતા. એમાં કેટલાક પરિવારો ઘર છોડીને વૅગનમાં રહેતા હતા, જ્યારે અમુક લોકોએ લાકડાંનો સ્ટૉક કરી રાખેલો. કેટલાકે પોતાના ઘરની નીચે બન્કરો બનાવ્યાં હતાં તો અમુક હથિયારો ચલાવતાં શીખી ગયેલા અને યુટ્યુબ પર અન્ય લોકોને પણ શીખવતા વિડિયો મૂક્યા છે. બે સીઝનમાં ચાલેલો આ પ્રોગ્રામ ભારે ટીઆરપી ઉસેટી ગયેલો. ડિસ્કવરી ચૅનલે તો છેક ૨૦૦૯માં ‘૨૦૧૨ ઍપૉકલિપ્સ’ નામની સિરીઝ ટેલિકાસ્ટ કરેલી.

પ્રલય આવે કે ન આવે, એમાંથી રોકડી કરવા માટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એને લગતાં સેંકડો પુસ્તકો ક્યારનાય ઠલવાઈ ચૂક્યાં છે. કોઈક પુસ્તકમાં પ્રલય આવે તો કેવી રીતે બચવું એની વાતો છે તો કોઈકમાં શા માટે પ્રલય નહીં આવે એની ચોખવટ છે. અમુક લેખકો વિશ્વમાં બનતી અલગ-અલગ ઘટનાઓને લાકડે માંકડું વળગાડતા હોય એ રીતે પ્રલય સાથે જોડી રહ્યા છે.

મય સંસ્કૃતિ જ્યાં વિકસેલી એ મેક્સિકોની સરકારે ડ્રગ્સ અને માફિયાઓના પાપે ખાડે ગયેલા પોતાના પર્યટન-ઉદ્યોગને ૨૦૧૨ને નામે ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ગયા વર્ષની ૨૧ ડિસેમ્બરથી એક આઠ ફૂટ ઊંચી ડિજિટલ ઘડિયાળમાં આ કૅલેન્ડર પૂરું થવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે એટલું જ નહીં; મય સંસ્કૃતિના આ લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડરને પ્રદર્શિત કરતી લગભગ ૧૩૦૦ વર્ષ જૂની પથ્થરની એક તકતીને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે અને મય સંસ્કૃતિનાં સ્થળો બતાવતી કન્ડક્ટેડ ટૂરો પણ શરૂ થઈ છે.

આપણને જાણીને આશ્ચર્ય થાય, પણ મય સંસ્કૃતિ જે વિસ્તારોમાં વિકસેલી હતી ત્યાં આજની તારીખે પણ મય વંશજો છૂટાછવાયા વસે છે. એ લોકોએ પણ ગયા વર્ષથી જ પરંપરાગત પૂજાપાઠ શરૂ કરી દીધા છે.

નવ્વાણું ટકા તો આ પૃથ્વીનો વાળ પણ વાંકો નહીં થાય, છતાં આ કુદરતનું કંઈ કહેવાય નહીં એવું માનનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. બાય ધ વે, તમે શું માનો છો? ૨૧ ડિસેમ્બરે પ્રલય આવશે?

બુદ્ધિશાળી મય સંસ્કૃતિનું મહાકૅલેન્ડર

પહેલી નજરે ભારતીય લાગતા નામવાળી મય સંસ્કૃતિ દરઅસલ આજના મેક્સિકોથી ૧૦૦૦ કિલોમીટર દક્ષિણે ગ્વાટેમાલા, બેલાઇઝ, અલ સૅલ્વાડોરનો પશ્ચિમ ભાગ તથા હોન્ડુરા સુધી વિસ્તરેલી હતી. મય સંસ્કૃતિ વિશ્વની સૌથી સુસંસ્કૃત અને જ્ઞાની માનવસભ્યતાઓમાંની એક લેખાય છે. આ સંસ્કૃતિ જોરમાં હતી ત્યારે એટલે કે ઈસવી સન ૨૫૦થી ૯૦૦ દરમિયાન એનો ભરપૂર વિકાસ થયેલો. ગીચ શહેરો, વિદ્વત્તાપૂર્ણ લખાણો, તેમની લિપિ, બાંધકામો, પગથિયાંવાળા પિરામિડો, બ્રહ્માંડનું નિરીક્ષણ કરવા માટે બનાવવામાં આવેલી વેધશાળાઓ, જાહેર મેળાવડાનાં સ્થળો, મહેલો, ધર્મસ્થાનો-દેવાલયો, ચિત્રો વગેરે તેમના જ્ઞાનની સાક્ષી પૂરે છે. તેમણે બનાવેલા બિલ્ડિંગોની ખાસિયત એ હતી કે એમાં ક્યાંય ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. તેઓ કુશળ ખેડૂતો પણ હતા. ઢાળવાળા વિસ્તારોમાં જંગલો સાફ કરીને તેમણે સારીએવી ખેતી વિકસાવી હતી. વરસાદનું પાણી જ્યાં ટકે નહીં ત્યાં તેઓ ભૂગર્ભમાં વરસાદના પાણીનો સંગ્રહ કરતા.

આટલી સુસંસ્કૃત તથા જ્ઞાની સભ્યતા હોવા છતાં ભીંતચિત્રો બતાવે છે કે એમાં  માનવબલિનો પણ રિવાજ હતો (આ રિવાજ કેવો ક્રૂર હશે એ જોવું હોય તો મેલ ગિબ્સનની ‘ધી ઍપૉકલિપ્ટો’ ફિલ્મ જોવી). મનાય છે કે માનવબલિ માટે બાળકોનો પણ ભોગ લેવાતો, કારણ કે તેઓ બાળકને પવિત્ર ગણતા. જોકે અત્યાર સુધીના રિસર્ચ અને પુરાતત્વવેત્તાઓની વર્ષોની મહેનત પછી પણ મયવાસીઓના રિવાજો અને માન્યતાઓ સંપૂર્ણપણે સમજી શકાયાં નથી. છતાં એવું ધારવામાં આવે છે કે મયવાસીઓ પણ પાતાળ, પૃથ્વી અને આકાશ એમ બ્રહ્માંડના ત્રણ સ્તર ગણતા.

મય લોકો એકથી વધુ કૅલેન્ડર વાપરતા

અત્યારે વિશ્વમાં જેની ચર્ચાઓ ચાલી રહી છે એ મય કૅલેન્ડર થોડી જટિલ જણસ છે. ઍક્ચ્યુઅલી, મય લોકો એકથી વધુ કૅલેન્ડર વાપરતા અને એ દરેક કૅલેન્ડરનો હેતુ, એની ગણતરી તથા ટાઇમ-સ્પૅન અલગ-અલગ રહેતાં.

ઝોલ્કિન કૅલેન્ડર :

મય લોકોએ સૌપ્રથમ વિકસાવેલું કૅલેન્ડર એટલે ઝોલ્કિન. પવિત્ર ગણાતું આ કૅલેન્ડર ૨૬૦ દિવસનું રહેતું. એક રાઉન્ડ તરીકે ૨૬૦નો આંક પસંદ કરવા માટે બે મુખ્ય થિયરીઓ છે. એક તો સ્ત્રી ગર્ભધારણ કરે ત્યારથી લઈને બાળકને જન્મ આપે ત્યાં સુધીનો આ સમય છે. મકાઈનો એક પાક લેવા માટે પણ આટલા દિવસો લાગે એ આ આંક પસંદ કરવા પાછળનું બીજું કારણ.

મય સંસ્કૃતિમાં આંકડાનું ભારે મહત્વ હતું. દાખલા તરીકે એક સામાન્ય માણસ પાસે વીસનો આંક હોય, કેમ કે તે હાથ અને પગની મળીને કુલ વીસ આંગળીઓનો ધણી હોય છે. વીસના આંકને તેઓ યુનલ કહેતા. આવો જ બીજો આંકડો છે ૧૩. આટલી સંખ્યાના મુખ્ય સાંધા માનવશરીરમાં આવેલા છે અને એવું મનાતું કે ત્યાંથી જ માણસને લાગુ પડે છે (ધૅટ ઇઝ એક ગરદન, બે ખભા, બે કોણી, બે કાંડાં, બે નિતંબ, બે ગોઠણ, બે ઘૂંટી). ૧૩ના આંકડા સાથે જોડાયેલી તેમની બીજી એક માન્યતા એ હતી કે ૧૩ પવિત્ર ઈશ્વર પૃથ્વી પર રાજ કરે છે.

આપણે ત્યાં લોકો જ્યોતિષમાં જન્મતિથિ અને સમય પરથી જાતકનો સ્વભાવ, પ્રકૃતિ, તેનું ભવિષ્ય ભાખવાની એક પ્રથા છે. એ જ રીતે મય લોકો પણ ઝોલ્કિન કૅલેન્ડરના જે-તે દિવસે જન્મેલા બાળકનાં લક્ષણો તેના પારણામાંથી જ પારખવાની કવાયત કરતા. આ કૅલેન્ડર પરથી ધર્મગુરુઓ પવિત્ર દિવસો નક્કી કરતા, પરંતુ સૂર્ય ફરતેના પરિક્રમણ પર આધારિત ન હોવાથી આ કૅલેન્ડર સોલર વર્ષ બતાવતું નથી. એ માટે તેમણે બીજું હાબ કૅલેન્ડર વિકસાવ્યું.

- હાબ કૅલેન્ડર :

હાબ કૅલેન્ડર મૂળે સોલર કૅલેન્ડર હોવાથી ઘણે અંશે આપણા અત્યારના ગ્રેગૉરિયન કૅલેન્ડર સાથે મળતું આવે છે. એમાં ૧૩ના સ્થાને ૧૮નો આંકડો નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે ૨૦ યુનલ ગુણ્યા ૧૮ બરાબર ૩૬૦ દિવસનું એક હાબ વર્ષ, પરંતુ સોલર વર્ષ તો ૩૬૦ કરતાં વધારે દિવસોનું હોય છે - લગભગ ૩૬૫ જેટલું. જોકે મય લોકોને ગૂંચવાડો ગમે નહીં અને ૨૦ યુનલનો ગુણાંક તૂટે એ પણ ચાલે નહીં એટલે મય ગણતરીબાજોએ નામ વિનાના પાંચ દિવસો નક્કી કર્યા જેને નામ આપ્યું વાયેબ. એવું કહેવાતું કે આ બહુ જોખમી દિવસો છે, કેમ કે એ પાંચ દિવસ દરમ્યાન પૃથ્વીની રક્ષા કરતા ૧૩ દેવતાઓ આરામ ફરમાવતા હોય છે એટલે પૃથ્વીની રખેવાળી કરનાર કોઈ ન હોવાથી મય લોકો પૃથ્વીની રક્ષા કાજે અને દેવતાઓ ફરીથી પૃથ્વીના રક્ષણની ધુરા સંભાળી લે એ માટે જાતભાતની વિધિઓ કરતા.

કૅલેન્ડર રાઉન્ડ :

હાબ કૅલેન્ડર ઝોલ્કિન કરતાં પણ મોટું હતું અને વળી આખું સૂર્ય-ર્ષ પણ આવરી લેતું હતું, પરંતુ મય લોકોને એના કરતાં પણ વધુ સમય આવરી લે એવા એક કૅલેન્ડરની જરૂર જણાઈ એટલે એ લોકોએ આ બન્ને કૅલેન્ડરને ભેગાં કરીને કૅલેન્ડરનો એક નવો ગાળો-રાઉન્ડ બનાવ્યો. એમાં ઝોલ્કિનના ૨૬૦ દિવસ, હાબ કૅલેન્ડરના ૩૬૦ દિવસ અને પેલા નામ વિનાના પાંચ દિવસને પણ જોડવામાં આવ્યા. અગાઉ ઉપર ઝોલ્કિન માટે કરેલી ગણતરી અનુક્રમે ૩૬૦ અને ૨૬૦ માટે પણ કરીએ તો યુનિક દિવસોની સંખ્યા મળે ૧૮,૮૯૦. એટલે કે લગભગ ૫૨ વર્ષ.

લાંબી ગણતરીનું લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડર :

મય ઇતિહાસકારોની ઇચ્છા એવી હશે કે આવનારાં સેંકડો, હજારો વર્ષોમાં પથરાશે એવી આપણી પેઢીઓનો ઇતિહાસ નોંધવો હોય તો આના કરતાં પણ મોટું કૅલેન્ડર જોઈએ. આ લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડરને ગ્રેટ સાઇકલ કહે છે, જેમાં એક્ઝૅક્ટ કહીએ તો ૫૧૨૫.૩૬ વર્ષ હોય છે. અત્યારે જેના હવાલાથી પૃથ્વીના પ્રલયની આગાહી થાય છે એ આ ૫૧૨૫.૩૬ વર્ષનું ચક્કર પૂરું થયાની છે, પરંતુ એ ચક્કર ગ્રેગૉરિયન કૅલેન્ડરની કઈ તારીખે (જે અહીં ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બર, રાત્રે ૧૧ વાગ્યા અને ૧૧ મિનિટની છે) પૂરું થાય એ કેમ ખબર પડી? ભેજામાં કેમિકલ લોચો થઈ જાય એવું આ ભગીરથ કાર્ય આટોપવા માટે બ્રિટિશ નૃવંશશાસ્ત્રી સર એરિક થૉમ્પસન મેદાને પડ્યા. તેમણે મહેનત લઈને જે પરિણામ આપ્યું એ આજે થૉમ્પસન કોરેલેશન તરીકે ઓળખાય છે. મય સંસ્કૃતિ પર સ્પૅન્યર્ડોના આધિપત્યની ઘટનાઓ મય લોકોના લૉન્ગ કાઉન્ટ કૅલેન્ડર અને સાથોસાથ ગ્રેગૉરિયન કૅલેન્ડર એમ બન્નેમાં નોંધાયેલી છે. એરિક થૉમ્પસન અને તેમના સાથીદારોએ મળીને આ તારીખો એકઠી કરી બન્ને કૅલેન્ડરોમાં સરખાવી અને સ્પૅન્યર્ડોના આક્રમણમાં બચી ગયેલા માત્ર ચાર મય દસ્તાવેજોમાંના એક એવા ડ્રેસ્ડન કોડેક્સ સાથે સરખાવી. લાંબી ગણતરી બાદ તેઓ એવા પરિણામ પર આવ્યા કે હાલના ગ્રેટ સાઇકલની ગણતરી ગ્રેગૉરિયન કૅલેન્ડર પ્રમાણે ઇસવી સન પૂર્વે ૧૩ ઑગસ્ટ, ૩૧૧૪ના રોજ શરૂ થઈ હોવી જોઈએ.

પૃથ્વી પર પ્રલય : તારીખ પે તારીખ

જાતભાતના માનવોથી ધબકતી આ પૃથ્વી સાવ માણસવિહોણી થઈ જશે અને એકેય જીવજંતુ પણ નહીં બચે એવી પ્રલયની આગાહી કંઈ અત્યારે જ થઈ છે એવું નથી. ઇતિહાસ ગવાહ છે કે છેક પ્રાચીન રોમનોના જમાનાથી આવી કાળવાણીઓ કઢાતી રહી છે. એકથી વધુ વખત એવી પણ આગાહીઓ થઈ ચૂકી છે કે ઈશુ ખ્રિસ્ત ફરી વાર આ પૃથ્વી પર જન્મ લેશે. એમાંનો સૌથી જાણીતો હતો વિલિયમ મિલર નામનો અમેરિકન. તેણે જાતભાતની ગાણિતિક ગણતરીઓ કરીને છાતી ઠોકીને આગાહી કરી કે ૧૮૪૩ની ૨૧ માર્ચથી ૧૮૪૪ની ૨૧ માર્ચ વચ્ચે આખી પૃથ્વી આગની જ્વાળાઓમાં લપેટાઈ જશે અને ઈશુ આ પૃથ્વી પર અવતરશે. તેણે જે પ્રચાર કર્યો એમાં એ જમાનામાં તેની વાત લગભગ દસ લાખ લોકો સુધી પહોંચી અને એમાંના એક લાખ લોકોએ તો પોતાનાં ઘરબાર સુધ્ધાં વેચી નાખેલાં તથા પહાડોનાં શિખરો પર જતા રહેલા; પણ જ્યારે કશું થયું નહીં ત્યારે તેણે ઑક્ટોબર ૧૯૪૪ની નવી તારીખ નાખી, પણ એ તારીખેય કશું થયું નહીં. આથી તેના મોટા ભાગના સમર્થકોએ તેને ત્યજી દીધેલો.

આવા જ બીજા એક મહાશય છે હેરોલ્ડ કૅમ્પિંગ. તેણે પણ ‘૧૯૯૪?’ નામના પુસ્તકમાં દાવો કરેલો કે ૧૯૯૪માં ઈશુ જન્મ લેશે અને પૃથ્વીનો અંત આવશે. એ પછી તો તેણે સપ્ટેમ્બર ૧૯૯૪, ૧૯૯૫ની ૩૧ માર્ચ અને ૨૦૧૧ની ૨૧ મેની પણ આવી જ તારીખો આપેલી; પણ આપણે જોઈ શકીએ છીએ કે આવું કશું થયું નથી. બીજા એક વિલિયમ બ્રેનહામે પણ આવી જ આગાહી કરેલી કે ૧૯૭૭માં ઈશુના આગમન સાથે પૃથ્વી નાશ પામશે, પરંતુ એ દિવસ આવે એ પહેલાં વિલિયમ પોતે જ એક કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યો.

ખ્રિસ્તી માન્યતા પ્રમાણે ૬૬૬ એ શેતાનની નિશાની ગણાય છે એટલે ૧૬૬૬માં જ્યારે લંડન શહેરમાં પ્લેગનો રોગચાળો ફેલાયેલો અને એક લાખ લોકોને ભરખી ગયેલો ત્યારે બ્રિટનવાસીઓ માનતા થઈ ગયેલા કે હવે દુનિયાનો અંત નજીક જ છે. અધૂરામાં પૂરું, એ જ વર્ષે લંડનમાં એક બેકરીમાં એવી ભીષણ આગ લાગી જેમાં દસ હજારથી પણ વધુ મકાનો સ્વાહા થઈ ગયેલાં; પણ અફર્કોસ, પૃથ્વી બચી ગઈ.

વીસમી સદીના સિત્તેરના દાયકામાં હાલ લિન્ડ્સે નામના અમેરિકન લેખકે ‘ધ લેટ ગ્રેટ પ્લૅનેટ અર્થ’ નામનું અભ્યાસપૂર્ણ પુસ્તક લખીને ન્યુક્લિયર વૉર, કમ્યુનિસ્ટોનું જોખમ, ઇઝરાયલી સંઘર્ષ વગેરેને આધારે પૃથ્વીના નાશની અમંગળ આગાહી કરેલી. એવું તો કશું થયું નહીં, પરંતુ એ પુસ્તક બેસ્ટસેલર સાબિત થયું અને આવાં પુસ્તકોની એક નવી જ પ્રથા શરૂ થઈ ગઈ.

૧૯૯૯ના અંતમાં Y2K એટલે કે ‘યર ટૂ થાઉઝન્ડ’ નામની વિશ્વવ્યાપી કમ્પ્યુટર એરર થશે અને આખી પૃથ્વીનાં તમામ કમ્પ્યુટરો ઠપ થઈ જશે એવી ભીતિ સર્જા‍યેલી, પરંતુ એ પરપોટો પણ ફૂટી ગયો હતો એ આપણે જાણીએ છીએ.

એક સમયે હેલીનો ધૂમકેતુ પૃથ્વી પર ત્રાટકશે એવી બીકે લોકોને પ્રલયની વાતો કરતા કરી મૂકેલા, પરંતુ એકવીસમી સદીમાં પણ જ્યારે લાર્જ હેડ્રોન કોલાઇડરનો પ્રયોગ શરૂ થયો ત્યારે પણ લોકો પ્રલય-પ્રલય કરવા માંડેલા. હજી આગામી એક-બે સૈકામાં પણ મહાપ્રલય અને કયામત આવશે એવી ઘણા ધાર્મિક સ્કૉલરો વાતો કરે છે, જ્યારે વિજ્ઞાનીઓ કહે છે કે આજથી ૭.૬ અબજ વર્ષ પછી આપણો સૂર્ય રેડ જાયન્ટ તારો બની જશે અને એમાં રહેલા બધા જ હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થઈ જશે એટલું જ નહીં; સૂર્ય પૃથ્વીની સૂર્ય ફરતેની કક્ષાના વીસ ટકા જેટલો ફૂલી જશે અને ત્રણ હજાર ગણો વધુ પ્રકાશિત થઈ જશે ત્યારે પૃથ્વીનો સંપૂર્ણપણે નાશ થશે. જોકે વિજ્ઞાનીઓને એવાં કુદરતી કરતાં ગ્લૉબલ વૉર્મિંગ અને ન્યુક્લિયર શસ્ત્રોના ઉપયોગ જેવાં માનવસર્જિક કારણોને લીધે પૃથ્વીનો નાશ થવાની વધુ ચિંતા સતાવી રહી છે.

16 December, 2012 07:39 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:57 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:30 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK